Russia Earthquake: રશિયામાં આવેલા ભૂકંપ બાદ આ 12 દેશો પર મંડરાઈ રહ્યો છે સુનામીનો ખતરો ! જુઓ લિસ્ટ
Tsunami Warning Countries List: રશિયામાં આવેલા ભૂકંપ બાદ 12 દેશોના નામ સામે આવ્યા છે જે સુનામીના ખતરાનો સામનો કરી રહ્યા છે. ત્યારે આ 12 દેશો કયા કયા છે, તેના વિશે આ લેખમાં જાણીશું.
Trending Photos
Tsunami Warning Countries List: રશિયામાં આવેલા ભૂકંપને કારણે વિશ્વના ઘણા દેશોમાં સુનામીનો ખતરો મંડરાઈ રહ્યો છે. લોકોને 2011માં જાપાનમાં થયેલા વિનાશની યાદ આવવા લાગી છે. વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ બુધવારે રશિયાના કામચાટકામાં આવ્યો હતો. ભારતીય સમય મુજબ, સવારે 4:54 વાગ્યે 8.8ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એટલો જોરદાર છે કે સુનામીનો ભય શરૂ થયો છે. પેસિફિક મહાસાગરમાં રશિયાને અડીને આવેલા દેશોમાં સુનામી ચેતવણી આપવામાં આવી છે.
સુનામીના મોજા શરૂ થયા
રશિયામાં આવેલા ભૂકંપ પછી સુનામીના મોજા શરૂ થયા છે. જાપાન ઉપરાંત, સુનામીના મોજા અમેરિકા, રશિયા સુધી પહોંચવા લાગ્યા છે. અમેરિકાના દરિયાકાંઠાના રાજ્યોમાં પણ સમય જતાં સુનામીનો ખતરો વધી રહ્યો છે. સુનામીના મોજા હવાઈ કિનારે અથડાવા લાગ્યા છે. હાલ મોજાઓની ઊંચાઈ ઓછી હોવા છતાં, તે આવનારા મોટા ભય તરફ ઈશારો કરી રહ્યા છે. હવાઈના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.
સુનામીનો ખતરો કયા કયા દેશોમાં છે ?
રશિયા, જાપાન, અમેરિકા, કેનેડા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ન્યુઝીલેન્ડ, ચીન, ફિલિપાઇન્સ, તાઇવાન, ઇન્ડોનેશિયામાં સુનામીનો ખતરો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. રશિયામાં આવેલા ભૂકંપને કારણે તાઇવાન, ઇન્ડોનેશિયાના લોકો ગભરાટમાં છે કારણ કે અહીં પણ વહીવટીતંત્રે સુનામીની ચેતવણી જારી કરી છે.
અમેરિકામાં શું અસર થઈ શકે છે ?
અમેરિકામાં સુનામી 10 કરોડ લોકોને અસર કરી શકે છે. અમેરિકાના 9 રાજ્યોમાં સુનામીનો ખતરો છે. હવાઈની વસ્તી 15 લાખ છે અને અલાસ્કામાં 7.5 લાખ લોકો રહે છે. અમેરિકાના સૌથી મોટા રાજ્ય કેલિફોર્નિયામાં પણ સુનામીના ખતરો જોવા મળી શકે છે. કેલિફોર્નિયાની કુલ વસ્તી 3.90 કરોડ છે. તેવી જ રીતે વોશિંગ્ટન, ઓરેગોન, ટેક્સાસ, ન્યુ મેક્સિકો, એરિઝોના અને લુઇસિયાનામાં સુનામીના મોજા તબાહી મચાવશે તેવી આશંકા છે.
જાપાનમાં શું પરિસ્થિતિ છે ?
જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીના મોજા અથડાઈ રહ્યા છે. પ્રશાંત મહાસાગરમાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, જેના પછી જાપાનના દરિયાકાંઠાના વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. 20 લાખ લોકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. જાપાનના હવામાન વિભાગે પૂર્વી દરિયાકાંઠા માટે સુનામીની ચેતવણી જાહેર કરી છે. હોક્કાઇડોથી ક્યોશુ સુધી ચેતવણી જાહેર કરવામાં આવી છે. લોકોને દરિયાકાંઠાના વિસ્તારો ખાલી કરવા અને સમુદ્રથી દૂર રહેવા કહેવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે