પાટણના હારીજમાં લક્કી ડ્રો થાય તે પહેલા પોલીસ ત્રાટકી, 17 લોકો સામે FIR, 10ની ધરપકડ

પાટલ અને બનાસકાંઠા જિલ્લામાં લક્કી ડ્રોના નામે લોકો સાથે થઈ રહેલી છેતરપિંડી પર પોલીસની બાજ નજર છે. હવે પાટણના હારીજમાં લક્કી ડ્રો થાય તે પહેલા પોલીસે દરોડા પાડી કાર્યવાહી કરી છે.
 

પાટણના હારીજમાં લક્કી ડ્રો થાય તે પહેલા પોલીસ ત્રાટકી, 17 લોકો સામે FIR, 10ની ધરપકડ

પ્રેમલ ત્રિવેદી, પાટણઃ  હારીજ પોલીસે ગેરકાયદે ઈનામી યોજના ચલાવવા બદલ 17 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 10 શખ્સોની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી ડીસાના અજાપુરા ગામના વક્તાભાઈ ઉર્ફે વિપુલ પુનમાજી વાલાજી માળી (પરમાર) છે. આરોપીઓએ હારીજની કૃષ્ણાધામ ગૌશાળા સેવા સમિતિના નામે 399 રૂપિયાની ટિકિટો છપાવી હતી. લોકોને આકર્ષવા માટે સ્કોર્પિયો કાર, સ્વિફ્ટ કાર, ટ્રેક્ટર અને બાઈક સહિત કુલ 5001 ઈનામોની લાલચ આપવામાં આવી હતી..

હારીજ જાસ્કા રોડ પરની કૃષ્ણધામ ગૌશાળાના લાભાર્થે ઈનામી ડ્રોની યોજના બહાર પાડીને લોકો સાથે છેતરપિંડી કરવાનો આયોજકોનો તખ્તો પાટણ જિલ્લા એલસીબી પોલીસ અને હારીજ પોલીસે ઉંધો પાડી દીધો છે...જેમાં પોલીસને બાતમી મળતાં જ ઈનામી ડ્રો થાય તે પહેલાં જ ગૌશાળામાં પહોંચીને 10 જેટલા આયોજકોને રંગેહાથ ઝડપીને કુલ 17 સામે નામજોગ ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાઈ છે અને આયોજકોના કરોડો રૂપિયા કમાવવાનો ખેલ પોલીસે ખેદાનમેદાન કરી દીધો છે. 

હારીજ ખાતે આવેલ કૃષ્ણધામ ગૌશાળામાં કેટલાક ઈનામી ડ્રોની યોજના બહાર પાડીને લોકો સાથે છેતરપિંડી કરવાના ઈરાદે ઈનામી ડ્રોની ટિકિટોનો દર રૂ.399 રાખીને એજન્ટો મારફતે બજારમાં ટિકીટો વેચી હતી અને ઈનામી ડ્રોની અંદર મોંઘા ભાવના ઈનામો પણ રાખવામાં આવ્યા હતા. જેથી વેચાણ કરેલી ટિકિટોનો ડ્રો શુક્રવારે રાત્રે યોજાવાના હતો તે પહેલા જ પાટણ એલસીબી પોલીસને જાણ થતાં જ એલસીબી પોલીસે વોચ ગોઠવી અને હારીજ પોલીસને સાથે રાખીને ગૌશાળામાં રેડ કરતા 10 જેટલા આયોજકોને રંગે હાથ ઝડપી લીધા હતા અને 17 આયોજકો સામે નામજોગ ફરિયાદ હારીજ પોલીસ મથકે નોંધાઈ હતી. 

આયોજકો દ્વારા લાખો રૂપિયા કમાવવા માટે કરાયેલો તખ્તો તૈયાર પોલીસની સતર્કતાના કારણે નિષ્ફળ ગયો છે. ઈનામોમાં સ્કોર્પિયો-1, સ્વિફ્ટ-1, ટ્રેક્ટર-8, બાઈક-21, ઈ-એક્ટિવા-31, રોટાવેટર-11, ફ્રિજ-51, કૂલર-301, LED-151, સીલિંગ ફેન-501, હીટર-1000 અને અન્ય ઈનામોનો સમાવેશ કરવામાં આવ્યો હતોપોલીસે 10 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. બાકીના આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.

આ બાબતે હારીજ કૃષ્ણધામ ગૌશાળાના સંચાલક લાલજી મહારાજે જણાવ્યું હતું કે ઈનામી ડ્રો યોજનાર સંચાલક વકતાજી ઉર્ફે વિપુલ માળીએ કહ્યું હતું કે અમને ઈનામી ડ્રો ગૌશાળામાં રાખવા દો અમે તમને ગાયો માટે હોસ્પિટલ બનાવી આપીશું તેથી વધુ હું જાણતો નથી.હારીજ ખાતે ગૌશાળામાં લાભાર્થે ઈનામી ડ્રોની યોજના બહાર પાડીને આયોજકો દ્વારા રૂ.399ના દરની 1,10,000 ટિકિટો બજારમાં વેચવા માટે છપાવવામાં આવી હતી. જો બધી કૂપનો વેચાય તો રૂ.4,38,90,000 રૂપિયા આયોજકોને મળે તેમ હતા જેથી આયોજકોએ રાતોરાત કરોડપતિ બનવાના સપના જોયા હતા. તે એલસીબી પોલીસે નિષ્ફળ બનાવ્યા હતા..

બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં લકી ડ્રોમાં નામ અનેક લોકો સાથે ઠગાઈના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવા લકી ડ્રો પર પોલીસ પણ ખાસ નજર રાખી રહી છે..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news