પતિના નિધન બાદ જીવનસાથી શોધતી મહિલાને મળ્યો મોટો ચીટર, રૂપિયા-ઘરેણા બધું લૂંટીને લઈ ગયો!

Ahmedabad Crime News : ફિલ્મી સ્ટોરી ‘રિકી બહેલ’ જેવો આરોપી રિયલ સ્ટોરીમાં અમદાવાદ પોલીસે ઝડપી પાડ્યો... ઈસનપુરની પરિણીત મહિલા સાથે કરી છેતરપીંડી  

પતિના નિધન બાદ જીવનસાથી શોધતી મહિલાને મળ્યો મોટો ચીટર, રૂપિયા-ઘરેણા બધું લૂંટીને લઈ ગયો!

Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદની એક મહિલા તેના પતિના અવસાન બાદ સારા જીવનસાથીની શોધમાં છેતરપિંડીનો ભોગ બની છે. મહિલાને એક જીવનસાથી મળ્યો પણ ખરો, પણ તે જીવનસાથી એ મહિલાને પહેલા વિશ્વાસમાં લીધી, તેની સાથે શરીર સંબંધ બાંધ્યા અને અંતે રૂપિયા દાગીના લઈને રફુચક્કર થઈ ગયો, આ મામલે ઇસનપુર પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે.

ઈસનપુર પોલીસે આર્યન પટેલ નામના શખ્સની ધરપકડ કરી છે. મૂળ પોરબંદરનો વતની આ યુવક સુરતના ભેસ્તાનથી બળાત્કાર અને છેતરપિંડીના કેસમાં પકડાયો છે. આરોપી સામે ઈસનપુર પોલીસ સ્ટેશનમાં એક વિધવા મહિલા એ દુષ્કર્મ અને છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જે ગુનામાં તે ફરાર હતો. 

કેસની વિગતવાર વાત કરીયે તો ઈસનપુરમાં રહેતી 41 વર્ષીય મહિલાનાં થોડા વર્ષો પહેલા લગ્ન થયા હતા, જેમાં પતિ સાથે મનમેળ ન થતા તેણે છૂટાછેડા લઈને બીજા લગ્ન કર્યા હતા. જોકે તેના પતિનું પણ નિધન થયું હતું, જે બાદ એક વર્ષ પહેલા જીવનસાથી મેરેજ એપ્લિકેશન મારફતે તે જીવનસાથીની શોધમાં હતી. જ્યાં તેનો પરિચય આર્યન પટેલ સાથે થયો હતો. આર્યન પટેલે પોતે પણ છૂટાછેડા લીધા છે તેમ કહીને મહિલા સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો, અને જૂન 2024માં તે મહિલાને મળવા માટે અમદાવાદ આવ્યો હતો.

આ આરોપીએ મહિલાને હોટલમાં મળવા બોલાવી હતી, જોકે મહિલાએ ના પાડતા તેણે તેના ઘરે મળવા માટે મંજૂરી આપી હતી. આરોપી આર્યન પટેલ ઇસનપુર ખાતે મહિલાનાં ઘરે ગયો અને પોતે કરોડપતિ હોવાની મોટી મોટી વાતો કરી હતી. ગાંધીનગર ખાતે મહિલાને લઈ જઈને 7 કરોડ રૂપિયાની કિંમતનો વિલા મહિલાનાં નામે બુક કરાવ્યો. જેના બુકિંગ પેટે 50 લાખ રૂપિયાનો ચેક આપ્યો, જે બાદ મહિલાનાં બે દીકરાઓ માટે લક્ઝુરિયસ કાર બુક કરાવી હતી. તેમજ મહિલાનાં દિકરાઓને ધંધામાં સેટ કરવાનું કહીને ગાડીનો શોરૂમ બનાવી આપતા મહિલાનાં દીકરાનાં નામે ભાડા કરાર કરાવ્યો. 

મહિલા આ બધી બાબતોનાં કારણે આર્યન પટેલનાં ઝાંસામાં આવી ગઈને અને તેણે પોતાના ઘરમાં જ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો. જે બાદ તેણે પોતાના તાત્કાલિક 10 લાખ રૂપિયાની જરૂર છે તેમ કહીને મહિલા પાસેથી રૂપિયા માંગ્યા. ફરિયાદીએ પોતાની 4 લાખની ફિક્સ ડિપોઝીટ તોડાવી આર્યન પટેલને રોકડા આપ્યા અને બાદમાં તે મહિલાનાં અઢી ત્રણ લાખના દાગીના પણ લઇને રફુચક્કર થઈ ગયો. ત્યાર બાદ મહિલાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

ઇસનપુર પોલીસે ફરિયાદના આરોપી આર્યન પટેલને સુરતથી પકડી લીધો છે. ઈસનપુર પોલીસે પૂછપરછ કરતા સામે આવ્યું કે તે પોરબંદર જિલ્લાના બોખીરા ગામનો વતની છે, તેણે સુરતમાં બીએસસી માઈક્રો બાયોલોજીનો અભ્યાસ કર્યો અને બાદમાં લંડન ખાતે એમ બી એ ફાઇનાન્સનો અભ્યાસ કર્યો હતો. જે બાદ તે લંડનમાં એક બેંકમાં પીઆરઓ તરીકે નોકરી કરતો હતો. ભારત પરત આવી તે મુંબઈમાં કોલ સેન્ટરમાં નોકરીએ લાગ્યો અને તે દરમિયાન રાજસ્થાનની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવનમાં તેને બે બાળકો પણ છે, જોકે પત્ની સાથે મનમેળ ન થતા તેણે પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. જે બાદથી તે એકલવાયું જીવન વિતાવતો હતો. 

આરોપી આર્યન પટેલે વર્ષ 2014માં તેણે મુંબઈમાં અઢી કરોડની છેતરપિંડી કરી હતી, વર્ષ 2019માં અને 2022 માં સુરતમાં ઉમરા પોલીસ સ્ટેશન ખાતે લૂંટ, અપહરણ અને મારામારી તેમજ છેતરપીંડી ના ગુનામાં, તેમજ પોરબંદરમાં ચાંદીની છેતરપીંડીના ગુનામાં, વડોદરામાં મારામારીના ગુનામાં એમ કુલ 6 જેટલા ગુનામાં 7 વર્ષથી વધુ સમય જેલવાસ ભોગવી ચૂક્યો છે. આ આરોપીએ આ રીતે અન્ય કોઈ મહિલાને ફસાવીને પૈસા પડાવ્યા છે કે કેમ તે અંગે ઈસનપુર પોલીસે તપાસ કરવા આરોપીના રિમાન્ડ મેળવ્યા છે અને વધુ તપાસ શરુ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news