હવે બોરિંગ વીકૅન્ડને કહો ટાટા! નીરસ સમયને ફાયદારુપ બનાવવાની આ છે 'ગૅમ ચૅન્જર' ટિપ્સ

હાલના સમયમાં અતિ વ્યસ્ત જિંદગીમાં લોકોને માંડ સમય મળે છે. આ સમયનો કઈ રીતે સદ્ઉપયોગ કરવો તેની અમુક પાવરફૂલ ટિપ્સ તમારે જાણવી જરૂરી છે. તેને અમલમાં મૂકવાથી તમારું વ્યક્તિગત અને સામાજિક જીવન સુધરી શકે છે. 

હવે બોરિંગ વીકૅન્ડને કહો ટાટા! નીરસ સમયને ફાયદારુપ બનાવવાની આ છે 'ગૅમ ચૅન્જર' ટિપ્સ

Weekend Plan: આજની દોડતી દુનિયામાં લોકોની જીવનશૈલી ખૂબ જ વ્યસ્ત રહે છે. કામનો ભાર, પરિવારિક જવાબદારીઓ અને મિત્રો તથા કુટુંબીજનોને સમય આપવાની વચ્ચે પોતાના માટે બિલકુલ સમય રહેતો નથી. સાંજનો થોડો સમય અને સપ્તાહના અંતનો દિવસ હળવો રહે છે. પરંતુ કમનસીબે આપણે આ સમય પણ કંઈ ન કરવામાં અથવા સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં પસાર કરીએ છીએ. આખા અઠવાડિયાના વ્યસ્ત દિવસો બાદ, રવિવારની રજામાં કોઈપણ કાર્ય કરવા માટે મન માનતું નથી. બાકીના દિવસોમાં કામ પર ધ્યાન આપ્યું  હોય એટલે ઘરકામ, સાફસફાઈ વગેરે કાર્યો સપ્તાહના અંતમાં જ પાર પડે છે. તેનાથી થાક લાગે છે એટલે અંતે હાથમાં મોબાઈલ જ આવી જાય છે. રવિવારની રાત પડ્યે ફરી કામ પર જવાની માનસિક તૈયારી સાથે નવા સપ્તાહની શરુઆત થાય છે અને આ પુનરાવર્તન બસ ચાલતું જ રહે છે. આપણને માત્ર એક જીવન મળે છે અને જો તેને આ રીતે જીવવાનું રાખીશું તો અફસોસ થશે.  તેથી તમારા રોજના સાંજના સમયને નિરસ અને કંટાળાજનક ન થવા દો. આ પ્રકારનું જીવન તમને ઉદાસીનતા અને નિરાશા તરફ દોરી જાય છે અને ડિપ્રેશન જેવા માનસિક રોગનો પણ જન્મ થાય છે. 

આ પ્રકારની જીવનશૈલી તમારા સ્વાસ્થ્ય પર કેવી રીતે અસર કરે છે?

એ વાત સમજવી ખૂબ જ જરુરી છે કે આપણે જીવન જીવવા માટે કામ કરીએ છીએ અને ક્યારેક કામમાં એટલા મશગૂલ થઈ જઈએ છીએ કે જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ. સમાજમાં લોકો સાથે હળીમળીને રહેવું, મજા માણવી તે મનુષ્ય જીવનનો અગત્યનો ભાગ છે. આપણે સૌ સામાજિક પ્રાણી છીએ એટલે લોકો સાથે સતત સંપર્કમાં રહેવું તે આપણો સ્વભાવ છે. તે આપણી સુખાકારીને ટકાવી રાખે છે અને જિંદગીને વધુ આનંદમય બનાવે છે. જો આવું ન થાય તો વ્યક્તિ એકલતાનો અહેસાસ કરે છે. આ દરેક બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. તમારું માનસિક સ્વાસ્થ્ય તમારા શારીરિક સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. એટલે જ તમારા જીવનની પહેલી પ્રાથમિકતા હંમેશા ખુશ રહેવુ તે હોવી જોઈએ. 

જ્યારે તમે વારંવાર એકલતાની જાળમાં ફસાઈ જાઓ છો ત્યારે કોઈવાર ખરાબ આદતોની લત પણ લાગી જાય છે. જીવન આ ખરાબ તબક્કા સુઘી ન પહોંચે, તે માટે પોતાની માટે સમય કાઢવો અને મનગમતી પ્રવૃત્તિઓ કરવી તે શ્રેષ્ઠ ઉપાય છે. તે સમય વેડફાઈ જાય તેવું કાર્ય નથી. જ્યારે આપણે કામ સિવાયની અન્ય પ્રવૃત્તિઓ શરુ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં વધુ ઉર્જાનો અનુભવ થાય છે. જે એક આદર્શ અને સંપૂર્ણ સ્વસ્થ જીવનશૈલીની શરુઆત કરે છે અને આપણને સામાજિક જીવન માણવા માટે પ્રેરિત કરે છે. સ્વસ્થ અને મનોરંજક જીવનની સફર માટે અહી કેટલીક ટિપ્સ આપેલ છે:

કામોની યાદી બનાવો અને તેની વહેંચણી કરો

પુખ્તાવસ્થામાં કામ કરવાની સાથે- સાથે ઘર અને પરિવારની જવાબદારીઓ પણ રહે છે જેને આપણે બિલકુલ અવગણી ન શકીએ અને તેનાથી નાસી પણ ન શકીએ. આ દરેક અગત્યના કાર્યોને સરળ બનાવવા માટે એ યુક્તિ છે કે તેની યાદી બનાવો. દરેક કામોની વ્યવસ્થિત સૂંચી બનાવીએ અને તેનું પ્લાનિંગ કરીએ તો આપણે કોઈ ગમતા કાર્યો કરવા અથવા રીલેક્સ થવા માટે સમય કાઢી શકીએ છીએ. જો આપણી પાસે યોગ્ય યોજના ન હોય તો શું કરવું અને શું નહી તે નક્કી કરવામાં સમય વેડફી નાખીએ છીએ. 

સૌ પ્રથમ એવા કામોની યાદી બનાવો કે જેમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ચાલે નહી, જેની પ્રાથમિકતા ટોચ પર હોય. જેમકે, ઘરની સફાઈ, બાળકોની સાર-સંભાળ કરવી, ઘરવખરી ખરીદવી, ઘરના બાગ-બગીચાનું ધ્યાન રાખવું વગેરે. આ દરેક પ્રવૃત્તિઓમાં કેટલો સમય લાગે છે તેની પણ નોંધણી રાખવી અને અઠવાડિયાના ચોક્કસ દિવસોમાં દરેક કામોને વહેંચી દેવા. આ યાદીઓ આપણા મગજમાં રહે એટલે તેની નોટ્સ બનાવી ફ્રીજ પર કે પછી ઘરના કેલેન્ડર પર લગાવો. મોબાઈલમાં પણ તારીખો પ્રમાણે રીમાઈન્ડર મૂકી શકાય છે. આ પધ્ધતિ અજમાવાથી સુનિશ્ચિત સમયના સ્લોટમાં કામ કરવાની આદત પડશે અને બાકીના બચેલા સમયમાં આપણા સ્વાસ્થ્યને ફાયદારુપ કે મનોરંજનની પ્રવૃત્તિઓ કરી શકીએ છીએ.

ખરીદીની યાદી તૈયાર કરવી

સારું સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે શુધ્ધ અને સાત્વિક આહાર મુખ્ય જરુરિયાત છે. તેના માટે જરુરી સામગ્રીઓની યાદી તૈયાર કરવી જેમાં નોંધ રાખવી કે કંઈ સામગ્રીની કેટલી માત્રામાં જરુરિયાત રહે છે અને તેને બનાવવામાં કેટલો સમય લાગે છે. આપણી પાસે દરરોજના ભોજનની યાદી સામે હોવાથી શું બનાવવું તેની તકલીફ રહેતી નથી અને જંક અથવા તો પ્રોસેસ્ડ ફૂડના વિકલ્પો ઘટી જાય છે અને પૈસાની પણ બચત થાય છે.  

તમારા અભિગમ અને માનસિકતા પર ધ્યાન આપો
સુખી જીવનની ચાવી સકારાત્મકતા છે. જીવનમાં મહત્વપૂર્ણ પગલાઓ ભરતી વખતે પ્રેરણાત્મક અભિગમ રાખવો. વર્ષોથી ઘડાયેલ આદતમાં અચાનક બદલાવ લાવવો કઠિન છે. તેવા સમયે આપણી મજબૂત માનસિકતા કામમાં આવે છે. તમારી વર્તમાન આદતો શું છે? તેમાંથી કઈ ભવિષ્યમાં ઉપયોગમાં લઇ શકાય અને કઈ આદતોથી નુકસાન થઈ શકે છે તેની યાદી બનાવો. પોતાની જાત પ્રત્યે વધુ ઉજાગર થાઓ અને નકારાત્મક માનસિકતાને દૂર કરવાની કોશિશ કરતા રહો. 

પર્યાવરણની નજીક રહો...

સતત બેઠાડું જીવન ન જીવતા થોડા-થોડા સમયે બહાર ખુલ્લી હવામાં ફરવાનું રાખો. શુધ્ધ હવાની સાથે સૂર્યકિરણોનો પણ લાભ મળે છે. પ્રકૃતિ સાથે જોડાવવાથી શરીરમાં હોર્મોન્સ પણ સંતુલિત રહે છે અને આપણી કાર્ય કરવાની ક્ષમતા તથા ઊર્જામાં પણ વધારો જોવા મળે છે. તમારી સવારની કોફી કે ચાની મજા બગીચા અને ઉદ્યાનમાં માણો. આ આદત તમારા જીવનની 'ગૅમ ચૅન્જર' આદત સાબિત થશે. 

વ્યક્તિગત શોખ કે રસ ધરાવતી પ્રવૃત્તિઓ શરુ કરો..

તમારા ફ્રી સમયમાં ઘરની બહાર નીકળીને આનંદ માણવાનો આગ્રહ રાખો. કંઈક એવું આયોજન કરો કે જે કરવામાં તમને ખુશી મળે છે. જો તમને ક્રિકેટ રમવું ગમે છે તો મિત્રો સાથે રમવા જવાનો પ્લાન કરો. અમુક પ્રવૃત્તિઓ એવી પણ રાખો જે તમે એકલા કરી શકો. તમારી આસપાસના સ્થળો પર કાર્યક્રમો થતા હોય તેની જાણ રાખો અને તેની મુલાકાત લો. જેનાથી તમે અલગ-અલગ અભિગમ ધરાવતાં વ્યક્તિઓને મળશો અને નવી વાતો પણ જાણશો. બજેટ બનાવી જુદા-જુદા સ્થળોએ મુસાફરી કરો. તેનાથી મૂડ ફ્રેશ થશે અને મન હળવું રહેશે. 

મનુષ્ય જીવન આનંદથી જીવવા માટે છે. તમારા અમૂલ્ય સમયને નીરસ અને કંટાળાજનક ન બનવા દો, કેમકે સમય કદી પાછો આવતો નથી. તમારા જીવનને બદલવા માટે આ ટિપ્સને અનુસરો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news