ગુજરાતમાં વરસાદથી ચારેતરફ તબાહી : સુરત બાદ હવે નર્મદા જિલ્લાનો વારો, 8 ઈંચથી તારાજી સર્જાઈ
Gujarat Monsoon Update : મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ...સવારથી રાજ્યના 70 તાલુકામાં વરસાદ.. નર્મદાના સાગબારા, તાપીના કુકરમુંડામાં 4 ઈંચથી વધુ વરસાદ.. ઉમરપાડા, લુણાવાડામાં પણ 4 ઈંચ..
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતમાં એન્ટ્રી થતા જ ચોમાસાએ જમાવટ કરી છે. પહેલા ભાવનગર અને હવે સુરતને બરાબરનું ધમરોળ્યું છે. છેલ્લાં ૨૪ કલાકના અપડેટની વાત કરીએ તો, નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો. આજે સવારે ૬ થી ૧૦ કલાક સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો.
સુરતમાં હજી પાણી નથી ઓસર્યા
સુરતમાં ખાડીના પાણી શહેરના વિસ્તારોમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. પર્વત ગામનું ગીતાનગર હજી પણ પાણીમાં ગરકાવ છે. 48 કલાક થઇ ગયા પાણી ઘટવાને બદલે વધ્યું છે. આ કારણે લોકો પોતાના જ ઘરમાં કેદ થયા છે. ઘરની બહાર રહેલા વાહનો પણ પાણીમાં ગરકાવ થયા છે. હજુ કોઇ તંત્રની ટીમ હાજર જોવા નથી મળી. ખાડી પાણી નહિ ભરાય તેવા મોટા મોટા દાવા કરવાર મનપા પણ ફેલ ગયું છે.
24 કલાકના વરસાદના આંકડા
રાજ્યમાં ગત ૨૪ કલાક દરમિયાન ૨૬ જિલ્લાના ૧૪૨ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC, ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સૌથી વધુ ૮.૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, નર્મદા જિલ્લાના તિલકવાડા અને દાહોદ તાલુકામાં ૭ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
ચોમાસાની શરૂઆત સાથે જ રાજ્યમાં નોંધપાત્ર વરસાદ
- ગણતરીના દિવસોમાં જ રાજ્યમાં વરસ્યો 25 ટકા વરસાદ
- અત્યાર સુધીમાં સિઝનનો 25 ટકા વરસાદ વરસ્યો
- સૌથી વધુ મધ્ય ગુજરાતના ભાગોમાં 26.43 ટકા વરસાદ
- સૌરાષ્ટ્રમાં સિઝનનો 26.27 ટકા વરસાદ વરસ્યો
- દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધીમાં 25.24 ટકા વરસાદ
- કચ્છમાં સિઝનનો 21.65 ટકા વરસાદ વરસ્યો
- સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 16.39 ટકા વરસાદ થયો
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી, પંચમહાલના શહેરા તેમજ વલસાડના ધરમપુર અને વાપી તાલુકામાં ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત સુરતના બારડોલી તાલુકામાં, મહિસાગરના વિરપુર અને લુણાવાડા, દાહોદના સિંઘવડ, અરવલ્લીના મોડાસા, પંચમહાલના મોરવા-હડફ અને ગોધરા, વલસાડના પારડી, નવસારીના ખેરગામ, તાપીના સોનગઢ અને વ્યારા તાલુકામાં ૫ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. તદુપરાંત નર્મદા જિલ્લાના ગરુડેશ્વર અને ડેડિયાપાડા, દાહોદના લીમખેડા, પંચમહાલના જાંબુઘોડા અને હાલોલ, છોટાઉદેપુરના સંખેડા અને બોડેલી તેમજ સુરતના મહુવા અને ઉમરપાડા તાલુકામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
વધુમાં, રાજ્યના ૭ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ, ૧૬ તાલુકામાં બે ઇંચથી વધુ, ૨૫ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૬૭ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે. આજે, તા. ૨૫ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ થી ૧૦.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં નર્મદા જિલ્લાના સાગબારા અને તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે