જગન્નાથ યાત્રાના રથ નિર્માણનું રહસ્ય; યાત્રા બાદ રથનું શું કરવામાં આવે છે?
પવિત્ર જગન્નાથ યાત્રામાં ત્રણ અલગ-અલગ રથો હોય છે. આ શણગારવામાં આવેલ રથોમાં વિવિધ લાકડાઓનો ઉપયોગ કરવામાં આવે છે અને રથયાત્રા પૂર્ણ થયાં બાદ રથનું શું કરવામાં આવે છે તે જાણીએ.
Trending Photos
રથ ખેંચનારને 100 યજ્ઞનું પુણ્ય
આજરોજ અષાઢી બીજના પવિત્ર દિવસે અમદાવાદમાં 148મી જગન્નાથ રથયાત્રા નીકળી છે. આ રથયાત્રાના મહત્વને અતિ શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે રથયાત્રા દરમિયાન જે વ્યક્તિ રથને ખેંચે છે તેમને 100 યજ્ઞ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાને તેમના રથોમાં બિરાજવામાં આવે છે. આ રથોની પૂજા પણ કરવામાં આવે છે.
યાત્રામાં મહત્વના 3 રથ
જગન્નાથ યાત્રાની ભવ્યતા અને આધ્યાત્મિકતા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. ત્રણેય ભગવાનો માટે અલગ-અલગ રથ બનાવવામાં આવે છે જે લાકડાના હોય છે. રથયાત્રા બાદ આ રથોનું શું થાય છે તે પાછળ એક ધાર્મિક કારણ છે.
કેવી રીતે રથ તૈયાર થાય છે
જગન્નાથ યાત્રાના રથ બનવાની તૈયારીઓ ઘણાં મહિના પહેલાથી જ શરુ થઈ જાય છે. આ પ્રક્રિયાની શરુઆત ખાસ અક્ષય તૃતીયાના દિવસે કરવામાં આવે છે, જે શુભ ગણાય છે. રથ નિર્માણ માટેના લાકડાઓ ઓડિશાના મયૂરભંજ, ગંજામ અને ક્યોંઝર જિલ્લાના જંગલોમાંથી આવે છે. આ વિસ્તાર ગાઢ અને પવિત્ર ગણાતાં જંગલો માટે પ્રસિદ્ધ છે. ત્યાંથી લાકડાઓને કાપતાં પહેલા તેની પૂજા થાય છે અને શુભ મુહૂર્ત જોઈને જ તેને કાપવામાં આવે છે. આ પૂરી પ્રક્રિયાને એક પ્રકારનું ધાર્મિક અનુષ્ઠાન માનવામાં આવે છે.
પર્યાવરણની સંભાળ રાખી રથનું નિર્માણ
રથ બનાવવા માટે ખાસ પ્રકારના લાકડાઓનો જ ઉપયોગ કરવામાં આવે છે જેના પર ભગવાન જગન્નાથ સાથે જોડાયેલ ચક્ર, શંખ, ગદા કે પદ્મ જેવા ધાર્મિક ચિન્હ અંકિત કરેલ હોય છે. આ ઉપરાંત જે વૃક્ષો પાસે સાપના દર, પક્ષીઓના માળા, નદી કે મંદિર જેવા પવિત્ર સ્થળ હોય તે વૃક્ષો કાપવામાં આવતા નથી. વૃક્ષોની પસંદગી પ્રકૃતિનું સમ્માન અને ધાર્મિક માન્યતાઓને અનુસરીને કરવામાં આવે છે. વન અને વન્યજીવોની સુરક્ષાનું ચોક્કસપણે ધ્યાન રાખવામાં આવે છે.
ત્રણેય રથના ખાસ નામ
જગન્નાથ ભગવાનના રથનું નિર્માણમાં ફાસી, ધૌરા, સિમલી, સહજા અને મહી લાકડાઓનો ઉપયોગ થાય છે. ધૌરા લાકડાથી રથ ભારી અને મજબૂત પૈડાંનું બને છે. ફાસી લાકડાથી પૈડાનું એક્સલ તૈયાર થાય છે જે પૈડાને રથ સાથે જોડીને રાખે છે અને તેની મજબૂતી સુનિશ્ચિત કરે છે. સિમલી લાકડાથી રથનો ઉપરનો ભાગ બનાવવામાં આવે છે જે પ્રમાણમાં વજનમાં ઓછો હોય છે. અન્ય સજાવટની સામગ્રીઓ પણ વજનમાં ઓછી હોય છે જેને સહજા લાકડામાંથી બનાવવામાં આવે છે. આમ, અલગ-અલગ લાકડાઓનો ઉપયોગ કરીને રથને મજબૂત અને સુંદર બનાવવામાં આવે છે.
રથના કદ પ્રમાણે તેના પૈડાંની સંખ્યા
રથયાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના જુદાં-જુદાં રથ હોય છે. ભગવાન જગન્નાથના રથ જેને 'નંદીઘોષ' કહે છે તેને 16 પૈડાં હોય છે, બલભદ્રના રથને 'તાલધ્વજ' કહે છે જે 14 પૈડાંઓ પર અને સુભદ્રાના રથને 'દર્પદલન પદ્મ' કહે છે જે 12 પૈડાં પર ચાલે છે. આ પૈડાંની સંખ્યા રથની ભવ્યતા અને તેના આકાર પ્રમાણે નક્કી કરવામાં આવે છે.
રથયાત્રા બાદ રથનો મંદિરમાં ઉપયોગ
ભગવાન જગન્નાથની રથ યાત્રા પૂર્ણ થયા બાદ આ રથોને સુરક્ષિત રીતે રાખવામાં આવે છે. આ રથના લાકડાઓને ફેંકવાને બદલે તેનો ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરવામાં આવે છે. આ સિવાય, રથની અમુક લાકડાની સામગ્રીને જગન્નાથ મંદિરની રસોઈમાં પ્રસાદ બનાવવા માટે લેવામાં આવે છે, જેથી યાત્રા બાદ પણ તેની પવિત્રતા બની રહે છે.
ડિસ્ક્લેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. Zee24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે