20 વર્ષ બાદ એક મંચ પર જોવા મળશે ઠાકરે બ્રધર્સ, 'શક્તિ પ્રદર્શન'થી મહારાષ્ટ્રના રાજકારણમાં શું બદલાશે?

રાજકીય વર્તુળોમાં ઠાકરે બ્રધર્સનું વર્ષો બાદ એક મંચ પર આવવાની ઘટના અંગે ભારે ચર્ચા છે. શું વળી પાછું એક નવું રાજકીય ગઠબંધન જન્મ લેશે?

20 વર્ષ બાદ એક મંચ પર જોવા મળશે ઠાકરે બ્રધર્સ, 'શક્તિ પ્રદર્શન'થી મહારાષ્ટ્રના રાજકારણમાં શું બદલાશે?

સત્તા સંઘર્ષ મુદ્દે અલગ થયાના બે દાયકા બાદ શિવસેના (યુબીટી) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) પ્રમુખ રાજ ઠાકરે આજે (5 જુલાઈ) વરલીમાં એક સંયુક્ત રેલીમાં જોવા મળશે. 'આવાજ મરાઠીચા' (મરાઠીનો અવાજ) નામની વિજય રેલીની યોજના બંને પક્ષોએ સત્તાધારી મહાયુતિ સરકારની ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત બનાવ્યા બાદ મળીને બનાવી છે. રાજકીય વર્તુળોમાં ઠાકરે બ્રધર્સનું આ રીતે એકજૂથ થવું એ તેમા રાજકીય પુર્નમિલન માટેનું મંચ હોઈ શકે છે. બંને ભાઈઓ એવા સમયે સાથે આવી રહ્યા છે કે જ્યારે આ વર્ષના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ થઈ શકે છે. 

ઠાકરે બ્રધર્સનું મિલન
બંને પાર્ટીઓએ રેલી માટે પોતાની તાકાત દેખાડવા દરેક શક્ય કોશિશ કરી છે. આ રેલી વરલીના એનએસસીઆઈ ડોમમાં આયોજિત થઈ રહી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ શિવસેના (યુબીટી)ના એક નેતાએ જણાવ્યું કે જો કે ઓડિટોરિયમની ક્ષમતા 8000ની છે પરંતુ દર્શકોની સંખ્યા તેના કરતા ઘણી વધુ હોઈ શકે છે. જો કે જે લોકો કાર્યક્રમ સ્થળ પર પહોંચી શકતા નથી તેઓ ઓડિટોરિયમની બહાર લગાવવામાં આવેલી એલઈડી સ્ક્રીન પર કાર્યક્રમ જોઈ શકે છે. મરાઠી નિર્દેશક-નિર્માતા અજીત ભૂરે આ કાર્યક્રમનું એંકરિંગ કરશે. 

મનસેના નેતા યશવંત કિલેદારે કહ્યું કે અમે મહારાષ્ટ્રના નક્શા સાથે એક ભવ્ય મંચ બનાવ્યો છે જેનું મથાળું આવાજ મરાઠીચા છે. અમે લગભગ 6000 ખુરશીઓ મૂકી છે. એનએસસીઆઈ ડોમની ચારેબાજુ ટેન્ટ  લગાવ્યા છે અને ફૂટપાથો પર ઊંચી સ્ક્રીન લગાવી છે. અમને આશા છે કે લોકો આપોઆપ આવશે. એની બેસન્ટ રોડ પર ટ્રાફિક રોકવો પડી શકે છે. 

20 વર્ષ બાદ ઠાકરે બ્રધર્સ સાથે...રાજકારણમાં શું ફેરફાર આવશે
20 વર્ષ બાદ એક બીજાના  ધૂર વિરોધી રહી ચૂકેલા ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે એક મંચ પર આવવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં ધરમૂળ ફેરફાર આવી શકે છે. બે દાયકાઓથી અલગથલગ પડેલા બંને  ભાઈ ભલે મરાઠી અસ્મિતાના નામ પર એક મંચ પર જોવા મળશે પરંતુ એવી અટકળો થઈ રહી છે કે શું  રાજકીય બદલાવો માટે ફેમસ મહારાષ્ટ્રમાં એક નવા રાજકીય ગઠબંધનનો પાયો નખાઈ શકે છે. એટલે કે રાજ  અને ઉદ્ધવ ઠાકરેનું આ પુર્નમિલન રાજકીય ફેરફાર લાવી શકે છે. 

શરદ પવારે કેમ અંતર જાળવ્યું
જો કે આ રેલીથી શિવસેના (યુબીટી)ની સહયોગી પાર્ટી એનસીપી(એસપી) પ્રમુખ શરદ પવાર અને મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ હર્ષવર્ધન સપકાલ રેલીમાં સામેલ થશે નહીં. એવું કહેવાય છે કે બંનેને રેલી માટે આમંત્રણ અપાયું હતું પરંતુ હર્ષવર્ધન સપકાલ સાથે સંપર્ક થઈ શક્યો નહીં અે શરદ પવાર રેલીમાં સામેલ થાય તેવી સંભાવના નથી. જો કે રિપોર્ટમાં કહેવાય છે કે બંને નેતાઓના પ્રતિનિધિઓ ભાગ લઈ શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news