ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ; રેશમા પટેલે ધમકીના ટોનમાં આપ્યું નિવેદન, રાજકીય વાતાવરણ તંગ
Morbi News: મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભામાં એક વ્યક્તિને મારવામાં આવેલી થપ્પડથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ભાજપે આપને જુઠ્ઠી અને ખોટું બોલનારી પાર્ટી ગણાવી, તો આમ આદમી પાર્ટીએ ભાજપ ડરી ગઈ હોવાનો આરોપ લગાવ્યો. પરંતુ આ બધાની વચ્ચે આપના નેતા રેશમા પટેલે ધમકીના ટોનમાં અમારો કાર્યકર્તા લાફો મારશે તેવું નિવેદન આપ્યું છે.
Trending Photos
Morbi News: મોરબીમાં આમ આદમી પાર્ટીની જાહેર સભા ચર્ચાનું કેન્દ્ર બની છે, પરંતુ કોઈ રાજકીય નીતિ કે વચનોને લઈને નહીં, બલ્કે એક લાફાકાંડને કારણે ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ જન્મ્યો છે. આ વિવાદ આપની સભામાં એક વ્યક્તિને લાફો મારવાને કારણે થયો છે.
સોમવારે મોરબીના રાજનગર સોસાયટીમાં આમ આદમી પાર્ટીના 'ગુજરાત જોડો અભિયાન' હેઠળ યોજાયેલી સભામાં એક યુવકે પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને અરવિંદ કેજરીવાલ અને યમુના નદીની સફાઈ અંગે સવાલ પૂછ્યો. પરંતુ આ સવાલના જવાબમાં આપના કાર્યકરે યુવકને લાફો ઝીંકી દીધો. આ લાફાકાંડને ઈસુદાન ગઢવીએ ભાજપનું ષડયંત્ર ગણાવ્યું તો, ભાજપે કહ્યું કે, ખોટું બોલવું અને ભ્રમ ફેલાવવું એ આમ આદમી પાર્ટીની ફિલસૂફી છે.
આ ઘટનાએ વિવાદને વધુ હવા આપી જ્યારે આપના પ્રદેશ મહિલા અધ્યક્ષ રેશમા પટેલે ધમકીભર્યા ટોનમાં કહ્યું,"અમારો કાર્યકર તમાચો મારશે, અમને કોઈનો ડર નથી." આ નિવેદનથી રાજકીય વાતાવરણમાં નવી ચર્ચાઓએ જન્મ લીધો છે. પીડિત યુવકે આ ઘટના બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવા માટે પગલાં ભર્યાં છે. સોશિયલ મીડિયા પર આ ઘટના સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે, અને ઘણા પૂછી રહ્યા છે - શું લોકશાહીમાં સવાલ પૂછવો ગુનો છે?
મોરબીનો આ લાફાકાંડ ગુજરાતના રાજકારણમાં નવો વિવાદ ઉભો કરી રહ્યો છે. આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચેનો આ ઘર્ષણ આગામી દિવસોમાં કયું વળાંક લેશે, તે તો સમય જ બતાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે