મળવા નહીં આવે તો મારી નાખીશ, પ્રેમિએ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી પ્રેમિકાની કરી હત્યા

Ahmedabad Crime News: પ્રેમ સંબંધમાં અમદાવાદમાં વધુ એક મહિલાએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. એક પરિણીત મહિલાને બીજા વ્યક્તિ સાથે આડા સંબંધો હતા જેનો દર્દનાક અંત આવ્યો છે. પ્રેમિએ છરીના ઘા ઝીંકી મહિલાની હત્યા કરી છે.

મળવા નહીં આવે તો મારી નાખીશ, પ્રેમિએ ઘરમાં ઘૂસી છરીના ઘા મારી પ્રેમિકાની કરી હત્યા

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હત્યાની ઘટના બની છે. પ્રેમ સંબંધમાં યુવકે પરિણીત પ્રેમિકાના ઘરમાં ઘૂસી તેની હત્યા કરી છે. મૃતક મહિલા પોતાના પતિ, સાસુ અને દીકરી સાથે લગ્ન જીવન પસાર કરી રહી હતી. ત્યારે આ મહિલાને તેના પ્રેમિએ મોતને ઘાટ ઉતારી દીધી છે. શું છે આ સમગ્ર ઘટના, તમે પણ જાણો...

વસ્ત્રાલમાં મહાદેવ નગર ટેકરા નજીક આવેલી હર ભોળાનાથ સોસાયટીના ઘર નંબર 52માં મંગળવારે રાતના સમયે એક મહિલાની હત્યા થઈ હતી. રાતના આઠ વાગ્યાના અરસામાં 35 વર્ષીય અંકિતા પ્રજાપતિ પોતાના ઘરમાં હાજર હતી તે દરમિયાન અમિત પટેલ નામનો યુવક ઘરમાં ઘૂસી આવ્યો હતો અને ઉપરા છાપરી છરીના 10 જેટલા ઘા મારી ફરાર થઈ ગયો હતો. તે સમયે ઘરમાં મહિલાના સાસુ હાજર હોય તેમણે સમગ્ર ઘટના નરી આંખે જોઈ હતી. અંકિતા પ્રજાપતિની હત્યા થઈ તેના થોડાક કલાક પહેલાં જ તેણે પોતાના પતિ ચંદ્રકાંત પ્રજાપતિને ફોન કરીને અમિત પટેલ તેને મળવા માટે બોલાવે છે અને તે ના પાડતા તેના ઘરની આસપાસ આંટા મારે છે જેના કારણે તેને ડર લાગે છે, એવું પતિને જણાવ્યું હતું. જેના કારણે ફરિયાદી પણ પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા પરંતુ પતિ ઘરે પહોંચે તે પહેલા જ આરોપીએ તેઓની પત્નીને જાનથી મારી નાખી હતી.

— Zee 24 Kalak (@Zee24Kalak) May 28, 2025

વર્ષ 2017માં ફરિયાદી ચંદ્રકાંતભાઈ પ્રજાપતિએ તેની પત્ની અંકિતા પ્રજાપતિને અમિત પટેલ સાથે ફોન પર વાત કરતા પકડી પાડી હતી. જે સમયે તેણે અશોક પટેલે તેને ફોન આપ્યો હોય તેવી હકીકત જણાવી હતી. બંને વચ્ચેના આડા સંબંધની જાણ ફરિયાદીને થતા તેણે અશોક પટેલ સાથે ઝઘડો કર્યો હતો અને જેને લઈને રામોલ પોલીસ સ્ટેશનમાં અશોક પટેલ અને તેના મિત્ર સંદીપ પટેલ સામે ગુનો પણ નોંધાયો હતો. જે બાદ ફરિયાદી અશોક પટેલથી કંટાળી જતા તેઓએ પોતાનો ફ્લેટ વેચીને અન્ય જગ્યા પર ભાડે રહેવા ગયા હતા. જે બાદ પણ તેઓની પત્ની અને અશોક પટેલ વચ્ચે પ્રેમ સંબંધ ચાલુ રહ્યો હતો. અશોક પટેલ અવારનવાર ફરિયાદીના નવા ઘરે પણ આંટા ફેરા મારતો હોય જેના કારણે તેના મકાન માલિકે મકાન ખાલી કરવાનું કહ્યું હતું. જે પછી ફરિયાદીએ વસ્ત્રાલમાં હરભોળાનાથ સોસાયટીમાં મકાન ખરીદ્યું હતું અને ત્યાં રહેવા માટે ગયા હતા. જ્યાં પણ અશોક પટેલ અવારનવાર ઘરની આસપાસ આંટા ફેરા મારતો હતો અને અંકિતા પ્રજાપતિને મળવા માટે દબાણ કરતો હતો. 

