Success Story : કૃષિ યુનિ.ના વિદ્યાર્થીઓ માટેનું મહેણું ભાંગ્યું, નવસારીની દીકરી ઈસરો પહોંચી
Gujarat Girl In ISRO : ખેડૂત પરિવારની દીકરી ISROમાં સાયન્ટિસ્ટ બની. નવસારી કૃષિ યુનિવર્સિટીની સ્ટુડન્ટ પ્રીતિ વત્સની સિદ્ધિ, ક્લાઇમેટ ચેન્જ અને રિમોટ સેન્સિંગથી ફોરેસ્ટ્રીની સ્ટડી કરશે
Trending Photos
Navsari News ધવલ પારેખ/નવસારી : તમારું લક્ષ્ય સ્પષ્ટ હોય, તો ગમે તેવી પરીક્ષા પાર કરવી સરળ થઈ જાય છે. ખાસ કરીને સ્ટ્રેટેજી અનુરૂપ પરીક્ષા આપવામાં આવે તો ચોક્કસ સફળતા મળતી હોય છે અને એનું ઉદાહરણ પૂરૂ પાડ્યુ છે, નવસારી કૃષિ યુનિવર્સિટીની ફોરેસ્ટ્રી કોલેજની PhD ની વિદ્યાર્થીનીએ. જેણે ભારતની ઈસરો સંસ્થા દ્વારા લેવાયેલ સાયન્ટિસ્ટ C ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સ્પેસ એપ્લિકેશન સેન્ટર, અમદાવાદ ખાતે ફરજ બજાવશે.
ખેડૂત પરિવારની દીકરીએ અનેક સંશોધન કર્યાં
હરિયાણાના એક ખેડૂત પરિવારની દીકરી પ્રીતિ વત્સે ભારતની સ્પેસ સંસ્થા ઈસરોમાં C વૈજ્ઞાનિક તરીકે નિમણૂક મેળવી, નવસારી કૃષિ યુનિવર્સિટીનું ગૌરવ વધાર્યું છે. નવસારી કૃષિ યુનિવર્સિટીની ફોરેસ્ટ્રી કોલેજમાં પ્રીતિ વત્સે ગ્રેજ્યુએશન પૂર્ણ કરી, વર્ષ 2021 માં વાઈસ ચાન્સેલર સ્વર્ણ પદક જીત્યો હતો. બાદમાં પ્રીતિએ કેરળમાં MSC કર્યુ અને ફરી ચંદનના લાકડામાંથી મળતા તેલ, ગુજરાતમાં ચંદનના વૃક્ષોના વાવેતર સહિત કેટલા વર્ષો સુધી ચંદનમાંથી તેલ મેળવી શકાય એના ઉપર PhD શરૂ કર્યું છે.
ઈસરોના C વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામી
આ દરમિયાન ઈસરોમાં C વૈજ્ઞાનિકની સ્પર્ધાત્મક પરીક્ષા વિશે જાણતા, પ્રીતિએ વર્ષ 2024 માં સ્ટ્રેટેજી સાથે લેખિત પરીક્ષા આપી અને સફળતા પૂર્વક તેમાં ઉત્તિર્ણ થઈ હતી. જેમાં 20 ઉમેદવારોને ઇન્ટરવ્યુ માટે બોલાવ્યા હતા અને એમાં પણ પ્રીતિએ ઉત્કૃષ્ટ દેખાવ કરી, પસંદગી પામેલ 4 વૈજ્ઞાનિકોમાં સ્થાન મેળવ્યું હતું. ઈસરોના C વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામેલ પ્રીતિ આગામી દિવસોમાં અમદાવાદ સ્થિત ઈસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં કાર્યરત થશે. જેમાં પ્રીતિ સેટેલાઈટ દ્વારા લેવામાં આવેલ વિવિધ જંગલો અને તેની સંરચનાઓની તસ્વીરોનો રિમોટ સેન્સિંગ અને GIS ટેકનોલોજીની મદદથી અભ્યાસ કરી નવા સંશોધનો કરવાનો પ્રયાસ કરશે. ખાસ કરીને ક્લાઈમેટ ચેન્જને ધ્યાને રાખી કાર્બન ક્રેડિટ ઉપર પણ અભ્યાસ કરશે.
અત્યાર સુધી ફોરેસ્ટ્રી કોલેજના વિદ્યાર્થીઓ ફક્ત વન વિભાગમાં જ નોકરી મેળવે છે એ મહેણું પણ પ્રીતિએ ભાંગ્યું છે. જોકે હવે ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ વ્યવસાય, ઔદ્યોગિક એકમો સહિત સરકારના વિભિન્ન વિભાગોમાં પણ સ્થાન મેળવતા થયા છે. પ્રીતિની ઈસરોના વૈજ્ઞાનિક તરીકે પસંદગી થતા ફોરેસ્ટ્રી કોલેજ સહિત સમગ્ર યુનિવર્સિટીમાં ખુશી છે અને તેના પ્રાધ્યાપકો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે