બોપલ આત્મહત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, મૃતકે લૂંટના બહાને મંગાવી હતી પિસ્તોલ

Ahmedabad News: અમદાવાદના બોપલમાં ફાયરિંગ મોત કેસ મામલામાં તપાસ દરમિયાન ખુલાસો થવા પામ્યો છે. મૃતકે આત્મહત્યા કરવા માટે ગેડીયા ગેંગના જૂના મિત્ર પાસેથી હથિયાર મંગાવી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા બાદ પિસ્તોલ આપનારા આરોપીઓ પિસ્તોલ લઈને ફરાર થઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસે પિસ્તોલ આપનાર બન્ને આરોપીઓની હથિયાર સાથે ધરપકડ કરી છે. હાલ તો પોલીસે હથિયાર અને આત્મહત્યાના સમગ્ર કેસ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

બોપલ આત્મહત્યા કેસમાં અનેક ચોંકાવનારા ખુલાસા, મૃતકે લૂંટના બહાને મંગાવી હતી પિસ્તોલ

ઉદય રંજન/ અમદાવાદ: અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત મંગળવારે શિવાલિક સોસાયટીના આ ઘરમાં કલ્પેશ ટુડિયા નામના વ્યક્તિએ ફાયરિંગ કરી આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં કલ્પેશ ટુડીયાની આત્મહત્યા બાદ જે હથિયારથી કલ્પેશ ટુડિયાએ આત્મહત્યા કરી તે હથિયાર ગાયબ હતું, જે રહસ્ય પરથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે પડદો ઉંચો કરી ભેદ ઉકેલી કાઢ્યો છે. 

LCBએ વધુ બે આરોપીઓની કરી ધરપકડ 
હથિયાર મામલે તપાસમાં અમદાવાદ ગ્રામ્ય LCBએ વધુ બે આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં સાહિરખાન મલેક અને રાશિદખાન મલેકની એક પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ કબજે કર્યા છે. ત્યારે કલ્પેશ ટુડીયા આત્મહત્યા કેસ બોપલ પોલીસે સાહિર ખાન મલેક અને રાશિદ ખાન મલેક સામે ગેરકાયદેસર હથિયારની હેરાફેરીનો ગુનો નોંધી પ્રાથમિક તપાસ કરતા સામે આવ્યું છે કે, આ પિસ્તોલ ગેડિયા ગેંગના અશરફ પાસેથી લાવ્યા હતા અને કલ્પેશને એક કામ માટે આપ્યું હોવાનું સામે આવ્યું છે .

આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધારે ઊંડાણથી તપાસ કરતા સામે આવ્યું હતું કે, મૃતક કલ્પેશ ટુડીયાએ રાશિદ ખાન મલેકને થોડા દિવસથી ફોન કરીને એક પિસ્તોલની માંગણી કરી રહ્યો હતો અને પિસ્તોલની શું જરૂરિયાત છે, તેના અંગે પૂછતા મૃતક કલ્પેશ ટુડીયાએ જણાવ્યું હતું કે, એક પાર્ટી દુબઇમાંથી સોનું પડાવીને આવી છે જેની પાસેથી આપડે પિસ્તોલ દેખાડીને સોનું પડાવી લેવાનું છે. જેને ડરાવવા માટેથી પિસ્તોલની જરૂર છે. 

મૃતકે સોનું પડાવી લેવાના બહાને મંગાવી હતી પિસ્તોલ
ત્યારબાદ સાહિર ખાન મલેક અને રાશિદ ખાન મલેક ગેડીયાના અશરફ પાસેથી થોડા દિવસ માટે ઉછીનું હથિયાર લઈને મંગળવારની સાંજે કલ્પેશ ટુડીયાને આપવા માટે આવ્યા હતા. બાદમાં કલ્પેશ ટુડીયાએ હથિયાર લઈને કહ્યું હતું કે, હું એકલો સોનાનું કામ પાર પાડી લઈશ. તમે મને પિસ્તોલ આપી દો. જ્યારબાદ બન્ને આરોપીઓએ કલ્પેશ ટુડિયાને હથિયાર આપી નીચે આવ્યા ત્યારે જ કલ્પેશ ટુડીયાએ ઉપરના માળે લમણે પિસ્તોલ મૂકીને આત્મહત્યા કરી લીધી હતી. 

ફાયરિંગનો અવાજ આવતા મૃતકની દીકરી અને પિસ્તોલ આપનાર આરોપીઓ ઉપર ગયા હતા. દીકરીએ માતાને વીડિયો કોલ કરીને પિતા કલ્પેશ ટુડિયાનો મૃતદેહ માતાને દેખાડી રહી હતી. ત્યારે જ ડરી અને ગભરાયને સાહિર ખાન મલેક અને રાશિદ ખાન મલેક પિસ્તોલ લઈને ફરાર થઈ ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય LCBએ મૃતક કલ્પેશ ટુડીયાને પિસ્તોલ આપનાર સાહિર ખાન મલેક અને રાશિદ ખાન મલેક સામે ગેરકાયદેસર હથિયાર હેરાફેરીની ફરિયાદ નોંધી છે. 

આરોપી વિરુદ્ધ અગાઉ 5 ગુના નોંધાય ચુક્યા છે
અમદાવાદ ગ્રામ્ય પોલીસે પિસ્તોલ કબજે કરીને પિસ્તોલ આપનાર ગેડીયા ગામના અશરફને લઇને વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સાહિદ ખાન મલેક સામે 5 ગુના નોંધાય ચુક્યા છે. જેમાં ખંડણી, છેતરપિંડી અને ગેરકાયદેસર હથિયાર રખવા સહિતના ગુનાનો સમાવેશ થવા પામેલ છે અને રશીદખાન મલેક સામે એક ગુનો નોંધાય ચુક્યો છે. બીજી તરફ પોલીસે કલ્પેશ ટુડીયા આત્મહત્યા કેસમાં પણ વધુ તપાસ આગળ હાથ ધરી છે.

મૃતક વિરુદ્ધ પણ 6 ગુના નોંધાઈ ચુક્યા છે
મૃતક કલ્પેશ ટુડીયાએ આત્મહત્યા કેસમાં અમદાવાદ જિલ્લા પોલીસ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, મૃતક કલ્પેશ ટુડીયા સામે અત્યાર સુધીમાં 6 થી 7 ફરિયાદ નોંધાઈ ચુકી છે. જેમાં સોલા પોલીસ સ્ટેશનમાં 2020માં છેતરપિંડી ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં 2018માં પણ છેતરપિંડી ફરિયાદ નોંધાઈ હતી. અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં  2018માં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. તેવી જ રીતે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશનમાં 2019માં છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદના સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં 2019માં છેતરપિંડીની ફરિયાદી નોંધાઈ છે અને ગાંધીનગરના સેકટર 21માં 2021 નકલી પોલીસ બની હથિયાર દેખાડી લૂંટનો ગુનો નોંધી ચુક્યો છે.

મૃતકે સ્યુસાઈડ નોટમાં શું લખ્યું
મૃતક કલ્પશે ટુડીયાએ સ્યુસાઇટ નોટમાં જય પટેલ નામના વ્યક્તિનું નામ લખ્યું છે. મૃતકે સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, જય પટેલ પાસેથી રૂપિયા લેવાના છે અને તે નથી આપી રહ્યો જેના કારણે તે આત્મહત્યા કરી રહ્યો છે. પોલીસે જય પટેલ ઉર્ફે ભુવાજીની પૂછપરછ કરતા સામે આવ્યું કે, જય પટેલ ઉર્ફે ભુવાજીને મૃતક પાસેથી રૂપિયા લેવાના છે. 

કલ્પેશ ટુડીયાની આત્મહત્યાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસનું અનુમાન છે કે, મૃતક હાઇપ્રોફાઇલ લાઈફ સ્ટાઇલથી પોતાનું જીવન જીવતો હતો અને વર્તમાન સમયમાં જરૂરિયાત મુજબ રૂપિયા ન હોવાના કારણે આત્મહત્યા કરી હોઈ શકે છે. પોલીસ તપાસમાં અન્ય એક બાબત પણ સામે આવી છે કે, મૃતક કલ્પેશ ટુડીયા અત્યાર સુધીમાં અનેક લોકો પાસેથી પિતાની બીમારીના નામે લાખો રૂપિયા ઉછીના લઇ ચુક્યો છે, જે કોઈને પણ પરત કર્યા નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news