Gold લોનને લઈ RBIએ બદલ્યો નિયમ, હવે આ લોકોને નહીં મળે લોન; જાણો શું છે નવો નિયમ

New RBI Gold Loan Rules: RBIએ સ્પષ્ટ જણાવ્યું છે કે, જેમની પાસે સોનાના બાર, બુલિયન અથવા ઇંગોટ્સ છે તેમને ગોલ્ડ લોન મળશે નહીં. જો કે, નાણા મંત્રાલયે આરબીઆઈને સૂચન કર્યું છે કે, 2 લાખ રૂપિયા સુધીની લોનને આ નિયમોમાંથી મુક્તિ આપવી જોઈએ.

Gold લોનને લઈ RBIએ બદલ્યો નિયમ, હવે આ લોકોને નહીં મળે લોન; જાણો શું છે નવો નિયમ

Gold Loan Rules: ભારતીય રિઝર્વ બેન્કે ગોલ્ડ લોન અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. નવા નિયમો હેઠળ RBIએ બેન્કોને કહ્યું છે કે, હવે ફક્ત બેન્કો દ્વારા જાહેર કરાયેલા સોનાના ઘરેણાં અને સિક્કાઓ પર જ ગોલ્ડ લોન આપી શકાય છે. RBIએ સ્પષ્ટપણે કહ્યું છે કે, જેમની પાસે સોનાના બાર, બુલિયન અથવા ઇંગોટ્સ છે તેમને ગોલ્ડ લોન મળશે નહીં. એટલે કે, ફક્ત તે જ લોકો ગોલ્ડ લોન મેળવી શકશે જેમની પાસે સોનાના ઘરેણાં અથવા સિક્કા છે.

RBIએ ગોલ્ડ લોન અંગે કડક માર્ગદર્શિકા ગયા મહિને જાહેર કરી હતી. ત્યારબાદ તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને કહ્યું હતું કે, નવા નિયમો ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની બેન્ક લોનની પહોંચને અસર કરી શકે છે.

નાણા મંત્રાલયે RBIને સૂચન કર્યું છે કે, 2 લાખ રૂપિયા સુધીની લોનને આ નિયમોમાંથી મુક્તિ આપવી જોઈએ. સાથે જ આ નિયમો 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવા જોઈએ, જેથી બેન્કોને તેનો યોગ્ય રીતે અમલ કરવા માટે સમય મળે. જ્યારે પણ રૂપિયાની તાત્કાલિક જરૂર હોય છે, ત્યારે ભારતમાં લોકો ઘણીવાર સોના પર લોન લેવાનો વિકલ્પ પસંદ કરે છે. આવી સ્થિતિમાં એ જાણવું મહત્વપૂર્ણ બની જાય છે કે, RBI ગોલ્ડ લોન સંબંધિત નિયમોમાં કેમ ફેરફાર કરી રહી છે.

કેમ નિયમ બદલી રહી છે RBI?
RBI ગોલ્ડ લોન સંબંધિત નિયમોમાં ફેરફાર કરી રહી છે કારણ કે તાજેતરના સમયમાં ઘણા લોકો સોના પર લોન લઈ રહ્યા છે. તેનું મુખ્ય કારણ એ છે કે, સોનાની કિંમત સતત ઝડપથી વધી રહી છે. હાલમાં ભારતમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત લગભગ ₹95,760 છે, જ્યારે 22 કેરેટ સોનું ₹87,780 પ્રતિ 10 ગ્રામમાં વેચાઈ રહ્યું છે.

જેમ જેમ ગોલ્ડ લોનની માંગ વધી રહી છે, તેમ તેમ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓને ચૂકવી ન શકાય તેવી લોન (NPA - નોન પરફોર્મિંગ એસેટ્સ)ની સંખ્યા પણ વધી રહી છે. જ્યારે કોઈ વ્યક્તિ લોન ચૂકવી ન શકે, ત્યારે તે લોન NPA માં ગણાય છે. તેથી જો સમયસર કડક માર્ગદર્શિકા બનાવવામાં ન આવે, તો તે બેન્કો અને લોન લેનારા બન્નેને નુકસાન પહોંચાડી શકે છે.

ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર ડિસેમ્બર 2024 સુધીમાં બેન્કોની 2,040 કરોડ રૂપિયાની ગોલ્ડ લોન NPA થઈ ગઈ હતી. જ્યારે એક વર્ષ પહેલા એટલે કે ડિસેમ્બર 2023માં ફક્ત 1,404 કરોડ રૂપિયાની ગોલ્ડ લોન NPA હતી.

ભારતમાં જ્વેલરીનું ભાવનાત્મક મહત્વ
એ વાત સાચી છે કે ગોલ્ડ લોન કોઈપણ તાત્કાલિક જરૂરિયાતને પૂર્ણ કરવામાં ચોક્કસપણે મદદ કરી શકે છે. પરંતુ જો તે લોન ચૂકવવામાં નિષ્ફળ જાય, તો તે તેની ચાલી રહેલી નાણાકીય કટોકટી દર્શાવે છે. આવી સ્થિતિમાં જો તેના જ્વેલરીની હરાજી પણ થાય છે, તો તેને એક મહત્વપૂર્ણ સંપત્તિ ગુમાવવી પડે છે. આ ઉપરાંત તેનો ક્રેડિટ સ્કોર પણ બગડે છે. આ ઉપરાંત ભારતમાં જ્વેલરીનું ભાવનાત્મક મહત્વ પણ છે. તેથી જ્વેલરી ગુમાવવાનું દુઃખ ફક્ત રૂપિયાનું જ નહીં, પણ લાગણીઓનું પણ છે.

બીજી તરફ જો વધુ લોકો તેમની ગોલ્ડ લોન પર ડિફોલ્ટ કરે છે, એટલે કે જો બેન્ક લોન પાછી નહીં આપે, તો લોન આપતી સંસ્થાને રૂપિયાની અછતનો સામનો કરવો પડી શકે છે. કારણ કે જ્વેલરીની હરાજીની પ્રક્રિયા ઘણી લાંબી અને જટિલ હોય છે, જેના કારણે સમયસર રૂપિયા પાછા મેળવવાનું મુશ્કેલ બને છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news