પેટનું દર્દ મટાડવા ભગત પાસે વિધિ કરાવી, કોઈક વાતે માથાકૂટ થતાં ભગતનું માથું છુંદી હત્યા
Navsari News: પેટનું દર્દ મટાડવા ગામના ભગત પાસે ગયો અને ગામથી દૂર વાંદરવેલા ગામે જઈ વિધિ કરાવી, પરંતુ કોઈક વાતે ભગત સાથે માથાકૂટ થતા ભગતનું માથું છુંદી તેનું ઢીમ ઢાળી દેનારા હત્યારાને નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી જેલના સળિયા ગણતો કરી દીધો છે.
Trending Photos
Navsari News: જિલ્લાના આદિવાસી પટ્ટામાં તાંત્રિક નિધિ કરતા ભગતો પાસે આદિવાસીઓ બીમારીનો ઈલાજ કરવા પણ પહોંચી જતા હોય છે. ઘણીવાર દવાની વધુ જરૂર હોવા છતાં અંધશ્રધ્ધામાં ભગત વિધિ કરીને સારૂ કરી આપશેની આશાએ આદિવાસીઓ ભગતના ઘરના દરવાજા જ ખખડાવે છે. ત્યારે નવસારીના વાંસદા તાલુકાના વાઘાબારી ગામે રહેતા ધીરૂ મિઠ્ઠલ પટેલને થોડા દિવસોથી પેટમાં દર્દ હતું.
ધીરૂ દવા કરાવવાને બદલે ગામના જ ભગત જીણા પટેલ પાસે પહોંચ્યો હતો. જ્યાં ઝીણા પટેલે તેને વિધિ કરવા જણાવ્યુ હતુ અને ગત રોજ રાતે વિધિ કરવા વાંસદાના જ વાંદરવેલા ગામે ગીતામણી નદીના કિનારે પીપળાના ઝાડ નીચે વિધિ કરવાનું નક્કી થયુ હતું. જેને આધારે ગત રોજ ભગત ઝીણા પટેલ અને ધીરૂ પટેલ બંને વાંદરવેલા પહોંચ્યા હતા. જ્યાં વિધિ દરમિયાન ઝીણા અમે ધીરૂ વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા ઝઘડો થયો હતો. ઝઘડા દરમિયાન આક્રોશિત ધીરૂ પટેલે ભગત ઝીણા પટેલને માથામાં પથ્થર મારી, તેનું માથું છુંદી કાઢ્યું હતું અને બાદમાં તેની ઓળખ ન થઈ શકે, એટલે તેના ચહેરાને સળગાવી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો છે.
બીજી તરફ આજે સવારે ગ્રામજનોએ હત્યા કરાયેલ મૃતદેહ જોતા તાત્કાલિક વાંસદા પોલીસને જાણ કરી હતી વાસદા પોલીસ ની ટીમ ઘટના સ્થળે પહોંચી મૃતક જીણા પટેલના મૃતદેહને તપાસ્યા બાદ પોસ્ટ મોર્ટમ અર્થે વાંસદા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા ચીખલી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અને ઇન્ચાર્જ પોલીસ વડા ભગીરથસિંહ ગોહિલ અને નવસારી LCB પોલીસની ટીમ તપાસમાં જોતરાઈ હતી.
ઘટના સ્થળે નજીક પીપળાના ઝાડ પાસેથી પોલીસને નારિયળ લીંબુ તેમજ પૂજાનો અન્ય સામાન પણ મળી આવ્યો હતો. જેથી ઝીણા પટેલ વિધિ કરવા કોઈકની સાથે આવ્યો હોય અને બાદમાં તેની હત્યા થઈ હોવાનું પ્રાથમિક તારણ પોલીસે કાઢ્યું હતું.
દરમિયાન નવસારી LCB પોલીસે ઝીણા પટેલ સાથે સંલગ્ન લોકોના નિવેદનો લેવાના શરૂ કર્યા હતા. જેમાં ઝીણા પટેલ ગત રોજ ધીરૂ સાથે ગયો હોવાનું જાણતા, પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સની સાથે ટેકનિકલ સર્વેલન્સને આધારે ધીરૂનું પગેરૂ શોધી, તેની પૂછપરછ કરતા ધીરૂ ભાંગી પડ્યો હતો અને ઝીણા પટેલની હત્યાની કબૂલાત કરી હતી. જેથી નવસારી LCB પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારોપી ધીરૂ પટેલની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે