શું હવે બેન્કમાં પણ રૂપિયા નથી સલામત? RBIએ જાહેર કર્યો ડરામણો રિપોર્ટ; વિચારવા માટે કરશે મજબૂર
RBI Bank Fraud Report: RBIના રિપોર્ટ અનુસાર 2024-25માં બેન્ક છેતરપિંડી 36,014 કરોડ રૂપિયા સુધી પહોંચી હતી, જે ગયા વર્ષ કરતાં 194% વધુ છે. સાર્વજનિક બેન્કોએ 25,667 કરોડ રૂપિયાના કૌભાંડની જાણ કરી છે. ડિજિટલ ફ્રોડમાં ઘટાડો આવ્યો છે.
Trending Photos
RBI Bank Fraud Report: શું હવે બેન્કોમાં રૂપિયા રાખવા સંપૂર્ણપણે અસુરક્ષિત બની ગયા છે? બેન્કોમાં રાખેલા રૂપિયાને લોન તરીકે લોકોને આપવામાં આવે છે, પરંતુ દર વર્ષે છેતરપિંડીના મામલામાં વધતા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં કોઈના રૂપિયા પણ ત્યાં સુરક્ષિત નથી જોવા મળી રહ્યા. તાજેતરનો મામલોએ છે કે, ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ તેનો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, નાણાકીય વર્ષ 2024-25માં બેન્કિંગ ક્ષેત્રમાં છેતરપિંડીની રકમ 36,014 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે ગયા વર્ષે 12,230 કરોડ રૂપિયા હતી. આ 194% નો મોટો વધારો છે, એટલે કે લગભગ ત્રણ ગણો. આ વખતે છેતરપિંડીના કેસોની સંખ્યામાં ઘટાડો થયો હોવા છતાં તેમાં સામેલ નાણાંની રકમ ઘણી મોટી અને વધુ ગંભીર છે.
રિપોર્ટ અનુસાર 2023-24માં કુલ 36,060 બેન્ક ફ્રોડના કેસ સામે આવ્યા હતા, જ્યારે 2024-25માં આ સંખ્યા ઘટીને 23,953 રહી ગઈ હતી. પરંતુ આટલા ઓછા મામલામાં પણ રકમ ત્રણ ગણી વધી ગઈ છે, જેનાથી બેન્કિંગ સિસ્ટમની આંતરિક નબળાઈઓ અને દેખરેખ પદ્ધતિ પર પ્રશ્નો ઉઠ્યા છે. RBIના મતે આ ઉછાળા પાછળનું એક મુખ્ય કારણ એ છે કે, સુપ્રીમ કોર્ટના આદેશ પછી જૂના કેસોની ફરીથી સમીક્ષા કરવામાં આવી હતી અને નવા રિપોર્ટિંગ હેઠળ તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ ફરીથી દાખલ કરાયેલા કેસોની સંખ્યા 122 હતી અને તેમની કુલ રકમ 18,674 કરોડ રૂપિયા હતી. તેનો અર્થ એ કે અડધાથી વધુ રકમ જૂના મામલાનું ફરીથી રિપોર્ટિંગ સાથે સંબંધિત છે.
કયા બેન્કિંગ ક્ષેત્રમાં કેટલી છેતરપિંડી?
- સાર્વજનિક ક્ષેત્રની બેન્કોએ 25,667 કરોડ રૂપિયાની છેતરપિંડી રિપોર્ટ કરી, જે ગયા વર્ષે નોંધાયેલા 9,254 કરોડ રૂપિયા કરતા ત્રણ ગણી વધારે છે.
- પ્રાઈવેટ બેન્કો છેતરપિંડીના મામલામાં સૌથી આગળ રહી - તેમણે કુલ 14,233 મામલા નોંધાવ્યા, જ્યારે પબ્લિક બેન્કોએ 6,935 કેસ નોંધાવ્યા.
