Facebook પર લોન આપવાની જાહેરાતો જુઓ તો ચેતી જજો! ગુજરાતમાં 300થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડી

Surat News: સુરતમાં facebook પર લોન આપવાની જાહેરાતો મૂકી લોકો પાસેથી રૂપિયા 45 લાખ રૂપિયા પડાવી લેનાર બે યુવતી સહિત 5 આરોપીની પોલીસે ધરપકડ કરી છે.

Facebook પર લોન આપવાની જાહેરાતો જુઓ તો ચેતી જજો! ગુજરાતમાં 300થી વધુ લોકો સાથે લાખોની છેતરપિંડી

પ્રશાંત ઢીવરે/સુરત: જો તમે સસ્તા દરે લોન લેવાની ફિરાકમાં હશો તો ચેતી જજો આ સમાચાર તમારા માટે છે. સુરતની અઠવા પોલીસે ગેરકાયદેસર કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. ફેસબુક આઈડીમાં પર્સનલ લોન, બિઝનેશ લોન જેવી લોભામણી જાહેરાત આપી લોકો સાથે ઠગાઈ કરનાર ટોળકી પકડાય છે. પોલીસે 3 યુવાનો અને બે યુવતીની ધરપકડ કરી છે. આરોપીઓ લોન આપવાના બહાને લોકો પાસેથી 45 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

સુરત અઠવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વનિતા વિશ્રામની સામે મહેર પાર્કમાં બી વિંગમાં 404 અને 405 નંબરમાં ગેરકાયદે કોલ સેન્ટર ચાલે છે. આ બાતમીના આધારે અઠવા પોલીસ સ્ટેશનની સર્વિસ ટીમ ત્યાં તપાસ કરી તો ખબર પડી કે ચાર પાંચ લોકો કોલ સેન્ટર ચલાવી રહ્યા હતા. આરોપીઓ રંગા રેડ્ડી નામની એક facebook આઇડી બનાવેલ હતી. જેમાં લોકોને કહેવામાં આવે છે કે, બિઝનેસ લોન, પર્સનલ લોન, એજ્યુકેશન લોન વગેરે માટે સંપર્ક કરો. 

લોન આપવાના નામે 300થી વધુ લોકો સાથે છેતરપિંડી
જ્યારે કોઈપણ માણસ આ લોકોનો સંપર્ક કરે છે ત્યારે કોલ સેન્ટરમાં એમનો નંબર પર કોલ કરવામાં આવતો હતો. આ કોલ સેન્ટરમાં ટોટલ 13 મોબાઈલ યુઝ થતા હતા. જેના અલગ-અલગ નંબર હતા. આરોપીઓ કસ્ટમરને ફોન કરે છે અને સર્વિસ પેટે 10,000 રૂપિયાની માંગણી કરતા હતા. પોલીસને આરોપીઓ પાસેથી 4 લેપટોપ મળી આવ્યા છે. લેપટોપમાં 300થી વધુ લોકોના ડેટા મળી આવ્યા છે. આરોપી આ 300 લોકો પાસેથી પૈસા પણ પડાવી લીધા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ છેલ્લા 3 મહિનામાં લોન આપવાના નામે 45 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા છે.

પોલીસને એમની પાસેથી ચાર લેપટોપ મળી આવ્યા છે. જેમાં ત્રણ સૌથી વધારે કસ્ટમરના નંબર છે. આ એ લોકોના નંબર છે જેમની પાસેથી તેમણે પૈસા પડાવ્યા છે, અત્યાર સુધીમાં આરોપીઓએ લોન આપવાના બહાને લોકો પાસેથી કુલ 45 લાખ રૂપિયા પડાવી લીધા છે. આ ઓફિસમાં પાંચ લોકો બેસતા હતા. પોલીસની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું છે કે, બોમ્બેમાં આવેલી ગ્લોબલ કરીને એક ઓફિસ છે, જે આ લોકોને ચલાવવા માટે ફ્રેન્ચાઇઝી આપી છે. સુરત પોલીસ એની પણ તપાસ કરી રહી છે અને એક ટીમ બોમ્બે રવાના કરી છે. બીજી ટીમો બીજા જે એડ્રેસ આપેલા છે ત્યાં તપાસ કરશે.

ગરીબ અને પરપ્રાંતીય લોકોને બનાવતા હતા શિકાર
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આરોપીઓ ખાસ કરીને પરપ્રાંતીયોને ટાર્ગેટ કરતા હતા. જેમાં યુપી, બિહાર અને મહારાષ્ટ્રના લોકોનો વધુ સમાવેશ છે. ગરીબ અને મધ્યમ વર્ગીય એવા જરૂરિયાત લોકોને આ લોકો પોતાની જાળમાં ફસાવી લેતા હતા. કારણ facebook ઉપર લોનની જાહેરાત જોઈને લોકો તેમની પાસે સરળતાથી પહોંચી જતા હતા અને લોન આપવાના બહાને આરોપીઓ તેમની પાસેથી 10થી 12 હજાર રૂપિયા પડાવી લેતા હતા. 

ગરીબ અને મધ્યમ વર્ગનો વ્યક્તિ હોવાથી તે પોલીસ સુધી ફરિયાદ કરવા પણ પહોંચી શકતો ન હતો. તેમજ નાની રકમ હોવાથી એ વ્યક્તિ પોલીસ ફરિયાદ કરવા માંગતો ન હતો. જેથી આરોપીઓ આવા જ લોકોને વધુ ટાર્ગેટ કરતા હતા. પરંતુ આરોપીઓએ આવા અનેક લોકોને ટાર્ગેટ કરી અત્યાર સુધીમાં 40 લાખથી વધુ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

પોલીસે 5 આરોપીની કરી ધરપકડ
હાલ તો આ મામલે પોલીસે આરોપી વિરેન નીતિન બારડે, રાહુલ અશોક બાવીસ્કર, આશિષ સંતોષ પાલ સહિત બે યુવતી મળી કુલ 5 લોકોની ધરપકડ કરી છે. આ પાંચેય લોકો નાનપુરામાં કોલ સેન્ટર ચલાવી લોકોને લોન આપવાની લાલચ આપીને પૈસા પડાવતા હતા. ત્યારે એમની પાછળ મુંબઈની એક કંપનીનું નામ સામે આવતા પોલીસે એક ટીમે મુંબઈ મોકલી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news