US Immigration: ગ્રીન કાર્ડ ધારકો માટે ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ, ભારત સહિત વિશ્વભરના લાખો લોકોને આંચકો

US Immigration Law:  અમેરિકાના કાયમી રહેવાસીઓ માટે એક આદેશ જારી કરવામાં આવ્યો છે. ગ્રીન કાર્ડ ધારકોને કડક ચેતવણી આપતાં ટ્રમ્પ સરકારે તેમને કાર્યવાહી કરવા કહ્યું છે. ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન એક્ટ હેઠળ કાર્યવાહી કરશે અને આ મામલો આતંકવાદી સંગઠનો સાથે સંબંધિત છે.
 

US Immigration: ગ્રીન કાર્ડ ધારકો માટે ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ, ભારત સહિત વિશ્વભરના લાખો લોકોને આંચકો

US Immigration Law Update: ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પછી હવે અમેરિકા કાયમી ઇમિગ્રન્ટ્સ સામે પણ કડક કાર્યવાહી કરવા જઈ રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે હવે ગ્રીન કાર્ડ ધારકો માટે એક આદેશ જારી કર્યો છે. યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ ટ્વીટ કર્યું છે કે ટ્રમ્પ સરકાર ઇમિગ્રેશન કાયદો લાગુ કરીને અમેરિકાના તે કાયમી રહેવાસીઓને દેશમાંથી હાંકી કાઢશે જેમણે વિદેશી આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલ હોય કે ગેંગને કોઈપણ રીતે ટેકો અને સહયોગ આપ્યો છે. ટ્રમ્પનો આ આદેશ અમેરિકામાં રહેતા ભારત સહિત વિશ્વભરના લાખો દેશોના લોકોને આંચકો આપી શકે છે.

યુએસ ઇમિગ્રેશન કાયદાની જોગવાઈ
તમને જણાવી દઈએ કે અમેરિકામાં ઇમિગ્રેશન એક્ટ ઇમિગ્રેશન અને રાષ્ટ્રીયતા અધિનિયમ (INA) 1952 નું સુધારેલું સ્વરૂપ છે. સમયાંતરે 1952 ના કાયદામાં સુધારો કરીને નવી જોગવાઈઓ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ અમેરિકામાં કાયમી અને અસ્થાયી રહેવાસીઓ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આતંકવાદી સંગઠનો સંબંધિત નીતિઓનું વર્ણન ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ (INA), એક્ઝિક્યુટિવ ઓર્ડર 13224 ની કલમ 212 અને 237 માં પણ કરવામાં આવ્યું છે. આ કાયદા અને નિયમો અમેરિકન નાગરિકો અને યુનાઇટેડ સ્ટેટ્સમાં વિદેશી ઇમિગ્રન્ટ્સ અથવા ગ્રીન કાર્ડ ધારકોને લાગુ પડે છે.

— ANI (@ANI) July 21, 2025

આતંકવાદીઓના સમર્થકો માટે જોગવાઈઓ
INA ની કલમ 212(a)(3)(B) હેઠળ વિદેશી આતંકવાદી સંગઠનોના સભ્યો અથવા તેમના સમર્થકો અમેરિકામાં પ્રવેશી શકતા નથી. આ નિયમ એવા લોકોને પણ આવરી લે છે જેમણે આતંકવાદી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો છે. INA ની કલમ 237(a)(4)(B) હેઠળ જો બહારથી અમેરિકામાં સ્થાયી થયેલી કોઈપણ વ્યક્તિ અથવા ગ્રીન કાર્ડ ધારક કોઈ વિદેશી આતંકવાદી સંગઠનને કોઈપણ રીતે મદદ કરે છે અથવા ટેકો આપે છે, તો તેને અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવી શકે છે.

અમેરિકાના પોતાના નાગરિકો માટે નિયમ
અમેરિકાના નાગરિકો માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે કે જો અમેરિકાનો કોઈ નાગરિક જાણી જોઈને કોઈ વિદેશી આતંકવાદી સંગઠનને મદદ કરે છે અથવા ટેકો આપે છે, તો તે કૃત્ય ગેરકાયદેસર રહેશે. આ માટે આરોપીને 20 વર્ષ સુધીની જેલ અથવા આજીવન કેદની સજા થઈ શકે છે. કાયદામાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ફક્ત વિચારધારાને ટેકો આપવો એ સજાપાત્ર નથી, પરંતુ જો કોઈ પ્રવૃત્તિ આતંકવાદી સંગઠન માટે કરવામાં આવે છે, તો તે સજાપાત્ર ગુનો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જારી કર્યો હતો એક આદેશ 
20 જાન્યુઆરી, 2025 ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે એક્ઝિક્યુટિવ ઓર્ડર 14159 પર હસ્તાક્ષર કર્યા, તેમનો બીજો કાર્યકાળ શરૂ થયો. આ આદેશ અનુસાર રાષ્ટ્રપતિ ટ્રમ્પે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અને આતંકવાદ અથવા આતંકવાદીઓ સાથે સંકળાયેલા લોકો પર કડક કાર્યવાહી વધારવા જણાવ્યું હતું. આ આદેશ સાથે INA ની કલમ 262 (એલિયન નોંધણી) લાગુ કરવામાં આવી હતી, જે હેઠળ બહારથી આવીને અમેરિકામાં સ્થાયી થયેલા લોકોએ જો 30 દિવસથી વધુ સમય માટે અમેરિકામાં રહે છે તો નોંધણી કરાવવી પડશે અને ફિંગરપ્રિન્ટ કરાવવી પડશે. આ આદેશનું ઉલ્લંઘન હકાલપટ્ટીનો આધાર બની શકે છે.

ભારતીયો માટે કાયદામાં જોગવાઈ છે કે જો અમેરિકામાં રહેતો કોઈપણ ભારતીય અથવા ગ્રીન કાર્ડ ધારક TRF અથવા લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો જોવા મળે છે, તો તેને INA ની કલમ 237 (a) (4) (B) હેઠળ અમેરિકામાંથી હાંકી કાઢવામાં આવી શકે છે.

TRF ને જાહેર કરવામાં આવ્યું છે વિદેશી આતંકવાદી સંગઠન 
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ INA ની કલમ 219 હેઠળ આતંકવાદી સંગઠનને વિદેશી આતંકવાદી સંગઠન (FTO) તરીકે જાહેર કરે છે. અમેરિકાએ 18 જુલાઈ 2025 ના રોજ ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ને વિદેશી આતંકવાદી સંગઠન અને વૈશ્વિક આતંકવાદી સંગઠન જાહેર કર્યું હતું, કારણ કે આ સંગઠને 22 એપ્રિલ 2025 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો કર્યો હતો. 

આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. TRF ને પાકિસ્તાન સમર્થિત લશ્કર-એ-તૈયબાનું સાથી માનવામાં આવે છે. આ પછી જ, ટ્રમ્પ સરકારે ઇમિગ્રેશન કાયદા હેઠળ કાયમી રહેવાસીઓ અને ગ્રીન કાર્ડ ધારકો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news