- કુલ મામલામાંથી 59.42% ફક્ત પ્રાઈવેટ બેન્કો સાથે સંબંધિત છે, પરંતુ રકમની દ્રષ્ટિએ પબ્લિક બેન્કોનો ફાળો સૌથી મોટો છે.
કયા પ્રકારની છેતરપિંડી વધુ થઈ?
2024-25માં કુલ 33,148 કરોડ રૂપિયાની છેતરપિંડી લોન (Advances) સંબંધિત મામલામાં થઈ હતી, જે ગયા વર્ષે 10,072 કરોડ રૂપિયા હતી. તેનો અર્થ એ કે લોન પોર્ટફોલિયોમાં છેતરપિંડી સૌથી ગંભીર રહી. તેનાથી વિપરીત ડિજિટલ વ્યવહારો (કાર્ડ અને ઇન્ટરનેટ છેતરપિંડી) સંબંધિત કેસોમાં ઘટાડો થયો. 2023-24માં આવા ફ્રોડ 1,457 કરોડ રૂપિયાના હતા, જે આ વર્ષે ઘટીને 520 કરોડ રૂપિયા થયા છે.
જો કે, સંખ્યાની દ્રષ્ટિએ સૌથી વધુ કેસ ડિજિટલ છેતરપિંડીના જ હતા. 2024-25માં આવા 13,516 કેસ નોંધાયા હતા, જ્યારે ગયા વર્ષે આ સંખ્યા 29,082 હતી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે, ડિજિટલ સિસ્ટમ હવે પહેલા કરતાં વધુ સારી સુરક્ષા પૂરી પાડવાનું શરૂ કરી દીધી છે, પરંતુ લોન આપવાની પ્રક્રિયામાં હજુ પણ ઘણી ખામીઓ છે.
સુપ્રીમ કોર્ટનો પ્રભાવ
RBIએ રિપોર્ટમાં એ પણ જણાવ્યું કે, 31 માર્ચ 2025 સુધીમાં બેન્કોએ 783 કેસ પાછા ખેંચી લીધા હતા, જેની કુલ રકમ 1.12 લાખ કરોડ રૂપિયા હતી. આ મામલામાં પ્રાકૃતિક ન્યાયના સિદ્ધાંતોનું પાલન કરવામાં આવ્યું ન હતું, તેથી સુપ્રીમ કોર્ટના 27 માર્ચ 2023ના નિર્ણય બાદ તેમને દૂર કરવામાં આવ્યા હતા. આ નિર્ણય બાદ જૂના કેસોની ફરીથી તપાસ અને વર્ગીકરણ કરવામાં આવ્યું હતું, જેના કારણે છેતરપિંડીના આંકડામાં તીવ્ર વધારો થયો હતો.
RBIની નવી વ્યૂહરચના અને ભવિષ્ય માટેની તૈયારી
RBI હવે બેન્કોના લિક્વિડિટી સ્ટ્રેસ ટેસ્ટિંગને વધુ મજબૂત બનાવવાની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત, બેન્કના રોકડ પ્રવાહની વિશ્લેષણાત્મક તપાસ કરવામાં આવશે જેથી ખાતરી કરી શકાય કે બેન્ક કટોકટીના સમયમાં તેની નાણાકીય જવાબદારીઓ પૂર્ણ કરી શકે. આ ઉપરાંત ડિજિટલ સેવાઓની ઓપરેશન રેડિલિએન્સને સુધારવા માટે એક નવું માળખું રજૂ કરવામાં આવશે. આ માળખું બેન્કોની ડિજિટલ ચેનલોની ક્ષમતાઓ અને ટેકનિકલ ખામીઓ અથવા સાયબર હુમલા દરમિયાન કેવી રીતે કાર્ય કરે છે તેનું પરીક્ષણ કરશે. આ ઉપરાંત એક ગતિશીલ ડેશબોર્ડ પણ તૈયાર કરવામાં આવશે, જે ગ્રાહકોને તેમની બેન્કની ડિજિટલ સેવાની રિયલ ટાઈમ જાણકારી આપશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે