PAK vs NZ: 00-00-100-0-01....આ કોઈ કોડ નથી પરંતુ પાકિસ્તાની ખેલાડીનો સ્કોર છે, ન્યૂઝીલેન્ડ સામે બનાવ્યો આ રેકોર્ડ
Pak Vs Nz: ન્યૂઝીલેન્ડ સામે પોતાની ડેબ્યુ સિરીઝ રમનારા પાકિસ્તાની ખેલાડીએ એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે જાણવા જેવો છે. ટી20 સિરીઝમાં આ ખેલાડી ઓપનર તરીકે રમ્યો હતો.
Trending Photos
પાકિસ્તાનની ટીમ અને તેમના ખેલાડીઓ મેદાન પર ક્યારે શું કરે તે કોઈ જાણે નહીં. હાલમાં જ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી ટી20 સિરીઝમાં કઈક આવું જોવા મળ્યું. જેમાં એક બેટ્સમેન પહેલા તો બે મેચમાં 0-0 પર આઉટ થઈ ગયો. ત્રીજી મેચમાં તેણે ધમાકેદાર સદી ફટકારી અને પછી બંને ઈનિંગમાં 0 અને 1 રન કરી આઉટ થઈ ગયો. આ બેટ્સમેનનું નામ છે હસન નવાઝ. આ તેની ડેબ્યુ સિરીઝ હતી.
બુધવારે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે પાકિસ્તાનને ટી20 સિરીઝની પાંચમી અને છેલ્લી મેચમાં 8 વિકેટથી હરાવી દીધુ. આ જીત સાથે ન્યૂઝીલેન્ડે સિરીઝ 4-1થી પોતાના નામે કરી. આ મેચમાં શૂન્ય પર આઉટ થયેલા પાકિસ્તાનના ઓપનર હસન નવાઝના નામે એક શરમજનક રેકોર્ડ પણ નોંધાયો. આ સિરીઝમાં તેણે ધમાકેદાર સદી તો ફટકારી પરંતુ તે મેચને બાદ કરતા સિરીઝની અન્ય મેચોમાં પ્રદર્શન સારું રહ્યું નહી.
નવાઝનો રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર હસન નવાઝને ખુબ આશા સાથે મોકલવામાં આવ્યો હતો. તેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યુ ખરાબ રહ્યું અને પહેલી જ મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયો. બીજી મેચમાં પણ તે શૂન્ય પર આઉટ થઈ ગયો. સિરીઝની ત્રીજી મેચમાં નવાઝે શાનદાર સદી ફટકારી. આ મેચમાં તેણે 105 રન કર્યા હતા. 45 બોલમાં 7 છગ્ગા અને 10 ચોગ્ગાની મદદથી સદી ફટકારી હતી. સિરીઝની એકમાત્ર આ મેચ પાકિસ્તાન જીત્યું હતું. હસન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. પાકિસ્તાનના ઓપનરે ત્રીજી ટી20ને બાદ કરતા કોઈ અન્ય મેચમાં 2 રન પણ ન કર્યા. તે 3 વાર તો શૂન્ય પર આઉટ થયો જ્યારે એક મેચમાં ફક્ત 1 રન કરીને પેવેલિયન ભેગો થયો. તે એક ટી 20 સિરીઝમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થનારો ઓપનર બન્યો છે. હસને 5 મેચમાં કુલ 106 રન કર્યા. જ્યારે એક જ ઈનિંગમાં 105 રન કર્યા હતા. તેણે કુલ 26 ટી20 મેચ રમી છે. જેમા તેના નામે 598 રન નોંધાયેલા છે.
પાકિસ્તાન સિરીઝ હાર્યુ
પાકિસ્તાની બેટર્સ આખી સિરીઝમાં ફાસ્ટ બોલર્સની સામે સ્ટ્રગલ કરતા જોવા મળ્યા. પાંચમી ટી20 પણ તેમાંથી બાકાત રહી નહીં. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાને 20 ઓવરમાં ફક્ત 128 રન કર્યા. જેમ્સ નીશામે 5 વિકેટ લીધી હતી. જેમાં કેપ્ટન આગા સલમાન પણ સામેલ હતો. સલમાને પાકિસ્તાન માટે સૌથી વધુ 51 રન કર્યા હતા. ન્યૂઝીલેન્ડના રેગ્યુલર કેપ્ટન મિચેલ સેન્ટનર અને કેન વિલિયમ્સન આ સિરીઝમાં ન હોવા છતાં કિવી ટીમે સરળતાથી પાકિસ્તાનને માત આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે