IND vs ENG : ભાઈ અને પિતા ગુમાવ્યા, બહેનને કેન્સર...ભારતની જીતના હીરોની કહાની તમને રડાવી દેશે
IND vs ENG : બર્મિંગહામમાં ભારતે આખરે 58 વર્ષનો ઇતિહાસ પલટી નાખ્યો છે. શુભમન ગિલની કેપ્ટનશીપમાં ભારતે 336 રનથી ઐતિહાસિક જીત નોંધાવી. જીતની ઉજવણી હજી પૂરી થઈ નહોતી ત્યાં એક ચોંકાવનારો ખુલાસો થયો. ટીમના એક સ્ટાર ખેલાડીની બહેન 2 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહી છે.
Trending Photos
IND vs ENG : કહેવાય છે કે ગમે તેટલી મુશ્કેલીઓ હોય, જો તમારામાં કોઈ વસ્તુ હાંસલ કરવા માટે જુસ્સો હોય, તો તમે ચોક્કસ તે મેળવી શકશો. આવી જ કહાની ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર આકાશદીપ સિંહની છે, જેણે એજબેસ્ટન ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટ લઈને અંગ્રેજોને ઘૂંટણિયે પડવા મજબૂર કર્યા હતા. ટીમ ઈન્ડિયાએ આકાશ દીપના શાનદાર પ્રદર્શનના આધારે એજબેસ્ટનમાં 336 રનથી જીત મેળવીને ઇતિહાસ રચ્યો હતો. આ જીતમાં આકાશદીપનો મોટો ફાળો હતો. આ આકાશદીપના કરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.
2 મહિનાથી કેન્સર સામે ઝઝૂમી રહી છે બહેન
આકાશદીપે આ પ્રદર્શન તેની બહેનને સમર્પિત કર્યું છે, જે છેલ્લા બે મહિનાથી કેન્સર સામે લડી રહી છે. આકાશ દીપ, ચેતેશ્વર પૂજારા સાથે જિયો હોટસ્ટાર પર વાત કરતી વખતે કહ્યું કે, 'મેં આ વિશે કોઈ સાથે વાત કરી નથી, પરંતુ બે મહિના પહેલા મારી બહેનને કેન્સર હોવાનું નિદાન થયું હતું. તે મારા પ્રદર્શનથી ખૂબ ખુશ થશે અને આનાથી તેના ચહેરા પર ફરીથી સ્મિત આવશે.'
ભાઈ અને પિતા ગુમાવ્યા
બિહારના સાસારામના રહેવાસી આકાશે 16-17 વર્ષની ઉંમરે પિતા ગુમાવ્યા. તેના પિતા રામજીસિંહ સાસારામમાં શિક્ષક હતા. તેમનું 2015માં લકવાથી અવસાન થયું. તે આકાશને સરકારી નોકરી કરતા જોવા માંગતા હતા. થોડા મહિના પછી આકાશના મોટા ભાઈ ધીરજસિંહનું મેલેરિયાથી અવસાન થયું.
પરિવાર આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહ્યો હતો. આ પછી આકાશ તેની બહેન સાથે દિલ્હી ગયો અને તેની ક્રિકેટ કારકિર્દી શરૂ કરી. આકાશ બંગાળ માટે ક્લબ ક્રિકેટ અને પછી ઘરેલુ ક્રિકેટ પણ રમ્યો. બિહાર ક્રિકેટ એસોસિએશન પર પ્રતિબંધ હોવાને કારણે તેને બંગાળ શિફ્ટ થવું પડ્યું.
સ્થાનિક ક્રિકેટમાં બંગાળ માટે રમ્યો
આકાશ દીપે 2019માં બંગાળ માટે તેની પહેલી ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. તે જ વર્ષે આ ઝડપી બોલરને લિસ્ટ A અને T20 ફોર્મેટમાં પણ ડેબ્યૂ કરવાની તક મળી. રણજી ટ્રોફીમાં તેના શાનદાર પ્રદર્શનના આધારે RCBએ તેને 2022માં ટીમમાં સામેલ કર્યો. તેણે ઇંગ્લેન્ડ સામેની પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં 3 વિકેટ લીધી. આ પછી તેણે બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ મેચ રમી. એજબેસ્ટનમાં ઇંગ્લેન્ડ સામેના તેના પ્રદર્શન પછી તે રાતોરાત સ્ટાર બની ગયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે