આરપી પટેલ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું સહેલું હોય! વધુ સંતાનો પેદા કરવાની વાત પર ગીતા પટેલ ઉકળ્યા
No Child Controvery : ઓછામાં ઓછા ત્રણથી ચાર સંતાનો પેદા કરવાના આરપી પટેલના નિવેદનને કેટલાક પાટીદાર અગ્રણી વખોડી રહ્યા છે, તો કેટલાક સમર્થન આપી રહ્યાં છે
Trending Photos
Patidar Samaj : કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. જેનો પાટીદાર સમાજમાં જ વિવાદ થયો છે. પાટીદાર અગ્રણીઓ જ કહી રહ્યા છે કે, આજના સમયમાં ત્રણથી ચાર બાળકો પેદા કરવા ખુબ અઘરા છેે.
આર.પી. પટેલનુ નિવેદન સમાજ નીતિવાળું છે કે રાજનીતિવાળું છે?
આર.પી. પટેલના નિવેદનને પાટીદાર મહિલા અગ્રણી ગીતા પટેલે વખોડ્યું છે. તેમણે કહ્યું કે, આજના સમયમાં ત્રણથી ચાર બાળકો પેદા કરવા ખુબ અઘરા છે. આર. પી. પટેલ કરોડપતિ છે એટલે એમના માટે આ બધું સહેલું હોય. ગામડામાં રહેતા અને ત્રણથી ચાર વિઘા જમીન ધરાવતા પરિવારને ચાર બાળકો કઇ રીતે પોસાય. આજના સમયમાં એક કરાતાં વધારે બાળક હોય તો તેની પાછળ અનેક ખર્ચા હોય છે. આર. પી. પટેલને સરકાર તરફથી ડર છે કે રાજકીય તાકાત ઘટશે. આર.પી. પટેલનુ નિવેદન સમાજ નીતિવાળું છે કે રાજનીતિવાળું છે? ત્રણથી ચાર બાળકો પેદા કરવા એ મંચ પરથી બોલવું સહેલું છે. આજથી ૨૦ વર્ષ બાદ અભ્યાસ રોજગાર અને બીજા ખર્ચા કેટલા હશે તે કલ્પના મુશ્કેલ છે.
સમાજમાં દીકરા દીકરીઓને મફત શિક્ષણ મળે તેની ચિંતા જરૂરી છે
ગીતા પટેલે વધુમાં કહ્યું કે, કાકા મામા અને બીજા સંબંધો માટે ચાર સંતાનોનો વિચાર કેટલો યોગ્ય. તમે એ મહિલાનો વિચાર કર્યો છે કે તે ચાર સંતાનને કઇ રીતે જન્મ આપશે. સમાજના મંચ પરથી સમાજની ચિંતા કરવી જોઇએ. આજે યુવાનો નશો, ઓનલાઇન ગેમ, બેરોજગારથી પીડાય છે તેની ચિંતા જરૂરી છે. પાટીદાર યુવાનો ધંધા રોજગાર માટે પરેશાન તેની ચિંતા જરૂરી છે. સમાજમાં દીકરા દીકરીઓને મફત શિક્ષણ મળે તેની ચિંતા જરૂરી છે. શા માટે દીકરીઓ ભાગીને લગ્ન કરે છે, તેની ચિંતા કરો. રાજકીય તાકાત વધારવા ચાર બાળકો પેદા કરો-એવુ ક્યારેય ન થાય. આપણે બિન અનામત આયોગના ચેરમેન નથી બનાવી શક્યા તે ચિંતા કરવાની છે.
હું એક માતા તરીકે નથી ઇચ્છતી કે મારી કુખે દિકરી જન્મે
મહિલા અગ્રણીએ જણાવ્યું કે, આર.પી પટેલે એક વાર એવું પણ નિવેદન આપ્યું હતું કે દીકરીઓ રિવોલ્વર રાખવાની જરૂર છે. દિકરીઓની સુરક્ષાની ચિંતા છોડી આડા પાટે ચઢવાની જરૂર નથી. ચાર બાળકો પૈકી કરી રસ્તા પર ભીખ મંગાવવાની? હિન્દુ સનાતનની વાત યોગ્ય પણ તેન માટે ચાર બાળક પેદા કરવાના? ચાર બાળકોને જન્ય આપ્યા બાદ તેમની જવાબદારી કોની? સરકારમાં એની રજુઆત કરવી જોઇએ કે બાળકોને મફત ભણાવો તેમના રોજગારની વ્યવસ્થા કરો. હું એક માતા તરીકે નથી ઇચ્છતી કે મારી કુખે દિકરી જન્મે, કેમ કે તે સુરક્ષિત નથી.
બે બાળકો તો હોવા જોઈએ - દિનેશ બાંભણીયા
તો આર.પી. પટેલના નિવેદન પર પાસ નેતા દિનેશ બાંભણીયાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, હું તેમના નિવેદન પર આંશિક રીતે સહમત છું. ઘરમાં બે બાળકો હોવા જરૂરી છે. વર્તમાન સામાજિક વ્યવસ્થામાં બે બાળકો જરૂરી છે. વધારે બાળકો હોવા જોઈએ તે હું માનતો નથી.
વન ચાઇલ્ડ ના કારણે સભ્ય સમાજની વ્યવસ્થાનો પણ નાશ થશે - અલ્પેશ કથીરિયા
તો આ મુદ્દે ભાજપના નેતા અલ્પેશ કથીરિયાએ આરપી પટેલના નિવેદનને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, કુટુંબ વ્યવસ્થાનો નાશ ન થવો જોઈએ. માત્ર પાટીદાર સમાજ નહીં પરંતુ સમગ્ર સમાજમાં વન ચાઇલ્ડની પોલિસી ચાલે છે. નવદંપતી લગ્ન પછીનું ઉજ્જવળ ભવિષ્ય માટેનું આ પ્રકારે પ્લાનિંગ કરતા હોય છે. વન ચાઇલ્ડ ના કારણે સભ્ય સમાજની વ્યવસ્થાનો પણ નાશ થશે. કુટુંબ વ્યવસ્થાનો પણ નાશ થશે અને તેની ચિંતા આર.પી. પટેલે કરી છે. ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદ્ભવે તેની ચિંતા હમણાથી કરવી જોઈએ. કુટુંબમાં સભ્યોની સંખ્યા ઓછી હોય તો લોકશાહીમાં પ્રતિનિધિત્વ પણ નહીં મળે. કુટુંબ વ્યવસ્થા પણ આર્થિક રીતે પછાત થશે. કુટુંબોએ પણ ઉભરીને આગળ આવવું જોઈએ. પરિવારો પર આર્થિક બોજો ના પડે તે માટે પણ વિચારવું જોઈએ. કુટુંબ વ્યવસ્થાને લઈ તેઓએ આ નિવેદન આપ્યું છે તેવું મને લાગે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે