પાકિસ્તાન વિરુદ્ધ ભારતની મોટી કૂટનીતિક જીત...શશિ થરૂરની સ્ટ્રાઈક બાદ આ દેશે હવે બદલ્યા સૂર, ખુલીને કર્યું ભારતનું સમર્થન
ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદ પર પાકિસ્તાનને બેનકાબ કરવા માટે ભારત તરફથી સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ વિવિધ દેશોની મુલાકાત લઈ રહ્યા છે જ્યાં કોલંબિયાને શશિ થરૂરે એવું તે સંભળાવી દીધુ કે આખરે તેના સૂર બદલાવવા લાગ્યા.
Trending Photos
આતંકવાદીઓના મોત બાદ શોક સંવેદના વ્યક્ત કરનારા કોલંબિયાના સૂર 48 કલાકમાં જ બદલાઈ ગયા. તેની પાછળનું કારણ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરની સ્ટ્રાઈક છે. ત્યારબાદ કોલંબિયાએ પોતાનું નિવેદન અધિકૃત રીતે પાછું ખેંચ્યુ છે. વાત જાણે એમ હતી કે પહેલગામ આતંકી હુમલા બાદ જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છૂપાઈને બેઠેલા આતંકીઓ પર સ્ટ્રાઈક કરી તો આતંકીઓના મોત બદલ કોલંબિયાએ સંવેદના વ્યક્ત કરી હતી. પરંતુ જ્યારે ઓપરેશન સિંદૂર બાદ આતંકવાદ પર પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે વિવિધ દેશોમાં સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરતા શશિ થરૂરે કોલંબિયાને સંભળાવી દીધુ તો હવે તેમના સૂર બદલાઈ ગયા છે અને હવે તેઓ ભારતને મજબૂત સમર્થન આપતું એક નિવેદન જાહેર કરશે.
આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈને સંપૂર્ણ સમર્થન
કોલંબિયાના પૂર્વ રાષ્ટ્રપતિ સીઝર ઓગસ્ટસ ગેવિરિયા ટ્રુઝિલોએ આતંકવાદ વિરુદ્ધ ભારતની લડતને સંપૂર્ણ સમર્થન આપ્યું છે. વોશિંગ્ટનમાં ભારતના પૂર્વ રાજદૂત તરનજીત સિંહ સંધુએ શુક્રવારે (ભારતીય સમય મુજબ) સવારે ગેવિરિયા સાથે મુલાકાત બાદ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે તેમણે આતંકવાદ વિરુદ્ધ લડતમાં ભારતને પૂર્ણ સમર્થન આપ્યું છે. સંધુએ કહ્યું કે ગેવિરિયા સાથે પ્રતિનિધિમંડળની સારી વાતચીત થઈ.
ગેવિરિયા કોલંબિયા લિબરલ પાર્ટીના નેતા છે જે રાષ્ટ્રપતિ પ્રણાલીવાળા દેશ કોલંબિયાની સંસદમાં સૌથી મોટી પાર્ટી છે. પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન ગેવિરિયાએ ડ્રગ માફિયાઓ અને રાજકીય ઉગ્રવાદીઓનો ડટીને મુકાબલો કર્યો હતો. તેમાંથી કેટલાક ડ્રગ માફિયાઓ વિદેશી સીમાઓ સુધી સક્રિય હતા, જ્યારે ઉગ્રવાદીઓએ તેમની સરકાર વિરુદ્ધ આતંકી હુમલા કર્યા જેની અસર સામાન્ય નાગરિકો ઉપર પણ પડી.
ભારતનો આતંક પ્રત્યે ઝીરો ટોલરેન્સનો સંદેશ
ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળનું મિશન ભારતના આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરેન્સનો સંદેશ આપવાનો છે. કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના નેતૃત્વમાં ભારતીય પ્રતિનિધિમંડળ ન્યૂયોર્ક અને ગુયાનાની મુલાકાત બાદ ગુરુવારે પનામાથી કોલંબિયાની રાજધાની બોગોટા પહોંચ્યું. આ પ્રતિનિધિમંડળ આગામી સપ્તાહે વોશિંગ્ટન પાછા ફરતા પહેલા બ્રાઝિલ જશે.
શશિ થરૂરે એક્સ પર કહ્યું કે ટીમે કોલંબિયન પત્રકારો અને પ્રમુખ મીડિયા હાઉસના મીડિયાકર્મીઓ સાથે વાતચીત પણ કરી અને આતંકવાદ સામે લડવાના ભારતના દૃઢ સંકલ્પ અને વૈશ્વિક આતંકવાદ પ્રત્યે તેમની ઝીરો ટોલરેન્સની નીતિથી અવગત કરાવ્યા. આગામી બે દિવસમાં પ્રતિનિધિમંડળ કોલંબિયન સાંસદો, મંત્રીઓ, પોલીસી થિંક ટેંક અને મીડિયા પ્રતિનિધિઓ સાથે વાતચીત કરશે જેથી કરીને આતંકવાદ પ્રત્યે ભારતના ઝીરો ટોલરેન્સ દ્રષ્ટિકોણને ઉજાગર કરી શકાય તથા દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવી શકાય.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે