ટ્રક ડ્રાઈવરના સાહસને સલામ! મોતના મુખમાંથી બહાર આવી લોહીલુહાણ હાલતમાં પણ બીજાનો જીવ બચાવ્યો
Gujarat Bridge Collapse : મુજપુર - ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં ટ્રક ડ્રાઈવર ગણપતસિંહ રાજપૂત બન્યા અદમ્ય સાહસ અને માનવતાનું પ્રતીક
Trending Photos
Gambhiara Bridge Collapse રવિ અગ્રવાલ/વડોદરા : ગણપતસિંહ રાજપૂત, ૪૦ વર્ષીય એક સામાન્ય ટ્રક ડ્રાઈવર, જે દહેજથી કંડલા બંદર ટેન્કર ટ્રકમાં સલ્ફયુરિક એસિડ લઈને જઈ રહ્યા હતા. પરંતુ મુજપુર-ગંભીરા બ્રિજ પર બનેલી એક ગોઝારી ઘટનાએ તેમના જીવનમાં અણધારી આફત સર્જી હતી. આ અકસ્માતમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા, તેમ છતાં તેમણે જે અદમ્ય સાહસ અને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું, તે ખરેખર પ્રેરણાદાયક છે.
ઘટના એટલી ભયાવહ હતી કે બ્રિજ પરથી નદીમાં ખાબક્યા બાદ ગણપતસિંહને લગભગ ૧૫ મિનિટ સુધી ભાન જ નહોતું. શરીરને એકાએક ઠંડક લાગી અને જ્યારે તેમને ભાન આવ્યું, ત્યારે તેમણે જોયું તો તેઓ પોતાના વાહન સહિત અનેક લોકો સાથે નદીમાં પડ્યા હતા.
તેમણે એક પગથી લાત મારીને ટ્રકનો કાચ તોડીને ટ્રક અને પાણીમાંથી બહાર નીકળીને પુલના થાંભલા પાસે સુરક્ષિત રીતે પોતાને બચાવ્યા. એક હાથે અને એક પગે ગંભીર ઈજા થઈ હતી અને તેઓ લોહીલુહાણ અવસ્થામાં હતા. પીડા અસહ્ય હતી, શરીર સાથ નહોતું આપી રહ્યું, છતાં તેમની નજર મહીસાગર નદીના પ્રચંડ વહેણમાં વહી રહેલા નરેન્દ્રસિંહ પરમાર પર પડી.
પોતાના જીવની પરવા કર્યા વગર, ગણપતસિંહે બાકી રહેલા એક હાથ અને એક પગનો ઉપયોગ કરીને, અકલ્પનીય હિંમત દાખવીને, નરેન્દ્રસિંહને બચાવવા માટે પ્રયાસ કર્યો. પ્રચંડ વહેણ અને પોતાના શરીરની ગંભીર ઈજાઓ વચ્ચે પણ તેમણે હાર ન માની. અદમ્ય મનોબળ અને માનવતાની ભાવનાથી પ્રેરાઈને, તેમણે નરેન્દ્રસિંહને હેમખેમ બચાવ્યા.
ગણપતસિંહ રાજપૂત જણાવે છે કે, હું એક ટ્રક ડ્રાઈવર છું. રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ખેડા ગામમાં રહું છું અને ગામ નદી કિનારે હોવાથી ખૂબ સારો તરવૈયો છું. જો હું વધારે ઇજાગ્રસ્ત ન થયા હોત તો મારી તરણ કૌશલ્યથી ૭ થી ૮ લોકોને બચાવી શક્યો હોત અને ખુબજ નાના બે બાળકોને બચાવવું તેમની પ્રાથમિકતા હોત.
આ ઘટના તેમના માટે જેટલી સાહસ અને વીરતાની હતી તેટલીજ લાચારી ભરેલી પણ હતી. તેઓ જણાવે છે કે, જ્યારે તેમણે નરેન્દ્રભાઈને બચાવ્યા, પણ તે સમયે ઇજાગ્રસ્ત સોનલબેન પઢિયાર સહિત પોતાનો જીવ બચાવવા માટે વલખાં મારતા લોકો ગણપતસિંહ સામે લાચાર આંખે મદદ મળશે તેવી નજરે જોઈ રહ્યા હતા. પણ ગણપતસિંહ આ લોકોની મદદ ન કરી શકવાની અક્ષમતા તેમના માટે અત્યંત પીડાદાયક બની ગઈ હતી. તેમણે પારાવાર દુઃખ છે કે તેઓ પોતાની નજર સામે નાના બાળકો સહિત લોકોને ડૂબતા જોયા પણ બચાવી ન શક્યા.
જોકે, કમનસીબે, નરેન્દ્રસિંહ પરમારનું સારવાર દરમિયાન ઘટનાના બે દિવસ પછી નિધન થયું છે. આ સમાચાર ગણપતસિંહ માટે અત્યંત દુઃખદ હતા, કારણ કે તેમણે પોતાના જીવની પરવા કર્યા વગર જે પ્રયાસ કર્યો હતો, તે સફળ ન થઈ શક્યો.
જ્યારે પોતાનો જીવ જોખમમાં હોય, શરીર પીડાથી કણસી રહ્યું હોય, અનેક ઇજાઓમાંથી લોહી વહી રહ્યું હોય, ત્યારે પણ અન્યના જીવ બચાવવાનો પ્રયાસ કરવો એ કોઈ સામાન્ય વ્યક્તિનું કામ નથી. ગણપતસિંહનું આ કાર્ય તેમની અદમ્ય હિંમત, પરોપકારવૃત્તિ અને મજબૂત મનોબળ દર્શાવે છે. ગણપતસિંહ રાજપૂતની આ સાહસ કથા દર્શાવે છેકે સાચી વીરતા શારીરિક શક્તિમાં નથી, પરંતુ માનસિક દ્રઢતા, કરુણા અને અન્યના ભલા માટે કંઈક કરવાની ભાવનામાં છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે