Gambhira Bridge: ગુજરાતમાં મોટી દુર્ઘટના! ગંભીરા બ્રિજના બે ફાડિયા થતાં 9 લોકોના મોત, 7નું રેસ્ક્યું
Vadodara Bridge Collapsed: આજની દુર્ઘટનાએ ગુજરાતને ફરી જૂની દર્દનાક બ્રિજ દુર્ઘટનાઓની યાદ અપાવી છે. 2022ની મોરબી બ્રિજ દુર્ઘટના હોય કે પછી 2021ની અમદાવાદની મુમતપુરા બ્રિજ દુર્ઘટના..પાલનપુરમાં નિર્માણધીન બ્રિજ ધરાશાયી થવાની દુર્ઘટના પણ આવી જ ગોઝારી હતી. આ તમામ દુર્ઘટનાઓ તંત્રની બેદરકારીનું જ પરિણામ છે. વર્ષો વર્ષ દુર્ઘટનાઓ બનતી રહે છે, લોકો જીવ ગુમાવતા રહે છે, પરિવારજનો કલ્પાંત કરતા રહે છે, ન્યાય માટે વલખાં મારતા રહે છે પણ પરિણામ કાંઈ જ નથી આવતું. તપાનની વાતો થાય છે અને એટલામાં તો બીજી દુર્ઘટના બની જાય છે.
Trending Photos
ગુજરાત માટે આજની સવાર વધુ એક દુર્ઘટનાના સમાચાર સાથે પડી. વહેલી સવારે વડોદરાના પાદરામાં આવેલો મુજપુરા-ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી ગયો અને સાથે જ બ્રિજ પરથી પસાર થઈ રહેલા લોકો વાહનો સાથે મહીસાગર નદીમાં ખાબક્યા. આ દુર્ઘટનામાં સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ નવ લોકોએ જીવ ગુમાવ્યા છે. કેટલાકને ઈજા થઈ છે. અનેક લોકોનો હજુ પતો ન હોવાથી તેમની શોધખોળ ચાલી રહી છે.
આણંદ અને વડોદરાને જોડતા ગંભીરા બ્રિજના ૨૩ ગાળા પૈકીનો ૧ ગાળો તૂટી પડવાથી સર્જાયેલી દુર્ઘટના દુ:ખદ છે. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરું છું.
ઇજાગ્રસ્ત થયેલા લોકોની તત્કાલ સારવાર વ્યવસ્થા માટે વડોદરા કલેકટર સાથે વાતચીત કરીને અગ્રતા ક્રમે પ્રબંધ…
— Bhupendra Patel (@Bhupendrapbjp) July 9, 2025
1985માં આ બ્રિજ બન્યો હતો. 40 વર્ષ જૂનો આ બ્રિજ જર્જરિત હતો. સ્થાનિકોએ અને ઝી 24 કલાકે તંત્રનું ધ્યાન પણ દોર્યું હતું. પણ તંત્ર જાણે કુંભકર્ણથી પણ ઘેરી નિંદરમાં હતું અને તેમને આ બ્રિજની સ્થિતિ દેખાઈ જ નહીં. પરિણામ શું આવ્યું? અનેક લોકો મોતને ભેટ્યા. અનેક પરિવારો વિખેરાઈ ગયા. અને તંત્રને તપાસ કરવાનું યાદ આવ્યું.
મુખ્યમંત્રીએ બ્રિજ દુર્ઘટનાની વિગતો મેળવી. મોડે તો મોડે પણ રેસ્ક્યૂ ટીમ ઘટના સ્થળે પહોંચી. NDRFની ટીમ મોકલવામાં આવી. મોટી વાત એ છે કે, આ બ્રિજના સ્થાને નવો બ્રિજ બનાવવાને મંજૂરી મળી ગઈ હતી. એવું પણ સરકારે કહ્યું. પરંતુ આ બધું તો ઘોડા છુટ્યા પછી તબેલાને તાળા મારવા જેવું છે, દુર્ઘટના તો થઈ જ ગઈ છે, લોકોના જીવ ગયા છે પણ તંત્ર...એ તો બસ વાયદાઓ કરવામાં વ્યસ્ત છે.
ઇસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં મોટી દુર્ઘટના ઘટી છે, જે માનવ સર્જિત દુર્ઘટના છે. આપ પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ ગુજરાતના મુખ્યમંત્રીની રાજીનામાની માંગ કરી. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સરકારના ભ્રષ્ટાચારથી અનેક લોકોના મોત થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગંભીરા બ્રિજના બે કટકા થયા છે અને 9 લોકો મોતને ભેટ્યા છે. મૃતકો માટે ઇસુદાન ગઢવીએ દુઃખ વ્યક્ત કર્યું.
ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ગંભીરા બ્રિજ તૂટ્યો હતો, જેમાં 4 વાહન પડયા હતા, આ ઘટનામાં 3 લોકોનું રેસ્ક્યુ કરાયું છે. મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટ્યો છે. સ્થાનિકોએ બ્રિજનું સમારકામ કરવા અને નવો બનાવવાની માગ કરી હતી છતાં તંત્રએ સાંભળ્યું નહોતું. સરકારી તંત્ર તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરે અને ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે