ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના નેતાઓની એન્ટ્રી, મિશન ગુજરાત માટે કરશે કામ

Congress Mission Gujarat : અમદાવાદ સંમેલન બાદ કોંગ્રેસ નેતૃત્વનો મોટો નિર્ણય... 183 નિરીક્ષકોની કરી નિમણૂંક... કોંગ્રેસે રાજસ્થાનના 12 નેતાઓને મિશન ગુજરાતમાં તૈનાત કર્યા છે... રાહુલ ગાંધી 15મીએ અરવલ્લીના મોડાસાથી શરૂઆત કરશે
 

ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના નેતાઓની એન્ટ્રી, મિશન ગુજરાત માટે કરશે કામ

Gujarat Politics : કોંગ્રેસ તેના મિશન ગુજરાત માટે એક્શન મોડમાં આવી ગયું છે. કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં જિલ્લા એકમોને પુનઃસંગઠિત કરવા અને સશક્ત કરવા માટે 43 અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (AICC) નિરીક્ષકો અને 183 પ્રદેશ કોંગ્રેસ સમિતિ (PCC) નિરીક્ષકોની નિમણૂંક કરી છે. જે આગામી ચૂંટણી અને સંગઠનાત્મક તાકાતને ધ્યાનમાં રાખીને આ નિર્ણયને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. પરંતું આ વચ્ચે મોટી વાત એ છે કે, ગુજરાત કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના 12 નેતાઓની એન્ટ્રી થઈ છે. 
 
નિરીક્ષકોની યાદી જાહેર કરી 
પાર્ટીના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ નિરીક્ષકો જિલ્લા કોંગ્રેસ પ્રમુખોની પસંદગી અને નિમણૂંકની પ્રક્રિયા પર નજર રાખશે. દરેક જિલ્લામાં એક એઆઈસીસી નિરીક્ષક સાથે ચાર પીસીસી નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. AICC નિરીક્ષક આ જૂથના કન્વીનરની ભૂમિકા ભજવશે.

રાજસ્થાનના 12 નેતાઓને જવાબદારી મળી
રાજસ્થાનના કેટલાક વરિષ્ઠ નેતાઓને ગુજરાત મિશન હેઠળ AICC નિરીક્ષક તરીકેની જવાબદારી સોંપાઈ છે. જેમાં હરીશ ચૌધરી, બાબુલાલ નાગર, અર્જુન બામણિયા, નીરજ ડાંગી, હરીશ ચંદ્ર મીણા, ભજનલાલ જાટવ, કુલદીપ ઈન્દોરા, ધીરજ ગુર્જર, ઈન્દિરા મીના, અમીન કાગજી અને જગદીશ જાગવર જેવા નેતાઓનો સમાવેશ થાય છે. આ તમામ આગેવાનો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં જઈને સંગઠનને નવા આયામ આપવાનું કામ કરશે.

15મી એપ્રિલે પ્રથમ મહત્વની બેઠક
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ નિરીક્ષકોની પ્રથમ બેઠક 15 એપ્રિલે અરવલ્લી જિલ્લામાં યોજાશે. પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આ મહત્વપૂર્ણ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ બેઠકમાં આગળની રણનીતિ, એક્શન પ્લાન અને નિમણૂંકોની રૂપરેખા નક્કી કરવામાં આવશે.

સર્જન અભિયાન વિસ્તરણ પામી રહ્યું છે
એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સમગ્ર અભિયાન કોંગ્રેસ દ્વારા શરૂ કરવામાં આવેલા 'સંગઠન નિર્માણ' મિશનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય પાર્ટીને પાયાથી મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોને સંગઠનનો આધાર બનાવવાનો છે. રાહુલ ગાંધીએ 9 એપ્રિલે અમદાવાદ સંમેલનમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે હવે જિલ્લા પ્રમુખો સંગઠનની કરોડરજ્જુ હશે.

કોંગ્રેસ પણ ગુજરાતને રાજકીય લેબોરેટરી બનાવશે 
કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા આ નિર્ણય સત્રના અંતના ત્રીજા દિવસે અને 15 એપ્રિલે રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત પહેલા લેવામાં આવ્યો છે. તેઓ રાજ્યના અરવલ્લી જિલ્લામાંથી નવા ગુજરાત માટે 'નવી કોંગ્રેસ'ની રચનાની શરૂઆત કરશે. વાસ્તવમાં થોડા સમય પહેલા એવી ચર્ચા હતી કે ભાજપની જેમ કોંગ્રેસ પણ ગુજરાતને લેબોરેટરી બનાવી દેશે. છેલ્લા પાંચ દિવસમાં કોંગ્રેસ જે રીતે ગુજરાતના મોરચે સક્રિય થઈ છે તે જોતાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું રાહુલ ગાંધી ખરેખર 2027ની ચૂંટણીમાં પીએમ મોદી અને અમિત શાહના ગૃહ રાજ્યમાં ભાજપ માટે મુશ્કેલી ઊભી કરશે. આ સાથે કોંગ્રેસે રાજ્યમાં યુથ કોંગ્રેસની સદસ્યતા પણ ઓપન કરી છે. સદસ્યતા અભિયાન 21 થી 30 એપ્રિલ સુધી ચાલશે. આ પછી યુથ કોંગ્રેસની ચૂંટણી પણ યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news