IND vs NZ Final : રોહિત શર્માની નિવૃત્તિ અંગે મોટું અપડેટ, વાઇસ કેપ્ટન શુભમન ગિલે કર્યો ખુલાસો
India vs New Zealand Final : ભારતીય ટીમ રવિવારે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ રમવા જઈ રહી છે. ટાઇટલ મેચમાં તેનો સામનો ન્યુઝીલેન્ડ સામે થશે. ત્યારે ફાઈનલ મેચ પહેલાં રોહિત શર્માની નિવૃત્તિને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ અંગે શુભમન ગિલે મોટો ખુલાસો કર્યો છે.
Trending Photos
India vs New Zealand Final : ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારત અને ન્યુઝીલેન્ડ 9 માર્ચે એકબીજા સામે ટકરાશે. આ પહેલા ટીમોની જીત અને હાર કરતાં રોહિત શર્માની નિવૃત્તિ વિશે વધુ ચર્ચા થતી જોવા મળી હતી. ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન શુભમન ગિલે પ્રેસ કોન્ફરન્સમાં આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું છે. તેણે રોહિત શર્માની નિવૃત્તિ પર ખુલીને વાત કરી અને સ્પષ્ટ કર્યું કે શું ડ્રેસિંગ રૂમમાં આ મુદ્દે કોઈ ચર્ચા થઈ રહી છે કે નહીં.
શુભમન ગિલે શું કહ્યું ?
શુભમન ગિલ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મોટી મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. રોહિત શર્માની નિવૃત્તિ અંગેની અટકળોને કારણે ગિલને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જવાબમાં ગિલે કહ્યું, 'અત્યારે અમારું ધ્યાન જીત પર છે. હાલમાં ટીમમાં આ અંગે કોઈ ચર્ચા નથી. આ અંગે રોહિત ભાઈ જ નિર્ણય કરશે. અત્યારે તેમનું ધ્યાન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતવા પર પણ છે. હાલમાં તેના પર કોઈ ચર્ચા નથી.
ગિલે કોહલી પર પ્રતિક્રિયા આપી
વિરાટ કોહલી અંગે શુભમન ગિલે કહ્યું કે, મોટી મેચોમાં અનુભવની ભૂમિકા હોય છે. વિરાટ કોહલી તેનું ઉત્તમ ઉદાહરણ છે અને તે છેલ્લી મેચમાં જોયું, તેમણે ઘણી ફાઈનલ પણ રમી છે અને દબાણને સારી રીતે સંભાળ્યું છે. તમે પેટર્ન જાણો છો અને તેથી તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
શુભમન ગિલે આ ટૂર્નામેન્ટની શરૂઆત શાનદાર રીતે કરી હતી. તેણે બાંગ્લાદેશ સામે સદી ફટકારી અને પછી પાકિસ્તાન સામે 46 રન બનાવ્યા. જો કે, ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ગિલે 2 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. ઓસ્ટ્રેલિયા સામે પણ ગિલનું બેટ કામ નહોતું કર્યું. ટીમ ઈન્ડિયાએ 2 માર્ચે ન્યૂઝીલેન્ડને હરાવ્યું હતું. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે કઈ ટીમ ટાઈટલ જંગ જીતવામાં સફળ થાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે