ધૂર વિરોધી પાર્ટીના નેતાએ ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીના કર્યા વખાણ, સરકારે કહ્યું-આ લોકતંત્રની સુંદરતા

ઓપરેશન સિંદૂર પર સંસદમાં ચર્ચા ચાલુ છે. સોમવારે લોકસભામાં ચર્ચા થઈ જ્યાં વિરોધી પાર્ટીના નેતાએ ઓપરેશન સિંદૂર પર પીએમ મોદીના એક પગલાંની  ખુબ પ્રશંસા કરી. જાણો વિગતો. 

ધૂર વિરોધી પાર્ટીના નેતાએ ઓપરેશન સિંદૂર મુદ્દે PM મોદીના કર્યા વખાણ, સરકારે કહ્યું-આ લોકતંત્રની સુંદરતા

રાજકારણમાં આરોપ પ્રત્યારોપ સામાન્ય છે અને બહુ ભાગ્યે જોવા મળતું હોય છે કે કોઈ ધૂર વિરોધી પાર્ટીના કોઈ નેતા પ્રધાનમંત્રીના વખાણ કરે. હાલમાં જ એવો કિસ્સો સામે આવ્યો છે. સોમવારે એનસીપી (શરદ પવાર જૂથ)ના સાંસદ સુપ્રિયા સુલેએ લોકસભામાં ઓપરેશન સિંદર પર ચર્ચા દરમિયાન પીએમ મોદીની ખુલીને પ્રશંસા કરી. સુપ્રિયા સુલેના વખાણે રાજકીય વર્તુળોમાં જાણે હલચલ મચાવી દીધી છે અને સરકારે પણ તેને લોકશાહીની સુંદરતા ગણાવી છે. લોકસભામાં સુપ્રિયા સુલેનું આ જેસ્ચર દેખાડે છે કે કઈ રીતે કેટલાક મુદ્દાઓ પર રાજકીય મતભેદ બાજુ પર મૂકીને એકબીજાના કાર્યોની પ્રશંસા થઈ શકે છે. 

સુપ્રિયા સુલે શું બોલ્યા
સુપ્રિયા સુલેએ પહેલગામ આતંકી હુમલા બાદ બનાવવામાં આવેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં વિપક્ષના નેતાઓને જગ્યા આપવા  બદલા પીએમ મોદીના વખાણ કર્યા. બારામતીના સાંસદ  સુપ્રિયા સુલેએ લોકસભામાં ચર્ચા દરમિયાન કહ્યું કે, જ્યારે રાષ્ટ્રીય કર્તવ્યની વાત આવે છે ત્યારે સૌથી પહેલા દેશ, પછી રાજ્ય, પછી પાર્ટી અને પછી પરિવાર આવે છે. પીએમ મોદીએ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા માટે વિપક્ષના નેતાઓને પસંદ કરીને મોટું દિલ દેખાડ્યું છે. સુપ્રિયા સુલેએ કહ્યું કે જ્યાં સુધી તમે એ આતંકીઓને પકડી ન  લો ત્યાં સુધી ઓપરેશન સિંદૂર સફળ નથી. જ્યાં સુધી તમે આ આતંકીઓને ન પકડો ત્યાં સુધી તેની ઉજવણી ન થઈ શકે. 

— Kiren Rijiju (@KirenRijiju) July 28, 2025

સરકારે પણ બિરદાવ્યા
કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજૂએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એનસીપી (શરદ પવાર)ના નેતા સુપ્રિયા સુલેના સંબોધનનો વીડિયો શેર કરતા તેને લોકતંત્રની સુંદરતા ગણાવી. તેમણે એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે આ આપણા લોકતંત્રની સુંદરતા છે. રાહુલ ગાંધીએ પણ પીએમ મોદી અને તેમની સરકારની દાનતને બિરદાવવી જોઈએ. 

સર્વપક્ષીય પ્રતિનિધિમંડળમાં સામેલ એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ પણ ચર્ચા દરમિયાન પોતાની વાત રજૂ કરી. તેમણે કહ્યું કે હું આપણા સશસ્ત્ર દળોને અભિનંદન પાઠવું છું. તેમણે ભારતના ઓપરેશન સિંદૂરને સફળ બનાવ્યું છે. આંતકી છાવણીઓને નષ્ટ કરવી એ સૌથી મોટી ઉપલબ્ધી હતી. પાકિસ્તાની સેના, આઈએસઆઈ અને તેમના ડીપ સ્ટેટ ભારતને નબળું કરવા માંગે છે. 

અત્રે જણાવવાનું કે લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા ચાલી રહી છે અને મંગળવારે 29 જૂનના રોજ રાજ્યસભામાં પણ તેના વિશે ચર્ચા થશે. સંસદમાં ચર્ચા માટે પ્રત્યેક સદનમાં 16 કલાકનો ટાઈમ નિર્ધારિત કરાયો છે. લોકસભાની જેમ જ રક્ષામંત્રી રાજનાથ સિંહ રાજ્યસભામાં પણ ઓપરેશન સિંદૂર પર ચર્ચા શરૂ કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news