સિબિલ સ્કોર ખરાબ હતો તો SBIએ ન આપી નોકરી, કોર્ટે પણ આપ્યો ઝટકો

SBI denied job due to poor cibil score: ભારતીય સ્ટેટ બેંકએ એક વ્યક્તિને નોકરી આપવાની એટલે ના પાડી દીધી કારણ કે તેનો સિબિલ સ્કોર ખરાબ હતો. કોર્ટે પણ બેંકના આ નિર્ણયને સાચો ઠેરવ્યો છે.

 સિબિલ સ્કોર ખરાબ હતો તો SBIએ ન આપી નોકરી, કોર્ટે પણ આપ્યો ઝટકો

નવી દિલ્હીઃ ખરાબ સિબિલ સ્કોરને કારણે લોન મળવામાં મુશ્કેલી આવે છે. પરંતુ શું તેના કારણે કોઈને નોકરીમાંથી રિજેક્ટ કરી શકાય છે? હાં, આવું બન્યું છે એક વ્યક્તિ સાથે. ભારતીય સ્ટેટ બેંક ( SBI) એ એક વ્યક્તિને ખરાબ સિબિલ સ્કોરને કારણે નોકરી આપવાની ના પાડી દીધી. આ વ્યક્તિ કોઈ સાધારણ નહીં પરંતુ HDFC બેંકનો પૂર્વ ડેપ્યુટી મેનેજર હતો.

મહત્વનું છે કે સિબિલ સ્કોર એક પ્રકારનો નંબર હોય છે, જે જણાવે છે કે લોન ચુકવવાનો તમારો ઈતિહાસ કેવો છે. મદ્રાસ હાઈકોર્ટે સ્ટેટ બેંકના આ નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. કોર્ટે કહ્યું કે બેંકમાં કામ કરનાર માટે પૈસાના મામલામાં ઠીક રહેવું ખૂબ જરૂરી છે. આ મામલો જણાવે છે કે જો તમે બેંકમાં નોકરી કરવા ઈચ્છો છો તો તમારી ક્રેડિટ હિસ્ટ્રી સારી હોવી જોઈએ. ક્રેડિટ હિસ્ટ્રીનો મતલબ પહેલા કોઈ લોન લીધી છે તો તેને સમય પર ચુકવી છે કે નહીં.

શું છે સમગ્ર ઘટના?
કોર્ટ અનુસાર જે વ્યક્તિને નોકરી ન મળી, તેણે પોતાના નાના ભાઈને બિઝનેસમાં મદદ કરવા માટે કેટલીક પર્સનલ લોન લીધી હતી. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર દુર્ભાગ્યથી તેના ભાઈનો અકસ્માત થઈ ગયો. તેનાથી બિઝનેસમાં નુકસાન થયું અને લોન ચુકવવામાં સમસ્યા થવા લાગી. વર્ષ 2016થી 2021 વચ્ચે તેની ક્રેડિટ પ્રોફાઇલમાં ઘણીવાર લોન ચુકવવામાં વિલંબ થયો, પેમેન્ટ અટવાયું અને ઘણીવાર લોન રાઇટ-ઓફ પણ થઈ ગઈ. રાઇટ-ઓફનો મતલબ છે કે બેંક તે માની લીધું કે હવે આ લોન પરત નહીં આવે. આ સિવાય તેના ક્રેડિટ સ્કોર વિશે 50થી વધુ વખત પૂછપરછ કરવામાં આવી હતી.

કયા પદ પર થઈ હતી પસંદગી?
તે વ્યક્તિએ એસબીઆઈ CBO (સર્કલ બેસ્ડ ઓફિસર) ની પરીક્ષા અને ઈન્ટરવ્યુ પાસ કર્યું હતું. માર્ચ 2021મા તેને નોકરીનો લેટર પણ મળી ગયો હતો. પરંતુ બાદમાં તેનો સિબિલ રિપોર્ટ ખરાબ નીકળ્યો તો એસબીઆઈએ નોકરીની ઓફર પરત લઈ લીધી હતી.

નોકરી રદ્દ થયા બાદ તે વ્યક્તિએ મદ્રાસ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે એસબીઆઈ એચઆર વિભાગના એક લેટરનો હવાલો આપ્યો. તે લેટરમાં લખ્યું હતું કે નોકરી જોઈન કરતા પહેલા લોનના ડિફોલ્ટને ઠીક કરી શકાય છે. પરંતુ કોર્ટે તેની અરજી નકારી દીધી. કોર્ટે કહ્યું કે એસબીઆઈને ક્રેડિટ રિપોર્ટના આધાર પર નોકરી આપવાનો અધિકાર છે. તેનાથી ખ્યાલ આવે છે કે નોકરી આપવામાં ક્રેડિટ સ્કોર કેટલો મહત્વપૂર્ણ છે.

કોર્ટે શું કહ્યું?
કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બેંકે સભાનપણે નિર્ણય લીધો છે કે જે ઉમેદવારોનો લોન ચૂકવવાનો ખરાબ ઇતિહાસ અને CIBIL સ્કોર ખરાબ હોય તેઓ નોકરી માટે લાયક નથી. આનું કારણ એ હોઈ શકે છે કે બેંકિંગ વ્યવસાયમાં કર્મચારીઓને જાહેર નાણાંથી કામ કરવું પડે છે અને તેથી નાણાકીય શિસ્ત જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news