અંકિતા પ્રજાપતિ મળવા ન જાય તો તેના બાળકોને ઉપાડી જઈને મારી નાખવાની ધમકીઓ આપતો હતો અને પોતાની સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતો હતો, જેના કારણે અંકિતા પ્રજાપતિ અવારનવાર અશોક પટેલને મળવા જતી હતી. વર્ષ 2020 માં ઉતરાયણના રોજ રાત્રિના સમયે અશોક પટેલ પોતાની સાથે ત્રણથી ચાર લોકોને લઈને ફરિયાદીના ઘરે આવ્યો હતો, જો કે સોસાયટીના બહાર સભ્યો બેઠા હોય તેના કારણે તે જતો રહ્યો હતો. જે અંગે અશોક પટેલ અને તેના મિત્રો વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. જે બાદ પણ અશોક પટેલે અંકિતા પ્રજાપતિને મળવા માટે દબાણ કરવાનું ચાલુ રાખ્યું હતું. 

27મી મે 2025 ના રોજ ફરિયાદી તેઓના ગેરેજ પર હતા, તે સમયે સાંજના પોણા છ વાગે તેઓની પત્ની અંકિતાનો ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે અશોક પટેલ તેને ફોન કરી મળવા બોલાવે છે અને તેણે ના પાડતા તે ઘરની બહાર બાઈક લઈને આંટા મારે છે. જેથી તેણે દીકરી સાથે પતિની દુકાને આવવાનું કહેતા તેના પતિએ ના પાડતા તે પોતે ઘરે આવે છે તેવું જણાવ્યું હતું. જોકે થોડાક સમય બાદ તેઓની સોસાયટીમાંથી બાજુમાં રહેતા વ્યક્તિએ અને તેઓની દીકરીએ ફોન કરી અશોક પટેલે અંકિતાને છરી મારી છે, તેવું કહેતા તે પોતાના ઘરે પહોંચ્યા હતા અને જ્યાં તેની પત્ની મૃત હાલતમાં જોવા મળી હતી. અશોક પટેલે તેને આંતરડા બહાર આવી જાય ત્યાં સુધી છરીઓ મારી હતી. 

ફરિયાદીની માતા સાંજના સમયે ઘરે હાજર હતા, તે સમયે અશોક પટેલ અચાનક તેઓના ઘરે આવ્યો હતો અને અંકિતા પ્રજાપતિ ઘરમાં રસોઈ કરતી હતી, તે દરમિયાન તેણે રસોડામાં જઈને તેની સાથે ઝઘડો કર્યો હતો અને અચાનક જ પોતાની પાસે રહેલા ચપ્પાથી ઉપરાછાપરી ઘા માર્યા હતા. જેના કારણે અંકિતાને ઈજાઓ તથા તેની નીચે બેસી ગઈ હતી અને અશોક પટેલ પોતાના મિત્ર સાથે બાઈક પર બેસી ફરાર થઈ ગયો હતો. આ મામલે રામોલ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી અશોક પટેલ અને તેના મિત્ર સન્ની સુરેશભાઈ પટેલની ધરપકડ કરી છે. જોકે હવે આરોપીની તપાસમાં હત્યા પાછળનું કારણ શું છે તે તપાસ બાદ સામે આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news