અમદાવાદમાં વરસાદે તારાજી સર્જી, અનેક જગ્યાએ ભૂવા પડ્યા, વૃક્ષો ધરાશાયી, એકનું મોત
Ahmedabad Rain: અમદાવાદમાં ગત રાત્રે આવેલા ભારે વરસાદે તારાજી સર્જી છે. શહેરમાં મોડી સાંજે પડેલા વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. બીજીતરફ લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં અનેક જગ્યાએ ભૂવાઓ પડી ગયા છે.
Trending Photos
અમદાવાદઃ અમદાવાદના પૂર્વમાં મેઘરાજાની તોફાની બેટિંગ કરી છે. મણિનગરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ નોંધાયો છે. ઓઢવમાં 4.5 ઈંચ, રખિયાલમાં 4 ઈંચ વરસાદ, મેમ્કોમાં 3.5 ઈંચ, વિરાટનગરમાં 3.2 ઈંચ વરસાદ, નિકોલમાં 3 ઈંચ, નરોડામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો, વટવા અને રામોલમાં 2.4 ઈંચ અને દૂધેશ્વરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. ચાર કલાકના સરેરાશ માત્ર 2 ઈંચ વરસાદમાં જ પૂર્વ અમદાવાદ પાણીમાં ડૂબ્યું છે. મણિનગરમાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ થતાં કમરસુધીના ભરાયા પાણી છે.
એક વ્યક્તિનું મોત
અમદાવાદમાં પડેલા ભારે વરસાદને કારણે એક વ્યક્તિ કેનાલમાં પડી જતાં તેનું મોત થયું છે. આશરે 10 કલાક બાદ તેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. બીજીતરફ હાટકેશ્વરના ભાઈપુરા ભગવાન દાસની ચાલીમાં એક મકાન ધરાશાયી થયું છે. અમરાઈવાડીની સિધેશ્વર સોસાયટીમાં મકાનમાં પાણી ભરાતા લોકો ફસાયા હતા, જેને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા છે.
અમદાવાદના સીટીએમ પાસે કેનાલમાં એક ઈકો કાર પડી ગઈ હતી. બીજીતરફ ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વૃક્ષો પણ ધરાશાયી થયા છે. અમદાવાદના અનુપમ સિનેમા રોડ પાસે એક તરફનો રોડ ધસી ગયો છે. અહીં રોડ ધસી જતાં મોટો ભૂવો પડી ગયો છે. તંત્રએ એક તરફનો રોડ બંધ કર્યો છે.
બુધવારે સાંજ બાદ સતત શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. સેટેલાઈટ, પ્રહલાદનગર, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, ઘોડાસર, ઇસનપુર, નરોડા, વસ્ત્રાલ, ઓઢવ, જશોદાનગર, રામોલ, હાથીજણ, વસ્ત્રાપુર, બોડકદેવ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ ખાબક્યો છે. બે થી ચાર ઈંચ જેટલો વરસાદ ખાબકતા પૂર્વના ઓઢવ, મણિનગર અને હાટકેશ્વર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
અમદાવાદમાં જળબંબાકારની સ્થિતિ
અમદાવાદના મણિનગરમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે. ખોખરા, મણિનગર, જમાલપુર, વસ્ત્રાલ, બાપુનગર, નિકોલ, અમરાઈવાડી, એલિસબ્રિજ, નરોડા, કુબેરનગરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે. પાણી ભરાતા કુબેરનગર અંડરપાસ બંધ કરાયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી સર્જાઈ છે. અનેક સોસાયટીઓ અને ચાલીઓમાં પાણી ભરાઈ ગયાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે