કેરી અને ચીકુ પકવતા ગુજરાતના ખેડૂતોમાં જાગી નવી આશા! નવી 'શેડલ એપ્રોચ ગ્રાફી' કલમ વિકસાવાઈ

બાગાયતી પાકોનો નંદનવન જિલ્લો છે. પરંતુ જિલ્લાના ગણદેવી તાલુકામાં ચોમાસામાં પૂરની સ્થિતિમાં આંબા અને ચીકુની નવી રોપેલ કલમનું બાળ મરણ થઈ જતુ હોય છે. કારણ ચીપિયા કલમની ઉંચાઈ નથી હોતી અને ભેટ કલમ મજબૂત નથી હોતી. જેની સામે કૃષિ યુનિવર્સિટીના ગણદેવી સ્થિતિ ફળ સંશોધન વિભાગે નવી શેડલ એપ્રોચ ગ્રાફી કલમ વિકસાવી છે. જે ઓછી મહેનતે અને જમીનમાં મજબૂતીથી ઉગે છે. સાથે જ ઓછા સમયમાં ફળ પણ આપતી થઈ જાય છે. ત્યારે કેરી અને ચીકુ પકવતા ખેડૂતોમાં પણ નવી આશા જાગી છે.

કેરી અને ચીકુ પકવતા ગુજરાતના ખેડૂતોમાં જાગી નવી આશા! નવી 'શેડલ એપ્રોચ ગ્રાફી' કલમ વિકસાવાઈ

ધવલ પરીખ/નવસારી: નવસારી જિલ્લામાં બાગાયતી પાકો પણ મોટા પ્રમાણમાં થાય છે. જેમાં બારેમાસ થતા ચીકુ અને ઉનાળામાં આવતી મીઠી કેરીથી નવસારી ભારતભરમાં જાણીતુ બન્યું છે. નવસારી કેસર અને અમલસાડી ચીકુની તો વિદેશોમાં પણ માંગ રહેલી છે. પરંતુ બદલાતા વાતાવરણ સામે બાગાયતી ખેતીમાં ખેડૂતોની મહેનત વધી જાય છે. જ્યારે ખેડૂત પોતાની વાડીમાં નવી કલમ રોપે છે. ત્યારે તેની ચીપિયા કલમ અથવા ભેટ કલમ આ બે પધ્ધતિમાંથી એકનો ઉપયોગ કરીને કલમનું વાવેતર કરતો હોય છે. જેમાં ચીપિયા કલમમાં અંદાજે 4 મહિનાનો ગોટલો લઈ તેમાં કલમ બનાવવામાં આવે છે. જે એક થી દોઢ ફૂટ જ ઉંચી થાય છે. 

ચીપિયા કલમના રોપાણ બાદ અગર ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ બને તો કલમ પૂરના પાણીમાં ડૂબી રહેવાથી મરી જતી હોય છે. જેથી ખેડૂતને કલમનો ખર્ચો માથે પડે છે. જેથી ખેડૂતોમાં ભેટ કલમના ઉપયોગનું ચલણ વધુ છે. ભેટ કલમ દેશી કેરીના ગોટાળાને દોઢ વર્ષ રાખ્યા બાદ જે જાતની કલમ કરવાની હોય, એની ડાળી સાથે ગોટાળાની ડાળીને કાપી બંનેનો ભેટો કરાવી બાંધી દેવામાં આવે છે. થોડા સમયમાં બંને ડાળી એક થઈ વિકસવા માંડે છે. જ્યારે ડાળી ચારથી 5 ફૂટ ઊંચાઈ મળે છે. જેમાં થોડા સમય બાદ ખેડૂતે ગોટલા વાળી ડાળી કાપી નાંખવાની હોય છે. પરંતુ જો ગોટલાને બદલે કલમની ડાળી કપાઈ ગઈ, તો આંબા ઉપર ફળ આવે ત્યારે જ ખબર પડે છે કે ભૂલ થઈ હતી. બીજું કે તોફાની પવનો અને પૂરની સ્થિતિમાં કલમ ઢળી પડવા સાથે મરી જવાની સંભાવના વધુ રહે છે. જે પણ ખેડૂત માટે નુકશાન કારક સાબિત થાય છે.

ખેડૂતોને પડતી તકલીફ સામે નવસારી કૃષિ યુનિવર્સિટીના ગણદેવી સ્થિત ફળ સંશોધન વિભાગના વૈજ્ઞાનિકોએ ચીપિયા અને ભેટ બંને કલમોથી અલગ ભૌગોલિક પરિસ્થિતિમાં મજબૂતીથી ટકી શકે એવી શેડલ એપ્રોચ ગ્રાફી કલમ વિકસાવી છે. જેમાં ત્રણથી ચાર મહિનાનો ગોટલો લઈ, તેને જે જાતની કલમ બનાવવાની હોય, એના ઝાડ ઉપર જ ડાળીને છોલીને ગોટલો બાંધવામાં આવે છે. આ કલમ 8 મહિનામાં તૈયાર થઈ જાય છે અને તેની ઊંચાઈ પણ 3 થી સાડા ત્રણ ફૂટ હોય છે. 

બીજુ ભેટ કલમની જેમ આમાં ગોટલાને કાપવાની જરૂર નથી પડતી. જેથી સીધુ જમીનમાં રોપાણ કરવામાં આવે છે. ગોટલો પણ વધુ જૂનો નહીં હોવાથી મૂળ પણ જમીનમાં મજબૂતી પકડે છે. જેથી વાવાઝોડા કે પૂરની સ્થિતિમાં આ કલમને નુકશાન થવાની સંભાવના નહીવત છે. સાથે જ કલમ ઝડપથી વિકાસ પામે છે અને ખેડૂતોએ વધતા ઝાડને ડાળવાની પણ જરૂર પડતી નથી. સાથે જ નવી કલમ રોપ્યાને 5 વર્ષે ફળ આવતા હતા, ત્યાં શેડલ એપ્રોચ ગ્રાફી કલમ રોપ્યા બાદ દોઢથી બે વર્ષ વહેલા ફળ આવવા માંડે છે.

નવસારીના આંબા અને ચીકુમાં વાતાવરણ સામે ટક્કર આપવા કૃષિ વૈજ્ઞાનિકોએ નવા સંશોધન કરવાની જરૂર છે, ત્યારે અંબા અને ચીકુમાં વાતાવરણની અસર સામે મજબૂતી અને વહેલું ઉત્પાદન આપતી શેડલ એપ્રોચ કલમ ખેડૂતોને માટે લાભદાયક સાબિત થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news