"મારા પતિનું પરસ્ત્રી સાથે અફેર છે અને તે મને ઘરમાંથી બહાર કાઢીને પેલી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યા છે"

ક્રિકેટ પ્રેમી પતિ પરસ્ત્રી સાથે બીજા લગ્ન કરી રહ્યા હોવાની ફરિયાદ કરી 40 વર્ષીય મહિલાએ 181 અભયમ પર માગી મદદ. અભયમ ટીમે સ્થળ પર પહોંચી મહિલાને સાંત્વના આપી તેમનું કાઉન્સેલિંગ કર્યું. મહિલાને તેના પતિ ઘર છોડી, તેને અને બાળકોને એકલા મૂકીને જતા રહેવાનો સતાવતો હતો ડર. 181ની મધ્યસ્થીના કારણે મહિલાના જીવનમાં ગેરસમજથી ફેલાયેલી તંગદિલીનો આવ્યો અંત. જીવનની આંટીઘૂંટી સુલઝાવવામાં મદદરૂપ થતી 181 અભયમ હેલ્પલાઈન

"મારા પતિનું પરસ્ત્રી સાથે અફેર છે અને તે મને ઘરમાંથી બહાર કાઢીને પેલી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યા છે"

Ahmdaabad News: 40 વર્ષીય એક મહિલાનો 181 અભયમ પર ફોન આવ્યો હતો. આ મહિલા ખૂબ જ રડી રહ્યાં હતાં. મહિલાના મોઢે એક જ વાક્ય હતું, "મારા પતિનું પરસ્ત્રી સાથે અફેર છે અને તે મને ઘરમાંથી બહાર કાઢીને પેલી સ્ત્રી સાથે લગ્ન કરી રહ્યા છે." મહિલાની સ્થિતિ જોતા 181 અભયમની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ત્યાં પણ આ મહિલાનું એક જ રટણ હતું કે, તેના પતિ બીજા લગ્ન કરી રહ્યા છે. મહિલાએ આ વાત કરી તેમના દરેક સંબંધીઓને પોતાના ઘરે બોલાવી લીધા હતાં.

અભયમ ટીમ દ્વારા મહિલાને સાંત્વના આપી, ભીડથી અલગ લઈ જઈને એકાંતમાં તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. કાઉન્સેલિંગ બાદ જાણવા મળ્યું હતું કે, આગલી રાત્રે તેમના પતિ પોતાના ફોનમાં ક્રિકેટ જોતા હતા. રાત્રિના સમયે જ્યારે ક્રિકેટ મેચ પૂરી થઈ તે વખતે પતિની એક સહકર્મી સ્ત્રીનો મહિલાના પતિ ઉપર ફોન આવ્યો હતો. સહકર્મી સ્ત્રી પોતાની ટીમ ક્રિકેટ જીતી ગઈ છે તેમ કહી મહિલાના પતિ સાથે હસીને વાત કરી રહી હતી. આ તમામ વાત મહિલાને પતિએ સ્પીકર પર રાખેલા ફોનકોલ દ્વારા જાણવા મળી હતી.

મહિલાના પતિનો ફોન પૂર્ણ થયા બાદ મહિલાને શંકા થઈ હતી કે તેના પતિ આ સ્ત્રી સાથે લગ્ન કરી લેશે તો! મહિલાને ખૂબ બેચેની થતા તેણે પોતાના પતિને સામેથી આ વિષય પર પૂછપરછ કરવાની શરૂઆત કરી હતી. એ રાત્રિના સમયે ચાર-પાંચ કલાકના ઝઘડા બાદ પતિએ કંટાળીને ઘરેથી નીકળી જવાની વાત કરતા મહિલા ગભરાઈ ગઈ હતી. મહિલાએ પોતાના પતિ બીજા લગ્ન કરી લેશે તેવી ખોટી વાત ફેલાવી પોતાના સગા સંબંધીઓમાં ફોન કરીને બધાને પોતાના ઘરે બોલાવી લીધા હતા. આમ કરીને મહિલાને પોતાના પતિ ઘર છોડીને જતા રહેશે અને તેમને અને બાળકોને એકલા મૂકીને જતા  રહેશે તેવું લાગ્યું હતું.

181 અભયમ ટીમ દ્વારા મહિલા અને તેમના પતિ, બંને પક્ષે કાઉન્સેલિંગ કર્યા બાદ મહિલાને અને તેમના પતિને સમજાવીને સમાધાન કરાવ્યું હતું. 181ની મધ્યસ્થિના કારણે મહિલાના જીવનમાં ફેલાયેલી અરાજકતાનો અંત આવ્યો હતો. અભયમ ટીમ દ્વારા કરવામાં આવેલી ખૂબ જ ધીરજપૂર્વકની કામગીરીથી મહિલા અને તેના પતિ વચ્ચેની ગેરસમજણ દૂર થઈ હતી. 

181 અભયમ હેલ્પલાઈન જીવનની આવી અનેક મુસીબતોમાં સહારો બને છે. સમસ્યાઓથી ઘેરાયેલી આવી અનેક મહિલાઓની મદદે આવી અભયમ હેલ્પલાઈન તેમની સુરક્ષા અને સલામતી માટે સતત કાર્યરત રહે છે. જીવનની આંટીઘૂંટી સુલઝાવવામાં મદદરૂપ 181 અભયમ હેલ્પલાઈનની કામગીરી ખૂબ જ સરાહનીય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news