ગાંધીનગરમાં સોગઠા ગોઠવવાનું શરૂ થયું, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાએ એવી ચાલ ચલી કે સીધા દિલ્હી પહોંચી ગયા

Kunvarji Bavaliya With Amit Shah : સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા કુંવરજી બાવળિયાએ દિલ્હીમાં અમિત શાહ સાથે બંધબારણે કરી બેઠક, તો ગાંધીનગરમાં કંઈક તો નવાજૂની થશે

ગાંધીનગરમાં સોગઠા ગોઠવવાનું શરૂ થયું, સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાએ એવી ચાલ ચલી કે સીધા દિલ્હી પહોંચી ગયા

Gujarat Cabinet Expansion : ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. અચાનક બંધબારણે બેઠકોનો દોર શરૂ થયો છે. પરંતું સૌરાષ્ટ્રના એક દિગ્ગજ નેતાએ દિલ્હીમાં અમિત શાહ સાથે કરેલી બેઠકની ચર્ચા વધુ થઈ રહી છે. આ બેઠકની તસવીરો સામે આવતા અનેક પ્રકારની વાતો વહેતી થઈ છે. 

રાજ્યના અન્ન નાગરિક વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ ગઈકાલે દિલ્હીના પ્રવાસે હતા. જ્યાં તેમણે ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરતા ગુજરાતમાં રાજકીય અટકળો તેજ બની છે. 

ગુજરાતમાં મંત્રીમંડળમાં બદલાવની ચર્ચા તેજ બની છે. દિલ્હી ખાતે અમિત શાહે હર્ષ સંઘવી અને કુંવરજીભાઈ બાવળિયા સાથે બેઠક યોજતા ગુજરાત ભાજપમાં તરેહતરેહની વાતો વહેતી થઈ છે. આ કારણે ગાઁધીનગરની ગલિયારીઓમાં ચર્ચા તેજ બની છે. ગુજરાતમા ગમે ત્યારે મંત્રીમંડળમાં ફેરફારના એંધાણ લાગી રહ્યા છે. કારણ કે, બચુ ખાબડને તમામ સરકારી વહીવટથી દૂર રખાયા છે. ત્યારે હવે નવા મંત્રી બનવા માટે બધા સોગઠા ગોઠવાઈ રહ્યાં છે. 

બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની પણ ચર્ચા થઈ હતી 
ગત વર્ષે ગુજરાતમાં લોકસભા ચૂંટણી બાદ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ફેરફાર થવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. આવામાં કોળી સમાજના આગેવાન ભૂપત ડાભીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કુંવરજી બાવળિયાને મુખ્યમંત્રી બનાવવાની માંગ મૂકી હતી. આ દરમિયાન કુંવરજી બાવળિયા દિલ્હી ગયા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જોકે આ વચ્ચે ગુજરાતમાં વર્તમાન સરકારમાં મુખ્યમંત્રી બદલવાની ખાસ ચર્ચા તો આ એક પત્રથી થઈ હતી. ત્યારે રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે કોળી સમાજને પ્રાધાન્ય આપવાની દિશામાં આ એક આગોતરા પગલા સમાન હતી. પત્રમાં લખ્યું હતું કે, ગત લોકસભામાં સૌરાષ્ટ્રના કોળી સમાજ તેમજ ઉત્તર ગુજરાત ઠાકોર સમાજ અને દક્ષિણ ગુજરાતમાં કોળી પટેલ સમાજ સંપૂર્ણ સાથે રહ્યો છે. તો કોળી સમાજની માગણી છે કે ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રીનું પદ કુંવરજી બાવળિયાને મળે. ગુજરાત રાજ્યમાં કોળી સમાજની વસ્તી 32 ટકા છે.

કુંવરજી બાવલિયા ગત  ઘણી ચૂંટણીઓથી રાજકોટની જસદણ વિધાનસભા બેઠકથી ચૂંટાતા આવ્યા છે. આ સિવાય તેઓ રાજકોટથી સાંસદ પણ રહી ચૂક્યા છે. હાલમાં ગુજરાતની ભાજપ સરકારમાં કૅબિનેટ મંત્રી છે અને અખિલ ભારતીય કોળી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે. કોળી મતબેંક પર તેમની મોટી અસર છે. 

ગુજરાતમાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થવાની અટકળો ચાલી રહી છે. પરંતું તેનો કોઈ નિર્ણય આવતો નથી. કોને મંત્રી પદથી હટાવાશે અને કોને નવું મંત્રીપદ સોંપાશે તે મુદ્દે ચર્ચા થઈ હોય તેવું અંદરખાને ચર્ચાઈ રહ્યું છે. મનરેગા કૌભાંડને કારણે સરકારની છબી ખરડાઈ છે. ત્યારે બચુ ખાબડની વિદાય નક્કી હોય તેવું કહેવાય છે. ગુજરાતમાં ગમે ત્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. બીજી તરફ, ગુજરાતના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલનો કાર્યકાળ પણ પૂરો થઈ ગયો છે. ત્યારે નવા પ્રદેશ પ્રમુખ કોણ એ મામલે પણ લટકતું ગાજર છે. 

આમ, અમિત શાહની મુલાકાતો અનેક સવાલો ઉભા કરી રહી છે. ત્યારે હાઈકમાન્ડ શું નિર્ણય લે છે તેની રાહ જોવાઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news