PAK vs NZ : ન્યૂઝીલેન્ડ સામે 11 નહીં, 12 બેટ્સમેનો રમવા ઉતર્યા છતાં હાર્યું પાકિસ્તાન
PAK vs NZ : ન્યૂઝીલેન્ડે 3 મેચની ODI શ્રેણીની બીજી મેચમાં પણ પાકિસ્તાનને 84 રને હરાવ્યું અને 2-0ની અજેય સરસાઈ મેળવીને ODI શ્રેણી પર કબજો કર્યો. આ મેચમાં ન્યૂઝીલેન્ડની ટીમે પહેલા બેટિંગ કરી હતી અને 50 ઓવરમાં 8 વિકેટે 292 રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાની બેટ્સમેનો કિવી બોલરો સામે ઝઝૂમી રહ્યા હતા અને ટીમ 41.2 ઓવરમાં 208 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં પાકિસ્તાને 12 બેટ્સમેન ઉતાર્યા હતા.
Trending Photos
PAK vs NZ : ન્યૂઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચે બીજી વનડે મેચ હેમિલ્ટનમાં રમાઈ હતી. પાકિસ્તાન માટે આ મેચ કરો યા મરો જેવી સ્થિતિ હતી, પરંતુ અહીં પણ જીત ના મળી. રસપ્રદ વાત એ છે કે પાકિસ્તાન તરફથી 12 ખેલાડીઓ બેટિંગ કરવા આવ્યા હતા અને 11માં નંબરના બેટ્સમેને ફિફ્ટી પણ ફટકારી હતી, પરંતુ તેમ છતાં તે પાકિસ્તાનનું સન્માન બચાવવામાં સફળ ના થયો. પાકિસ્તાનને 84 રનના વિશાળ અંતરથી હારનો સામનો કરવો પડ્યો હતો.
પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કિવી ટીમ તરફથી શાનદાર બેટિંગ જોવા મળી હતી. મિશેલ હેએ પાકિસ્તાનને હંફાવ્યું હતું. 7 છગ્ગા અને 7 ચોગ્ગાની મદદથી તેણે ટીમનો સ્કોર 292 સુધી પહોંચાડ્યો હતો. જવાબમાં પાકિસ્તાની ટીમ પત્તાંની જેમ ખરી પડી હતી. મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ પણ ડબલ ફિગર પાર કરવામાં સફળ થયા નહોતા.
12 ખેલાડીઓ બેટિંગ કરવા ઉતર્યા
મેચમાં પાકિસ્તાન તરફથી 12 ખેલાડીઓ બેટિંગ કરવા ઉતર્યા હતા. પ્લેઈંગ ઈલેવનનો ભાગ ન હોવા છતાં નસીમ શાહે આશ્ચર્યજનક રીતે એન્ટ્રી કરી હતી. હકીકતમાં તેને હરિસ રઉફને જગ્યાએ લેવામાં આવ્યો હતો કારણ કે તે એક બાઉન્સરનો શિકાર બન્યો હતો. બોલ હેલ્મેટ સાથે અથડાતાં રઉફને મેદાન છોડવું પડ્યું હતું અને તે પાછો ફરી શક્યો નહોતો. જે બાદ આખરે નસીમ શાહને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.
ફહીમ અશરફે ટીમનું સન્માન બચાવ્યું
પાકિસ્તાને માત્ર 65ના સ્કોર પર તેના 6 બેટ્સમેન ગુમાવ્યા હતા. આ પછી ફહીમ અશરફે ટીમનું સન્માન બચાવ્યું હતું. તેણે 80 બોલમાં 73 રન બનાવ્યા અને મેચને ફરી જીવંત કરી, પરંતુ પછી આઉટ થઈ ગયો. અંતે નસીમ શાહે પણ બેટ વડે પોતાની તાકાત બતાવી અને 44 બોલમાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 51 રનની ઇનિંગ રમી. પરંતુ ટીમને જીત અપાવવામાં સફળ રહી શક્યો નહી. 293 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 208ના સ્કોર સુધી જ પહોંચી શકી. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે ODI શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે