International Women's Day: મહિલા દિવસ પર આ 10 સરકારી યોજનાઓ વિશે ખાસ જાણો...જેણે બદલી નાખ્યા છે મહિલાઓના જીવન
ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓ માટે અનેક લાભકારી યોજનાઓ લોન્ચ થઈ છે. જેણે મહિલાઓના જીવન બદલી નાખ્યા છે. મોદી સરકારની આ યોજનાઓથી મહિલાઓને શિક્ષણ, સ્વાસ્થ્ય, આર્થિક મદદ અને સામાજિક સુરક્ષા મળી છે. જાણો આ યોજનાઓ વિશે...
Trending Photos
મહિલાઓની ઉપલબ્ધિઓને સન્માનિત કરવા માટે અને લેંગિક સમાનતા વિશે જાગૃતતા વધારવા માટે દર વર્ષે 8 માર્ચનો દિવસ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની થીમ 'કાર્યવાહીમાં તેજી લાવવી' છે. આ થીમ મહિલાઓની ઉન્નતિ પર સકારાત્મક પ્રભાવ નાખનારી રણનીતિઓ, સંસાધનો અને ગતિવિધિઓને સ્વીકારવા અને તેમના અમલીકરણનું સમર્થન કરવા તથા તેમને આગળ વધારવા માટે દુનિયાભરમાં એક આહ્વાન છે. ભારતમાં સરકારે છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓને સમાજમાં તેમનો યોગ્ય હિસ્સો અપાવવા માટે અનેક યોજનાઓ શરૂ કરી છે. આ યોજનાઓ મહિલાઓના મહત્વને ઓળખે છે અને તેમની સ્થિતિને વધુ સશક્ત બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. જાણો આ યોજનાઓ વિશે...
બેટી બચાવો, બેટી પઢાવો યોજના
આ મોદી સરકારની એક મહત્વપૂર્ણ યોજના છે. જે ભારતમાં છોકરીઓના જીવનને ઉત્તમ બનાવવામાં મદદ કરે છે. આ યોજના 2015માં શરૂ કરાઈ હતી. આ યોજના હેઠળ, બાળ જાતિ ગુણોત્તરમાં સુધારો કરવા તથા કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ સાથે જ બાલિકાઓ પ્રત્યે સામાજિક માનસિકતામાં બદલાવવા લાવવો અને તેમને સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ સરકાર વિવિધ માધ્યમોથી લોકોને બાલિકાઓના મહત્વ અંગે જાગૃત કરે છે.
પ્રધાનમંત્રી માતૃવંદના યોજના
પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતો એક માતૃત્વ લાભ કાર્યક્રમ છે. આ યોજના 2017માં શરૂ કરાઈ હતી. જેનો હેતુ ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આર્થિક મદદ આપવાનો છે. જાન્યુઆરી 2025 સુધીમાં 3.81 કરોડ મહિલાઓને 17,362 કરોડ રૂપિયાા અપાયા છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને પહેલા જીવિત બાળકના જન્મ દરમિયાન આ યોજના હેઠળ પહેલી વખત માતા બનનારી મહિલાને 5000 રૂપિયાની મદદ કરાય છે. આ રાશિ ત્રણ હપ્તામાં સીધી લાભાર્થીના ખાતામાં જમા થાય છે. બીજીવાર ગર્ભવતી થાય અને બેટીને જન્મ આપે તો 600 રૂપિયા અપાય છે. જો કે આ પૈસા ફક્ત દીકરીના જન્મ વખતે મળે છે.
મહિલા શક્તિ કેન્દ્ર
મહિલા શક્તિ કેન્દ્ર (MSK) એ ભારત સરકાર દ્વારા 2017માં શરૂ કરાયેલી એક યોજના છે. તેનો હેતુ ગ્રામીણ મહિલાઓને સશક્ત કરવાનો છે. આ યોજના સામુદાયિક ભાગીદારીના માધ્યમથી મહિલાઓને સરકારી યોજનાઓ અને કાર્યક્રમો જોડે જોડવામાં મદદ કરે છે. યોજનાનો હેતુ ગ્રામીણ મહિલાઓને તેમના અધિકારો વિશે જાગૃત કરવી, શિક્ષણ અને કૌશલ વિકાસ પ્રદાન કરવા, ઉદ્યોગસાહસિકતા અને સ્વ-રોજગારની તકો પૂરી પાડવી તથા સામાજિક સશક્તિકરણ દ્વારા સશક્તિકરણ કરવાનો છે.
સુકન્યા સમૃદ્ધિ યોજના
મોદી સરકાર તરફથી આ યોજના 2015માં શરૂ કરાઈ હતી. તેનો હેતુ બાલિકાઓને ભવિષ્ય માટે બચત માટે પ્રોત્સાહિત કરવાનો છે. આ યોજના હેઠળ 10 વર્ષથી નાની ઉમરની બાલિકાઓના નામ પર બેંક ખાતા ખોલી શકાય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક બચત યોજના છે. જેનો હેતુ બાલિકાઓના ભવિષ્યને આર્થિક રીતે સુરક્ષિત કરવાનો છે. આ યોજના બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાનનો એક ભાગ છે. બાલિકાઓના ભવિષ્ય માટે બચતને પ્રોત્સાહિત કરવી, શિક્ષણ અને વિવાહ માટે આર્થિક મદદ આપવી અને બાલિકાઓ પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણને પ્રોત્સાહન આપવો એ યોજનાનો હેતુ છે. આ યોજના હેઠળ ખાતુ બાલિકાના માતા પિતા કે કાનૂની વાલી દ્વારા ખોલી શકાય છે. એક નાણાકીય વર્ષમાં લઘુત્તમ 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા થઈ શકે છે. યોજનામાં આકર્ષક વ્યાજ દર મળે છે જે સરકાર દ્વારા સમયાંતરે નિર્ધારિત થાય છે.
