Rava Dosa: મુંબઈ સ્ટાઈલ ક્રિસ્પી રવા મસાલા ઢોસા બનાવવાની રીત, આ ઢોસા સાથે ચટણી કે સાંભાર બનાવવાની પણ જરૂર નહીં પડે
Rava Dosa Recipe: સવારના નાસ્તામાં હેલ્ધી અને ઝટપટ બની જાય એવી વસ્તુ બનાવવી હોય તો રવા ઢોસા ટ્રાય કરી શકો છો. આ રીત ફોલો કરી રવા ઢોસા બનાવશો તો માત્ર 30 મિનિટમાં ઢોસા ટેબલ પર હશે. તેમાં પણ જો રવા ઢોસામાં આ વસ્તુઓ ઉમેરીને બનાવશો તો તેની સાથે ખાવા માટે ચટણી, શાક કે સાંભાર કોઈ વસ્તુની જરૂર નહીં પડે.
Trending Photos
Rava Dosa Recipe: સવારના નાસ્તામાં શું બનાવવું તેને લઈને મહિલાઓ ઘણી વખત ચિંતામાં હોય છે. સવારે નાસ્તો ઝટપટ બની જાય અને નાના મોટા સૌ કોઈને ભાવે એવો હોય તો એક જ વસ્તુ બનાવવી પડે છે. નાસ્તામાં શું બનાવવું એવો પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો પણ જવાબ મળતો નથી. આવી સમસ્યા મોટાભાગની મહિલાઓને થતી હોય છે. તેથી જ આજે તમને એક એવી રેસીપી જણાવીએ જે તમારી આ સમસ્યાને દૂર કરી દેશે.
સવારના નાસ્તામાં માત્ર 30 મિનિટમાં જ બની જાય તેવા ક્રિસ્પી રવા મસાલા ઢોસા બનાવી શકો છો. આ ઢોસા બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો અને ઘરમાં પણ બધાને ભાવે એવા બને છે. સૌથી ખાસ વાત એ છે કે થોડી તૈયારી સાથે આ ઢોસા 30 મિનિટમાં જ બની જાય છે. આ ઢોસાના બેટરમાં જ કેટલાક મસાલા ઉમેરી દેવાના હોય છે તેથી તેની સાથે ખાવા માટે સાંભર કે ચટણીની પણ જરૂર પડતી નથી. આ ઢોસા એકદમ ટેસ્ટી બને છે. તો તમે પણ એકવાર આ રવા મસાલા ઢોસા ટ્રાય જરૂરથી કરજો.
રવા ઢોસા બનાવવાની સામગ્રી
એક કપ રવો
બે ચમચી મેંદો
અડધો કપ ચોખાનો લોટ
ઝીણી સમારેલી ડુંગળી
એક લીલું મરચું ઝીણું સમારેલું
એક ચમચી ખમણેલું આદુ
પાંચ થી સાત લીમડાના પાન
દહીં ત્રણ મોટા ચમચા
મીઠું સ્વાદ અનુસાર
જીરું એક ચમચી
અધકચરા વાટેલા શેકેલા સીંગદાણા
ઝીણી સમારેલી કોથમીર
તેલ
રવા ઢોસા બનાવવાની રીત
સૌથી પહેલા એક તપેલામાં રવો, મેંદો અને ચોખાનો લોટ મિક્સ કરો. આ લોટમાં ઝીણી સમારેલી ડુંગળી, આદુ, લીલા મરચા અને ઝીણા સમારેલા લીમડાના પાન ઉમેરો. તેમાં દહીં ઉમેરી જરૂર અનુસાર પાણી મિક્સ કરીને મિશ્રણ બનાવો. હવે આ મિશ્રણને 20 મિનિટ માટે ઢાંકી રાખો.
20 મિનિટ પછી ઢોસાના બેટરમાં મીઠું, જીરું, અધકચરા વાટેલા સીંગદાણા, કોથમીર ઉમેરો અને સાથે પાણી ઉમેરો. રવા ઢોસા એકદમ જાડીવાળા અને ક્રિસ્પી બનાવવા હોય તો ઢોસાના બેટરમાં પાણીનું પ્રમાણ વધારે રાખવું.
ત્યાર પછી ઢોસા બનાવવાનો તવો ગરમ કરો અને તેના પર તેલ લગાડો. તેલ લગાડ્યા પછી રવાનું બેટર ગરમ તવા પર રેડો. જો બેટર બરાબર પાતળું હશે તો જ્યારે તમે ખીરું તવા પર ફેલાવશો તો એકદમ જાળીવાળા અને પાતળા ઢોસા બનશે. ઢોસાને મધ્યમ તાપે બંને તરફ શેકી લો અને ગરમાગરમ સર્વ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે