અમદાવાદને પાણી પાણી થતા રોકવા માટે AMC નો માસ્ટરપ્લાન, AI ની મદદ લેવાઈ
Ahmedabad News : હવે કોઈપણ સમયે શરૂ થઇ શકે ચોમાસું... આગામી ચોમાસાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર થયું સજ્જ... AI ટેક્નોલોજીની મદદથી કન્ટ્રોલ રૂમ માટે તૈયાર કરાયા વિશેષ સોફ્ટવેર... ભૂતકાળના આંકડાને આધારે આ વર્ષ માટે તૈયાર કરાઈ ખાસ સિસ્ટમ
Trending Photos
Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદમાં ચોમાસાની શરૂઆત ગમે ત્યારે થઈ શકે છે, અને આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) શહેરીજનોને વરસાદી સમસ્યાઓથી બચાવવા સજ્જ છે. AI ટેક્નોલોજી અને અદ્યતન સોફ્ટવેરની મદદથી AMCએ એક ખાસ કન્ટ્રોલ રૂમ તૈયાર કર્યું છે, જે શહેરના 147 વોટર લોગિંગ સ્પોટ્સ પર નજર રાખશે અને ત્વરિત કાર્યવાહી કરશે. આવો, જાણીએ આ નવતર પહેલથી શહેરીજનોને કઈ રીતે રાહત મળશે.
અમદાવાદમાં ચોમાસું આવે એટલે વોટર લોગિંગની સમસ્યા સામાન્ય બની જાય છે, પરંતુ આ વખતે AMCએ આગોતરી તૈયારીઓ કરી લીધી છે. શહેરના 7 ઝોનમાં 27 રેઇન ગેજ લગાવવામાં આવ્યા છે, જે વરસાદની તીવ્રતાને માપશે.
AMCના કન્ટ્રોલ રૂમમાં AI આધારિત ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવ્યું છે, જે ભૂતકાળના ડેટા અને હવામાન વિભાગના એલર્ટના આધારે દર 15 મિનિટે વરસાદની તીવ્રતાની માહિતી આપશે. આ સિસ્ટમમાં શહેરના 147 વોટર લોગિંગ સ્પોટ્સનો ડેટા ફીડ કરાયો છે, જેથી ચોક્કસ સ્થળે ત્વરિત કાર્યવાહી થઈ શકે.
આ વિશે AMC ના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશરના મિરાંત પરીખે જણાવ્યું કે, ‘અમે આ વખતે AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ચોમાસાની સંપૂર્ણ તૈયારી કરી છે. અમારું કન્ટ્રોલ રૂમ 24x7 કામ કરશે, અને દર 15 મિનિટે મળતા એલર્ટના આધારે અમારો સ્ટાફ વોટર લોગિંગ સ્પોટ્સ પર તાત્કાલિક પહોંચી જશે. આનાથી શહેરીજનોને ઝડપથી રાહત મળશે.’
તો AMC ના એડિશનલ સિટી ઈજનેર દેવાંગ દરજીએ કહ્યું કે, ‘અગાઉ વરસાદ શરૂ થયાના 1 થી દોઢ કલાક બાદ AMCનો સ્ટાફ સ્થળ પર પહોંચતો હતો, પરંતુ હવે યલો એલર્ટ મળતાની સાથે જ સ્ટાફને ચોક્કસ સ્થળે મોકલવામાં આવશે. આ ઉપરાંત, હવામાન વિભાગ દ્વારા પુણે શહેરની તર્જ પર અમદાવાદ માટે ખાસ સોફ્ટવેર તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે ડેટા એનાલિસિસ અને એલર્ટ સિસ્ટમને વધુ સચોટ બનાવશે.’
આ નવી સિસ્ટમથી શહેરના નાગરિકોને વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ઝડપથી રાહત મળશે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને આનો લાભ થશે, કારણ કે AMCનો સ્ટાફ હવે લાઈવ એલર્ટના આધારે તાત્કાલિક કાર્યવાહી કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે