લલ્લા બિહારીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા, જાણો કેવી રીતે બનાવ્યું આટલું મોટું સામ્રાજ્ય
Ahmedabad News: અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણ કરીને સામ્રાજ્ય ઊભું કરનાર લલ્લા બિહારીની ક્રાઈમ બ્રાન્ચ એ ધરપકડ કરી છે. લલ્લા બિહારીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. કોણ છે લલ્લા બિહારી અને કેવી રીતે તે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને આપતો આશરો અને કવી રીતે કડિયા કામ કરતા કરતા બનાવ્યું આટલું મોટું સામ્રાજ્ય. ચાલો જાણીએ વિગતવાર.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: વર્ષોથી ચંડોળા તળાવ પર ગેરકાયદે દબાણ અને ઘૂસણખોરો વિરુદ્ધ હવે સરકારી તંત્રએ તવાઈ બોલાવી છે. ગત શનિવારે વહેલી સવારે અમદાવાદ પોલીસે મેગા સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમજ અનેક ઘૂસણખોરને ઝડપી પાડ્યા છે. જો કે, આ દરમિયાન પોલીસને ગેરકાયદે ઘૂસણખોરીને આશરો આપનાર લલ્લા બિહારી નામના ઈસમનું નામ સામે આવ્યું હતું.
એટલું જ નહીં લલ્લા બિહારીએ ચંડોળા તળાવ પર પોતાનું વિશાળ ફાર્મ હાઉસ અને પાર્કિંગ પણ ઉભું કરી દીધું હતું. ક્રાઈમ બ્રાન્ચમાં લલ્લા બિહારી તેના પુત્ર સહિત અન્ય કેટલાક લોકો વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. અને જે તે સમયે તેના પુત્રની ધરપકડ કરી હતી. જ્યારે આજે રાજસ્થાનના બાંસવાડા પાસેથી લલ્લા બિહારીની ધરપકડ કરી છે.
લલ્લા બિહારીની પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા
લલ્લા બિહારીની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. મૂળ ઉત્તરપ્રદેશના અને અજમેરમાં રહેતો લલ્લા બિહારી છેલ્લા 15 વર્ષ પહેલા અમદાવાદમાં આવ્યો હતો. અમદાવાદમાં આવીને તેણે ગેરકાયદે બાંગ્લાદેશીઓને આશરો આપવાનું શરૂ કર્યું હતું. બાંગ્લાદેશીઓને તે 20 થી 22 હજાર રૂપિયામાં ભાડા કરાર અને આધારકાર્ડ બનાવી આપતો હતો. કેટલાક લોકોને કામ પણ અપાવતો હતો. જેમાંથી તે પોતાનું કમિશન પણ મેળવતો હતો.
જો કે, મહિલાઓને સાવરણી બાંધવાનું કામ, કડિયા કામ પણ અપાવતો હતો. જ્યારે કેટલીક મહિલાઓ પાસે દેહ વ્યાપારનું પણ કામ કરાવતો હોવાનું સામે આવ્યું છે. આ દિશામાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે. લલ્લા બિહારી ગેરકાયદે વીજ જોડાણમાંથી વીજળી મેળવી લોકોને વીજળી પૂરી પાડતો હતો. જેના બદલામાં તે મહિને 1500 રૂપિયા વસૂલતો હતો. જ્યારે પાણી માટે રોજના 20 થી 30 રૂપિયા મેળવતો હતો.
લલ્લા બિહારીને ત્રણ પત્ની અને નવ બાળકો
લલ્લા બિહારી ફાઇનાન્સનો પણ ધંધો કરતો હતો અને રિક્ષાઓ પણ ભાડે આપતો હતો. જેના પાર્કિંગ માટે ગીરવે લીધેલ અનેક ગાડીઓ પણ પોલીસે કબ્જે કરેલ છે. તેના ફેમિલી બેકગ્રાઉન્ડની વાત કરીએ તો ત્રણ પત્ની અને નવ બાળકો છે. જેમાં એક દીકરી સિવિલ હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ, જ્યારે બીજી દીકરી મેડિકલનો અભ્યાસ કરે છે. લલ્લા બિહારીનો મોટો પુત્ર ફતેહ મોહમ્મદ પણ તેની સાથે કામ કરતો હતો.
લલ્લા બિહારી તેના પિતા સાથે અમદાવાદ આવ્યો હતો. તેના પિતા નાના ચંડોળા વિસ્તારમાં રહેતા ગની પથ્થર વાળા સાથે સંપર્કમાં હતો. આ વિસ્તારમાં ગની પથ્થર વાળા, લલ્લા બિહારી અને અન્ય એક વ્યક્તિએ મળીને તળાવની જમીન પર 3 લાખ સ્ક્વેર મીટર જગ્યા પર દબાણ ઊભું કર્યું હતું. જેમની વચ્ચે પીરાણા ડમ્પીંગ સાઇટના કચરાના નિકાલ કરવા માટેના કોન્ટ્રાક્ટ માટે પણ અંદરોઅંદર ખેંચતાણ ચાલી રહી હતી. લલ્લા બિહારી વિરુદ્ધમાં અગાઉ પણ દાણીલીમડામાં મારામારી અને સરખેજમાં હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે.
સર્ચ ઓપરેશનમાં મળી આવ્યું રૂપિયા ગણવાનું મશીન
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે જ્યારે લલ્લા બિહારીના ઘરે સર્ચ કર્યું, ત્યારે 9.5 લાખ રોકડા, 250 ગ્રામ સોનુ અને બેન્કની પાસબુક સહિત કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા છે. અને રૂપિયા ગણવાનું મશીન પણ મળી આવ્યું છે. જે બાબતે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. લલ્લા બિહારી કેટલાક લોકલ એજન્ટોના સંપર્કમાં પણ હતો. જે બાંગ્લાદેશથી લોકોને ગેરકાયદે અહીં લાવવા હતા.
કેટલાક નેતાઓના લેટરપેડ મળી આવ્યા
ક્રાઈમ બ્રાન્ચે આવા એજન્ટોની વિગતો મેળવીને વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ ગેરકાયદે આર્થિક લાભ મેળવી તેનો ઉપયોગ ક્યાં કયા કર્યો છે. તે અંગે ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીના ફાર્મ હાઉસ પરથી ક્રાઈમ બ્રાન્ચને અનેક પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો ઉપરાંત કેટલાક નેતાઓના લેટરપેડ મળી આવ્યા છે. જેનો ઉપયોગ ક્યાં-કયાં કર્યો છે અને આ દસ્તાવેજો ક્યાં બનાવ્યા છે. તે અંગે વધુ તપાસ શરૂ કરી છે. જો કે, આરોપીની તપાસમાં હજી પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે