ગુજરાતમાં જો વરસાદ ખેચાશે તો સર્જાશે પાણીની સમસ્યા, આ 51 ડેમો થયા તળિયા ઝાટક

Gujarat Weather 2025: ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૩ ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ. રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં ૪૪ ટકાથી વધુ જળ સંગ્રહ. ગત વર્ષે આ સમયે રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૪૦.૮૧ ટકા જળ સંગ્રહ હતો.

ગુજરાતમાં જો વરસાદ ખેચાશે તો સર્જાશે પાણીની સમસ્યા, આ 51 ડેમો થયા તળિયા ઝાટક

Gujarat Weather 2025: ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ૪૪.૧૮ ટકા જળ સંગ્રહ છે. પરંતુ બીજી બાજુ રાજકોટમાં વરસાદ ખેચાશે તો પાણીની સમસ્યા સર્જાઈ શકે છે. જી હા...સૌરાષ્ટ્રના મોટાભાગના પીવાના પાણીના ડેમો તળિયા જાટક થઈ ગયા છે.

સૌરાષ્ટ્રના 51 ડેમોને નર્મદા પર આધાર રાખવો પડશે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર અને મોરબીના 51 ડેમોમાં 20 ટકા કરતા ઓછું પાણી હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા ના તમામ 13 ડેમમાં 20 ટકા કરતા ઓછું પાણી, જામનગર જિલ્લાના 21 ડેમમાંથી 12 ડેમમાં 20 ટકા કરતા ઓછું પાણી, રાજકોટ જિલ્લાના 27 ડેમમાંથી 12 ડેમમાં 20 ટકા કરતાં ઓછું પાણી, સુરેન્દ્રનગરના 11 ડેમમાંથી 8 ડેમમાં 20 ટકા કરતાં ઓછું પાણી, મોરબી જિલ્લાના 10 ડેમમાં થી છ ડેમમાં 20 ટકા કરતા ઓછું પાણી રહેલું છે. સિંચાઈ વિભાગ દ્વારા આગોતરું આયોજન પણ કરવામાં આવ્યું છે. જો વરસાદ ખેંચાશે તો સિંચાઈ વિભાગ અંતર્ગત નર્મદાના નીર ઠાલવવામાં આવશે. 

ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના ૫૩.૦૪ ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. ૧૦ જૂન-૨૦૨૪ની સ્થિતિએ રાજ્યના ૨૦૭ જળાશયોમાં ૪૦.૮૧ ટકા જળ સંગ્રહ હતો તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે. વધુમાં મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં સૌથી વધુ ૪૪.૦૮ ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૩.૨૫ ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૯.૩૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૨૮.૧૦ ટકા અને કચ્છના ૨૦ જળાશયોમાં ૨૭.૫૭ ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયા તેમજ  રાજ્ય મંત્રી મુકેશભાઇ પટેલના નેતૃત્વમાં  સરકારે સુજલામ સુફલામ્ જળ સંચય અભિયાન, નલ સે જલ અભિયાન જેવા જળ સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા ‘કેચ ધ રેઈન’ના આહૃવાનને સાકાર કરવા ગુજરાતમાં ‘કેચ ધ રેઈન- સુજલામ સુફલામ જળ અભિયાન ૨.O’નો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો. 

આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા ધોળીધજા તેમજ મોરબીના મચ્છુ-૩ જળાશયમાં હાલ ૯૧ ટકાથી વધુ પાણી ઉપલબ્ધ છે. જ્યારે કચ્છના કાલાઘોઘા જળાશયમાં ૮૨ ટકાથી વધુ, રાજકોટના ભાદર-૨માં ૭૭ ટકાથી વધુ છોટા ઉદેપુરના સુખી જળાશયમાં ૭૪ ટકાથી વધુ તેમજ રાજકોટના આજી-૨માં ૭૩ ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.  

જ્યારે રાજ્યના ૦૬ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા, ૨૦ જળાશયો ૫૦ થી ૭૦ ટકા તેમજ ૭૧ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયેલા છે. જેના પરિણામે ઉનાળા દરમિયાન પણ રાજ્યમાં ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં નાગરીકોની જરૂરિયાત મુજબ પૂરતા પ્રમાણમાં પાણી પુરૂ પાડવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news