ઉજ્જવલા યોજના
મોદી સરકારની મહત્વકાંક્ષી યોજનાઓમાંથી એક આ ઉજ્જવલા યોજના છે. આ યોજના પીએમ મોદીએ પોતાના કાર્યકાળના શરૂઆતની દિવસોમાં જ શરૂ કરી હતી. આ યોજના 2015માં શરૂ થઈ હતી. ઉજ્જવલા યોજના ખાસ કરીને ગ્રામીણ મહિલાઓના જીવનમાં મોટો ફેરફાર લાવી રહી છે. તેનો દાયરો વધીને 10 કરોડ પરિવાર સુધી પહોંચી ગયો છે. સરકારની ઉજ્જવલા યોજના હેઠળ 75 લાખ પરિવારોને આગામી સમયમાં નવા એલપીજી કનેક્શન આપવાની યોજના છે. આ યોજનામાં નાણાકીય વર્ષ 2024-25 માટે કુલ ખર્ચ 12,000 કરોડ રૂપિયા હશે. ઉજ્જવલા યોજનાનો હેતુ ગ્રામીણ અને વંચિત પરિવારોને સ્વચ્છ ઈંધણ (LPG) ઉપલબ્ધ કરાવવાનો છે. તેનો હેતુ ગરીબી રેખાની નીચેના પરિવારોની મહિલાઓને મફત એલપીજી કનેક્શન આપવાનો છે. આ યોજના હેઠળ સરકાર પ્રતિ એલપીજી કનેક્શન 1600 રૂપિયાની નાણાકીય મદદ કરે છે.
મિશન ઈન્દ્રધનુષ
મિશન ઈન્દ્રધનુષ ભારતમાં મહિલાઓના સશક્તિકરણ માટે એક મહત્વકાંક્ષી સરકારી યોજના છે. આ યોજના હેઠળ સરકાર ગર્ભવતી મહિલાઓ અને બાળકોને સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરે છે.
કિશોરી શક્તિ યોજના
આ યોજનાનો હેતુ 11-18 વર્ષની ઉંમરની છોકરીઓના પોષણ અને સ્વાસ્થ્યની સ્થિતિ અને આત્મવિકાસમાં સુધારો કરવાનો છે. તે કિશોરીઓને અન્ય જીવન કૌશલમાં સુધાર માટે તાલિમબદ્ધ અને સસજ્જિત કરવામાં પણ મદદ કરે છે.
મહિલા ઈ હાટ યોજના
મહિલાઓને આર્થિક રીતે સમૃદ્ધ કરવા માટે મોદી સરકારે આ યોજનાને વર્ષ 2016માં લોન્ચ કરી હતી. જેનો હેતુ મહિલા વેપારીઓને પોતાની પ્રોડક્ટ ઓનલાઈન વેચવા માટે એક મંચ પ્રદાન કરવાનો ચે. આ યોજના મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમના ઉત્પાદનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બજારોમાં પ્રોત્સાહન આપવાનો છે. મહિલા ઉદ્યમીઓ ડિજિટલ માર્કેટિંગ અને ઈ કોમર્સ વિશે આ યોજના હેઠળ તાલિમ પણ મેળવી શકે છે. તેઓ મહિલા ઈ હાટ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરી શકે છે. મહિલાઓ મફતમાં આ પોર્ટલ પર પોતાની પ્રોડક્ટ લિસ્ટેડ કરી શકે છે. પ્રોડક્ટ વેચવા માટે કોઈ કમિશન આપવાની જરૂર પડતી નથી.
સખી નિવાસ
આ યોજના કામકાજી મહિલાઓને સુરક્ષિત અને સુવિધાજનક આવાસ પ્રદાન કરે છે. આ યોજના એવી મહિલાઓ માટે છે જે પોતાના ઘરેથી દૂર કામ કરે છે અને તેમને રહેવા માટે સુરક્ષિત સ્થાનની જરૂર છે.
રાષ્ટ્રીય મહિલા કોષ યોજના
આ યોજના ગરીબ મહિલાઓને નાની નાની લોન આપે છે. જેથી કરીને તે પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. રાષ્ટ્રીય મહિલા કોષ (RMK) ભારત સરકાર દ્વારા સ્થાપિત એક સંગઠન છે જેનો હેતુ ગરીબ મહિલાઓને નાની લોન આપવાનો છે. મુદ્રા યોજના હેઠળ 69 ટકા સુક્ષ્મ ઋણ મહિલાઓના નેતૃત્વવાળા ધંધાને અપાયું છે. તેનો પ્રભાવ એ થયો કે પ્રમુખ ઘરેલુ નિર્ણયોમાં મહિલાઓની ભાગીદારી 84% (2015) થી વધીને 88.7 ટકા (2020) જોવા મળી.
વન સ્ટોપ સેન્ટર યોજના
આ યોજના હિંસાથી પ્રભાવિત મહિલાઓ માટે એક મહત્વપૂર્ણ યોજના છે. આ યોજના મહિલાઓને મદદ અને માર્ગદર્શન આપે છે અને તેમને પોતાના જીવનને ફરીથી પગભેર કરવામાં મદદ કરે છે. આ યોજનાનો મુખ્ય હેતુ હિંસાથી પ્રભાવિત મહિલાઓને એક જ સ્થાન પર મદદ અને માર્ગદર્શન આપવાનો, કાનૂની, તબીબી અને મનોવૈજ્ઞાનિક મદદ આપવાનો, આશ્રય અને પુનર્વાસ સેવાઓ પ્રદાન કરવાનો અને તેમના અધિકારો વિશે જાગૃત કરવાનો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે