નો બોલ, ફોર-સિક્સ, આઉટ...રોમાંચક મેચમાં ગુજરાતે મારી બાજી, છેલ્લી ઓવરમાં મુંબઈને આપી માત
MI vs GT : IPL 2025ની એક મહત્વપૂર્ણ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટે પરાજય થયો હતો. આ મેચમાં ગુજરાતની ટીમ છેલ્લી ઓવરમાં જીત મેળવવામાં સફળ રહી હતી.
Trending Photos
MI vs GT : વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે એક રોમાંચક મેચ રમાઈ. વરસાદે બે વાર મેચમાં વિક્ષેપ પાડ્યો. આ મેચમાં ગુજરાતે છેલ્લા બોલ પર ત્રણ વિકેટે જીત મેળવી હતી. આ જીત સાથે ગુજરાત લીગમાં ટોચ પર પહોંચી ગયું છે. મેચમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા અને દર્શકો અંત સુધી પોતાની સીટ પર ચોંટી રહ્યા. 156 રનનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે આ રોમાંચક વિજય મેળવ્યો. આ મેચમાં ગુજરાતની ટીમને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી અને ગુજરાતે છેલ્લા બોલ પર આ ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
છેલ્લી ઓવરમાં શું થયું ?
વરસાદ બાદ મેચ ઘટાડીને 19 ઓવરની કરવામાં આવી હતી. ટાઇટન્સને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી. દીપક ચહરે છેલ્લી ઓવર ફેંકી હતી. આ ઓવર ખૂબ જ રોમાંચક રહી. રાહુલ તેવટિયાએ પહેલા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. પછી એક રન લીધો. ગેરાલ્ડ કોટ્ઝીએ ચહરની બોલ પર સિક્સર ફટકારી. આ બોલ નો-બોલ હતો. તેવટિયાએ ફ્રી હિટ પર રન લઈને સ્કોર બરાબરી કર્યો. બીજા બોલ પર દીપક ચહરે કોટ્ઝીને આઉટ કર્યો. પરંતુ, દબાણમાં પણ અરશદ ખાને પોતાનું સંયમ જાળવી રાખ્યું. તેણે છેલ્લા બોલ પર એક રન લઈને ગુજરાત ટાઇટન્સને યાદગાર વિજય અપાવ્યો.
મેચમાં શું થયું ?
ગુજરાત ટાઇટન્સની શરૂઆત સારી રહી નહોતી. ટ્રેન્ટ બોલ્ટે ફોર્મમાં ચાલી રહેલા સાઈ સુધરસનને વહેલા આઉટ કર્યો. કેપ્ટન શુભમન ગિલ (43) અને જોસ બટલર (30) એ બીજી વિકેટ માટે 72 રન જોડ્યા. તેઓ સરળતાથી લક્ષ્યનો પીછો કરી રહ્યા હોય તેવું લાગતું હતું. પરંતુ, અશ્વિની કુમારે બટલરને આઉટ કર્યો. શેરફેન રૂથરફોર્ડે 14 બોલમાં ઝડપી 12 રનની ઇનિંગ રમીને ટાઇટન્સને આગળ ધપાવ્યું. આ પછી વરસાદ શરૂ થયો અને રમત રોકવી પડી.
જ્યારે મેચ ફરી શરૂ થઈ ત્યારે જસપ્રીત બુમરાહનો દબદબો રહ્યો. તેણે ગુજરાતના કેપ્ટન શુભમન ગિલને બોલ્ડ કર્યો. પછી શાહરુખ ખાન પણ બોલ્ડ થયો. બીજી તરફ બોલ્ટ અને અશ્વિનીએ રૂથરફોર્ડ અને રાશિદ ખાનને આઉટ કર્યા. આ પછી ફરી વરસાદ પડ્યો. મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જસપ્રીત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને અશ્વિની કુમારે બે-બે વિકેટ લીધી છતાં મુંબઈ મેચ જીતી શક્યું નહીં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે