લો બોલો! ગુજરાતના શિક્ષકો શું શું કરશે? ઘેલા સોમનાથમાં અપાઈ મોટી જવાબદારી, વિવાદ થતાં પરિપત્ર રદ
Rajkot News: રાજકોટની જસદણ પ્રાંત કચેરી દ્વારા એક તઘલખી નિર્ણય લેવામાં આવતા શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. ઘેલા સોમનાથના મેળામાં શિક્ષકોને ભોજન વ્યવસ્થાની જવાબદારી સોંપાઈ હતી. શિક્ષકોએ પોતાની શાળા પતાવ્યા બાદ ભક્તોનું પણ ધ્યાન રાખવું પડશે. પરંતુ મીડિયામાં ભારે ઉહાપોહ બાદ આ પરિપત્ર રદ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
Trending Photos
સોમનાથના પવિત્ર શ્રાવણી મેળામાં આ વર્ષે રાજકોટની જસદણ પ્રાંત કચેરી દ્વારા એક અનોખો અને ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે. જે શિક્ષકોની જવાબદારી બાળકોને શિક્ષણ આપવાની છે, તેમને આ મેળામાં VVIP ભક્તોની ભોજન વ્યવસ્થા અને કેટરિંગ સેવાની જવાબદારી સોંપવામાં આવી હતી. પરંતુ ભારે વિવાદ થયા બાદ આ પરિપત્ર રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ નિર્ણયના કારણે શિક્ષણ વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉભા થઈ રહ્યા હતા.
શિક્ષકોને મેળામાં VVIP ની સેવા માટે ફરજ પર મૂકવાથી બાળકોના શિક્ષણ પર સીધી અસર પડે તે સ્વાભાવિક છે. શિક્ષકો જો મેળામાં વ્યસ્ત રહેશે, તો વિદ્યાર્થીઓને શિક્ષણ આપશે કોણ? આ પ્રશ્ન શિક્ષણતંત્ર અને વહીવટી નિર્ણયોની પ્રાથમિકતાઓ પર ગંભીર સવાલ ઉભા કરે છે.
તમને જણાવી દઈએ કે રાજકોટની જસદણ પ્રાંત કચેરી દ્વારા ઘેલા સોમનાથના મેળામાં શિક્ષકોને દૈનિક ધોરણે બે-બે શિક્ષકોને આ જવાબદારી નિભાવવા માટે ફરજ સ્થળે નિયમિત હાજર રહેવાની સૂચના આપવામાં આવી હતી. આ આદેશે શિક્ષણ ક્ષેત્રે નવો વિવાદ જન્માવ્યો હતો, કારણ કે શિક્ષકોની આ ભૂમિકા તેમની મૂળ જવાબદારીથી સાવ વિપરીત હતી. પરંતુ બાદમાં ભાન થતાં પરિપત્ર રદ્દ કરાયો છે.
શિક્ષણ મંત્રીનું નિવેદન
ઘેલા સોમનાથ મંદિર શિક્ષકોને કામગીરી સોંપવા બાબતે ગુજરાતના શિક્ષણ મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે ઘેલા સોમનાથ મંદિર જૂનું અને ઐતિહાસિક છે. સૌને શ્રવણ માસની શુભકામના...શિક્ષકોને કામગીરીનો ઓર્ડર રદ કરવા આદેશ અપાયો છે. જેને સ્વેચ્છાએ જવું હોય એ જઈ શકે છે. શિક્ષકો શાળા સમય પહેલા અને પછી અથવા રજાના દિવસે સેવા આપી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે