ફરાળી પેટિસમાં મકાઈના લોટની ભેળસેળ! ઉપવાસમાં બહારનું ખાતા હોવ તો ચેતી જજો

બહારનું સતત ભોજન કરવાની આદત તમને બીમાર પાડી શકે છે. ગુજરાતમાં અનેક જગ્યાએ ખાણી-પીણીમાં ભેળસેળ કરી લોકોને ખવળાવી દેવામાં આવે છે. તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ દ્વારા ચેકિંગ શરૂ કરવામાં આવતા અનેક જગ્યાએથી બિનઆરોગ્યપ્રદ ખાદ્ય જથ્થો ઝડપાયો છે.

ફરાળી પેટિસમાં મકાઈના લોટની ભેળસેળ! ઉપવાસમાં બહારનું ખાતા હોવ તો ચેતી જજો

Gujarati News: નકલીનો કાળો કારોબાર ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે...ભોળી પ્રજા અસલીના નામે નકલી પધરાવવાનો આખો ખેલ ચાલી રહ્યો છે...સુરતમાંથી નકલી મસાલા મળી આવ્યા...તો રાજકોટમાં ફરાળી વાનગીઓમાં લોટ મિલાવીને આસ્થા સાથે ખિલવાડનું કામ થઈ રહ્યું છે...જામનગરથી પણ તહેવાર ટાણે તંત્રએ દરોડા પાડીને અખાદ્ય જથ્થો ઝડપી પાડ્યો...જુઓ અખાદ્ય જથ્થાના કાળા કારોબારનો આ ખાસ અહેવાલ...

ગુજરાતમાં નકલી ખાદ્ય પદાર્થોનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે... ભોળી પ્રજા અસલીના નામે નકલી વસ્તુઓ ખરીદી રહી છે. સુરતથી રાજકોટ અને જામનગર સુધી, નકલી મસાલા, ફરસાણ અને મીઠાઈનો ધંધો પકડાયો છે, જેનાથી લોકોના આરોગ્ય અને આસ્થા સાથે ખેલ થઈ રહ્યો છે.

સુરતના ઉધનામાં ફૂડ વિભાગે 28 જુલાઈએ દરોડા પાડી 24.11 લાખનો નકલી મસાલાનો જથ્થો જપ્ત કર્યો. મેગી અને એવરેસ્ટ જેવી બ્રાન્ડેડ કંપનીઓના નામે નકલી મસાલા બનાવવામાં આવતા હતા. ફૂડ એનાલિસ્ટે આ નમૂનાઓને અનસેફ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ અને ધરપકડ પણ થઈ છે. 

પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ કરતા ભક્તોની આસ્થા સાથે પણ છેતરપિંડી...રાજકોટના જલારામ ફરસાણમાં ફરાળી પેટીસમાં મકાઈનો લોટ મળી આવ્યો, જે ઉપવાસમાં ખાઈ શકાતો નથી. ફૂડ વિભાગે 85 કિલો વાસી પેટીસ અને 5 કિલો મકાઈના લોટનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો. 

જામનગરમાં પણ ફૂડ વિભાગ એલર્ટ મોડ પર છે. તહેવારોની સિઝનમાં મીઠાઈ અને ફરસાણની દુકાનો પર દરોડા પાડવામાં આવ્યા. પેંડા, બરફી અને ગુલાબજાંબુના નમૂના લઈ વડોદરાની લેબમાં પરીક્ષણ માટે મોકલાયા છે. આ કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

આ ઘટનાઓએ ગુજરાતના ખાદ્ય બજારમાં નકલી પદાર્થોના વધતા જોખમની ઘંટડી વગાડી છે. ફૂડ વિભાગની આ કાર્યવાહી આવકારદાયક છે, પરંતુ શું આવા નકલી ધંધાને સંપૂર્ણ રીતે રોકી શકાશે?.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news