PI ચારણ સહિતનો સ્ટાફ કિચડમાં કુદ્યો અને 5 લોકોના જીવ બચ્યા! પગમાં કાંટા વાગ્યા છતાં મચક ના આપી!
Gambhira Bridge Tragedy: પાદરા પીઆઇનો ફોન આવ્યો અને પીએસઆઇ ગઢવી સૌ પ્રથમ પહોંચ્યા બ્રિજ દુર્ઘટના સ્થળે. પોલીસ દ્વારા સૌ પ્રથમ ડબકા ગામના તરવૈયા, બોટવાળાને બોલાવી બચાવ કામગીરી આરંભી. પીઆઇ ચારણ સહિતનો સ્ટાફ કિચડમાં કુદી પડ્યો અને પાંચ લોકોના જીવ બચાવી શકાયા, બચાવ કામગીરી દરમિયાન કાંટા વાગ્યા છતાં મચક ના આપી
Trending Photos
Gambhira Bridge Tragedy: વડોદરાના પાદરા તાલુકાના મુજપુર ગામ નજીક મહિસાગર નદી ઉપરના પૂલ તૂટી પડવાની ઘટનામાં સ્થાનિક પોલીસની તત્કાલ કાર્યવાહીના કારણે પાંચ લોકોના જીવ બચી ગયા છે. આવી ગંભીર આપત્તિના સમયે પાદરા પોલીસની સમય સૂચક્તા અને સ્વની પરવાહ કર્યા વિના કરેલી કામગીરીની નોંધ લેવી ઘટે !
થયેલું એવું કે, પાદરા પોલીસ મથકના મોટા ભાગના પોલીસકર્મીઓને તા. ૮ના રોજ નાઇટ ડ્યુટી હતી. સામાન્ય રીતે નાઇટ ડ્યુટી હોય ત્યારે બીજા દિવસે સેકન્ડ શિફ્ટમાં કામ થતું હોય છે. પણ તા. ૯ના રોજ પાદરા તાલુકા પોલીસ મથકમાં પાછલા વર્ષોમાં પકડાયેલા દેશીવિદેશી શરાબના જથ્થાને નાશ કરવાની કાર્યવાહી કરવાની હતી, એટલે સંબંધિત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ નાઇટ ડ્યુટી કરી હોવા છતાં વહેલા ઉઠી ગયા હતા.
હવે શરૂ થાય છે આપત્તિના સમયની વાત. થયું એવું કે, તા. ૮ના રોજ મુજપૂર પૂલની વડોદરા બાજુએ નવી જ બનાવવામાં આવેલી પોલીસ ચોકીનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. એટલે ત્યાં ફરજ ઉપર જવાનો હતા. એવામાં પાદરા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વિજય ચારણને હોમગાર્ડનો ફોન આવ્યો કે, મુજપૂર પૂલ તૂટી ગયો છે અને વાહનો નીચે નદીમાં પડ્યા છે.
પીઆઇએ સમયને પારખીને તુરંત ટીમને એક્ટિવ કરી દીધી. પીએસઆઇ જે. ડી. ગઢવી ઘટના સ્થળથી નજીક રહેતા હોવાનો પીઆઇને ખ્યાલ હતો, એટલે વિના વિલંબે તેમણે શ્રી ગઢવીને ફોન કર્યો અને તત્કાલ સ્થળ ઉપર પહોંચવા જણાવ્યું. આ ઉપરાંત આ વિસ્તારથી સુપરિચિત અને બિટ કર્મી એવા હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ ગોહિલ તથા રાહુલ સભાડને પણ ફોન કરી સત્વરે ઘટના સ્થળે પહોંચવા જણાવ્યું.
બનાવ અંગે પીઆઇને ૭.૪૩ વાગ્યે ફોન આવ્યો અને તેમણે જે. ડી. ગઢવીને ૭.૪૮ વાગ્યે, જયદીપસિંહને ૭.૫૦ વાગ્યે, ડીવાયએસપીએ ૭.૫૨ વાગ્યે, મામલતદારને ૭.૫૩ વાગ્યે અને તે બાદ કન્ટ્રોલ રૂમ, ડિઝાસ્ટર, એસડીએમ સહિતના જવાબદાર અધિકારીઓને ફોન કરીને આ ગંભીર ઘટનાની જાણકારી આપી દીધી હતી.
ઘટના સ્થળે સૌથી પહેલા પહોંચ્યા જે. ડી. ગઢવી, તેઓ ફોન મળ્યા બાદ ૧૩થી ૧૪ મિનિટમાં ઘટના સ્થળે પહોંચી ગયા. આ ગંભીર સ્થિતિ પારખી તેમના બાદ તુરંત આવેલા બન્ને હેડ કોન્સ્ટેબલ પૂલ નીચે ઉતરી ગયા. એ દરમિયાન પીઆઇ ચારણ પણ મારતી ગાડીએ વીસેક મિનિટની અંદર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા. આ સમયસારણી એટલે જાણવી જોઇએ કે આવી આપત્તિને પોલીસે કેટલી ઝડપી રિસપોન્સ આપ્યો !
એ દરમિયાન, બન્ને હેડ કોન્સ્ટેબલોએ ડબકા ગામના પોતાના પરિચીત હોય એવા તરવૈયાઓ, બોટવાળાને ફોન કરીને બોલાવી લીધા અને પીઆઇ, પીએસઆઇ, કોન્સ્ટેબલ પૂનમ સહિતના મહી નદીના કિચડમાં કુદી પડ્યા હતા. કિચડમાં અડધો પગ ખૂચી જતો હતો. છતાં, કોઇ પરવાહ કર્યા વિના તેઓ ઇજાગ્રસ્તોને બચાવવા માટે નદીમાં પહોંચી ગયા.
દરમિયાન, એક બોટ સાથે સાત, એ પછી બીજી બોટ સાથે ૧૫ જેટલા તરવૈયાઓ તૂટેલા પૂલ નીચે પહોંચી ગયા હતા. એવામાં સૌ પ્રથમ ૧૦૮ની બે એમ્બ્યુલન્સ ઉપર આવી ગઇ હતી. એમ્યુલન્સના સ્ટ્રેચરમાં રાખી ઘાયલોને નદીના પટમાંથી ઉપર લાવવામાં આવ્યા. અહીં સ્થિતિ એવી હતી કે, એક તરફ નદીના પટમાંથી ઉપર આવવા માટે કપરૂ ચઢાણ તો બીજી તરફ કાંટળા બાવળ વાળો રસ્તો હતો. આવી મુશ્કેલ પરિસ્થિતમાં પણ પોલીસ જવાનો અને નાગરિકો કાંટાની પરવાહ કર્યા વિના ઘાયલોને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા હતા. આ બચાવ કામગીરી દરમિયાન અનેક પોલીસ જવાનો, બચાવકર્મીઓને કાંટા વાગ્યા હતા. એ બાદ બીજી એજન્સીઓ પહોંચી હતી અને બચાવકામનો મોરચો સંભાળ્યો હતો.
આમ, ફર્સ્ટ રિસપોન્ડર તરીકે પોલીસની ત્વરિત કાર્યવાહી અને લોકોની મદદથી પાંચ લોકોના જીવ બચાવી શકાયા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે