સુપર ઓવરમાં બેટ્સમેને બનાવેલ રન કે બોલરે લીધેલ વિકેટ તેમના રેકોર્ડમાં ઉમેરાય ? જાણો શું છે નિયમ

Super Over Rule : દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા આવ્યું હતું. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે સુપર ઓવરમાં બેટ્સમેને બનાવેલા રન કે બોલરે લીધેલી વિકેટ તેના ખાતામાં ઉમેરવામાં આવે છે ? આ અંગેના નિયમો શું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
 

સુપર ઓવરમાં બેટ્સમેને બનાવેલ રન કે બોલરે લીધેલ વિકેટ તેમના રેકોર્ડમાં ઉમેરાય ? જાણો શું છે નિયમ

Super Over Rule : IPL 2025ની 32મી મેચમાં દિલ્હી કેપિટલ્સે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રોમાંચક મેચમાં સુપર ઓવરમાં રાજસ્થાનને હરાવ્યું અને સિઝનની તેમની 5મી જીત નોંધાવી. આ મેચમાં દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં રાજસ્થાને પણ યશસ્વી અને નીતિશ રાણાની અડધી સદીની ઇનિંગ્સના આધારે 20 ઓવરમાં 4 વિકેટે 188 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુપર ઓવરમાં રાજસ્થાનની ટીમે 5 બોલમાં 2 વિકેટ ગુમાવીને 11 રન બનાવ્યા હતા જ્યારે દિલ્હીએ 4 બોલમાં 12 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

સુપર ઓવરમાં દિલ્હી તરફથી કેએલ રાહુલે 7 રન બનાવ્યા જ્યારે સ્ટબ્સે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી. જો આપણે આ મેચની બંને સુપર ઓવરને એકસાથે જોઈએ તો કુલ 24 રન થયા હતા, પરંતુ શું સુપર ઓવરમાં બેટ્સમેનોએ બનાવેલા રન તેમના ખાતામાં ઉમેરાયા હતા ? આશ્ચર્યજનક વાત એ છે કે બેટ્સમેનોએ બનાવેલા રન અને સુપર ઓવરમાં બોલરોએ લીધેલી વિકેટ તેમના ખાતામાં ઉમેરાતી નથી. આખરે આવું કેમ થાય છે અને આ અંગેના નિયમો શું છે, તેના વિશે જાણીશું.

સુપર ઓવરમાં રન અને વિકેટ અંગે ICCનો શું છે નિયમ ?

ICC મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) દ્વારા બનાવવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના નિયમોને લાગુ કરે છે. જોકે IPLના કેટલાક નિયમો ICCથી અલગ છે, પરંતુ આ લીગમાં ICCના કેટલાક નિયમોનું પણ પાલન કરવામાં આવે છે. આમાંનો એક નિયમ સુપર ઓવરનો છે જે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં લાગુ પડે છે અને તે જ નિયમ હેઠળ આઈપીએલમાં પણ સુપર ઓવર રમાય છે. જો મેચ ટાઈ થાય છે તો તેનો નિર્ણય સુપર ઓવર દ્વારા લેવામાં આવે છે અને આ દરમિયાન બંને ટીમોને એક-એક ઓવર રમવાની તક આપવામાં આવે છે. સુપર ઓવરમાં જે ટીમ વધુ રન બનાવે છે તેને વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ તેમાં બનાવેલા રન કોઈપણ બેટ્સમેનના ખાતામાં ઉમેરવામાં આવતા નથી અને કોઈપણ બોલરના ખાતામાં કોઈ વિકેટ જમા થતી નથી. સુપર ઓવર માત્ર મેચનું પરિણામ નક્કી કરવા માટે રાખવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે 4 વર્ષ બાદ IPLમાં સુપર ઓવર મેચ રમાઈ હતી. અગાઉ આ લીગમાં છેલ્લી સુપર ઓવર મેચ વર્ષ 2021માં રમાઈ હતી. આ મેચ દિલ્હી અને હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પણ દિલ્હી જીત્યું હતું. તો દિલ્હી સુપર ઓવર મેચોમાં સૌથી વધુ મેચ જીતનારી ટીમ પણ બની હતી, જેણે આ લીગમાં સુપર ઓવર દ્વારા અત્યાર સુધી 4 મેચ જીતી છે. પંજાબ કિંગ્સ 3 મેચ જીતીને બીજા સ્થાને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news