અમદાવાદનો જબરો કિસ્સો! એક બે નહીં, 15થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગનો પર્દાફાશ
Ahmdabad News: સામાન્ય રીતે કહેવાય છે કે કોઇપણ ગુનેગાર પોતાનો ગુનો છુપાવવા માટે લાખ પ્રયત્ન બાદ પણ એકાદ ભૂલ કરી બેસે છે. જે તેની પોલ ખુલ્લી પાડી દે છે..
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદ શહેરના સેટેલાઇટ વિસ્તારમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. અંગત અદાવતમાં એક બે નહીં પરંતુ 15થી વધુ ગાડીઓના ટાયર કાપી દેનાર ગેંગની સેટેલાઇટ પોલીસએ ધરપકડ કરી છે. આરોપીઓએ પોલીસથી બચવા માટે શર્ટથી ચહેરો છુપાવ્યો, વાહનની નંબરપ્લેટ કાઢી નાંખી પરંતુ તેમની એક ભૂલ તેમને જેલ ના સળીયા સુધી લઈ ગઈ છે.
થોડા દિવસ પહેલા અમદાવાદ ના પોશ વિસ્તાર એવા સેટેલાઇટ ના રાજીવનગર પાસે આવેલા વૈભવ ટાવર નજીક 15 થી વધુ પાર્ક કરેલી કાર ના ટાયરમાં તીક્ષ્ણ હથિયારથી ટાયરો કાપીને ગેંગ ફરાર થઇ ગઇ હતી જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસી ટીવી માં પણ કેદ થવા પામ્યો હતો ત્યારે આ મામલે સેટેલાઇટ પોલીસે સોસાયટી, દુકાનો અને બિલ્ડીંગના 50 થી વધુ સીસીટીવી તપાસ્યા બાદ ગેંગના ચાર સાગરિતોને ઝડપી પાડ્યા છે. પોલીસે વિપીનસિંહ ગરાસિયા, અનિલસિંહ ગરાસીયા, મહેશ સિસોદીયા અને જીતેન્દ્રસિંહ ગરાસીયાને ઝડપી પાડી તેમની પાસેથી છરી કબ્જે કરવામાં આવી છે. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા આરોપીઓએ નેપાળસિંગ નામના આરોપીના કહેવાથી આ કરતુત કરી હોવાનું સામે આવ્યુ છે.
રાજીવનગરમાં રહેતો અને ગાડી ડ્રાઇવીંગ કરતા નેપાળસિંગને તેના પિતરાઇ ભાઇ જીગ્નેશ સાથે રાજસ્થાન ના ઉદેપુર ખાતે વતનમાં ઝગડા થયા હતા..જેની અદાવત રાખીને નેપાળસિંગે જીગ્નેશને નુક્શાન પહોંચાડવા માટે આરોપીઓ સાથે મળીને વૈભવ ટાવર બહાર પાર્ક કરેલી ગાડીઓના ટાયરો ચીરી નાખ્યા હતા. જીગ્નેશ પણ અહીં ગાડી પાર્ક કરતો હતો અને નેપાળસિંગ પણ ત્યાં જ ગાડી પાર્ક કરતો હતો. જેથી જીગ્નેશની ગાડીની સાથે સાથે અન્ય લોકોની પણ ગાડીના ટાયરો ચીરી નાખ્યા હતા. સેટેલાઇટ પોલીસે આ કેસમાં ફરાર આરોપી નેપાળસિંગની શોધખોળ હાથ ધરી છે.
મહત્વની બાબતતો એ છે કે આરોપીઓ ગુનો આચરતા પહેલા પોલીસના હાથે પકડાઇ ના જાય તે માટે તમામ તકેદારી રાખી હતી. ગુના આચરતા સમયે તેમના ચહેરા દેખાય નહીં તે માટે શર્ટથી ચહેરો ઢાંકી દીધો હતો. તેમના વાહનનોની નંબરપ્લેટ પણ કાઢીને રીક્ષામાં મુકી દીધી હતી..રીક્ષામાં શર્ટ પણ બદલી નાંખ્યો હતો. પરંતુ તેમના લાખ પ્રયત્ન બાદ પણ તેઓ પોલીસથી બચી શક્યા ના હતાં.
ગુનાને અંજામ આપ્યા બાદ જ્યારે તેઓ પરત જઇ રહ્યા હતા ત્યારે આરોપીઓ એક આઇસ્ક્રીમ પાર્લર પર આઇસ્ક્રીમ ખાવા માટે ઉભા રહ્યા હતાં. જ્યાં તેણે ઓનલાઇન પેમેન્ટ કર્યું હતું. જેના આધારે પોલીસ તેમના સુધી પહોચી હતી. હાલમાં પોલીસએ તમામ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે મુખ્ય આરોપી નેપાળસિંગને પકડવા માટેની તજવીશ શરૂ કરી છે. નેપાળસિંગ ડ્રાઇવીંગનું કામ કરતો હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે