એલાને જંગ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ફટાકડા અને ડ્રોન પર મૂકાયો પ્રતિબંધ
Gujarat Government : ગુજરાતમાં 15 મે સુધી ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ મૂકાયો... ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં સરકારે લીધો નિર્ણય
Trending Photos
India Pakistan War : ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો. રાજ્યમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. કોઈ પણ પ્રસંગમાં ફટાકડા નહીં ફોડી શકાય. કોઈ કાર્યક્રમમાં ડ્રોન પણ ઉડાવી નહિ શકાય. 15 મે સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે.
ગુજરાતમા ફટાકડા ફોડવા અને ડ્રોન ઉડાડવા સામે 15 મે સુધી પ્રતિબંધ મૂક્યો છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી જાહેરાત કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ગૃહ રાજ્ય મંત્રીએ તમામ પોલીસ અધિક્ષકોને જાહેરનામા બહાર પાડવા આદેશ કર્યો છે.
Gujarat:
No firecrackers or drones will be allowed in any functions or events until the 15th of this month. Kindly cooperate and follow the guidelines.
— Harsh Sanghavi (@sanghaviharsh) May 9, 2025
મુખ્યમંત્રીએ કરી ખાસ બેઠક, યુદ્ધની તૈયારીઓ અંગે કરી સમીક્ષા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગદિલીના પ્રવર્તમાન વાતાવરણમાં સરહદી રાજ્ય તરીકે ગુજરાતની સતર્કતા અને સજ્જતાની સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. તેમણે ગુજરાતમાં પાકિસ્તાન સાથે દરિયાઈ, જમીની અને હવાઈ સીમાથી જોડાયેલા જિલ્લાઓને હાઈએલર્ટ પર મૂકવામાં આવેલા છે તે સંદર્ભમાં વહીવટી તંત્ર, પોલીસ અને અન્ય વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ પાસેથી તેમના જિલ્લામાં હાથ ધરાઇ રહેલી સુરક્ષા-સલામતીની આગોતરી વ્યવસ્થાની વિગતો પણ વિડીયો કોન્ફરન્સ દ્વારા મેળવી હતી.
મુખ્યમંત્રી ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. સરહદી વિસ્તારના કચ્છ અને બનાસકાંઠા તથા પાટણ અને જામનગર જિલ્લાઓ સહિત રાજ્યની એકંદર સ્થિતિની ઝીણવટપૂર્વક માહિતી મેળવી હતી. તેમણે ખાસ કરીને પ્રવર્તમાન સ્થિતિમાં બધા જિલ્લાઓના કંટ્રોલરૂમ અને ઇમરજન્સી ઓપરેશન સેન્ટર સતત કાર્યરત રહે તે માટેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા હતા.
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી તંગદિલીની સાંપ્રત સ્થિતિમાં આરોગ્ય વિભાગની સંપૂર્ણ તૈયારીઓ છે. આજે ગુજરાતના તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારી તથા જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ બેઠક યોજી ઈમરજન્સીમાં જરૂરી તમામ વ્યવસ્થાઓ માટે સૂચનાઓ આપી સાથે સરહદી જિલ્લાઓને કોઈપણ… pic.twitter.com/aSmV2Yc02O
— Rushikesh Patel (@irushikeshpatel) May 9, 2025
મુખ્યમંત્રીએ આપાત કાલીન સ્થિતિમાં સંપર્ક જળવાઈ રહે તે માટે હોટલાઇન, સેટેલાઈટ ફોન જેવા દૂરસંચાર અને સંપર્કના વૈકલ્પિક માધ્યમોની ચકાસણી કરી લેવાની પણ તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ હાલની તનાવપૂર્ણ સ્થિતિમાં સંબંધિત જિલ્લાઓના સરહદી ગામોના ઈવેક્યુએશન પ્લાન કાર્યરત કરવા સાથોસાથ નાગરિક સંરક્ષણની સજ્જતા, સુરક્ષિત સ્થાનો-સેઈફ હાઉસની ઓળખ તેમજ પાણી, ખોરાક અને અન્ય સંસાધનોની પર્યાપ્ત ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા પણ બેઠકમાં સૂચનાઓ આપી હતી.
નાગરિકોને આવશ્યક વસ્તુઓનો અને પેટ્રોલ-ડીઝલ જેવા ફ્યુઅલનો પુરવઠો મેળવવામાં કોઈ તકલીફ ન રહે તે માટે સંબંધિત જિલ્લા અને તંત્ર વાહકોને આ જથ્થા નો પૂરતો સંગ્રહ તકેદારીના ભાગરૂપે કરી લેવા પણ સૂચનો કર્યા હતા.
આરોગ્ય વિભાગ અને વાહન વ્યવહાર વિભાગ પણ પૂરી વ્યવસ્થાઓ અને મેન પાવર સાથે કોઈ પણ વિકટ સ્થિતિ ને પહોંચી વળવા સજ્જ રહે તેવા નિર્દેશો પણ મુખ્યમંત્રીશ્રીએ આ સમીક્ષા બેઠકમાં આપ્યા હતા.
સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરી લેવા તેમજ મોબાઇલાઈઝેશન અને ચેતવણી માટેની વ્યવસ્થા ચકાસી લેવાની સ્પષ્ટ સૂચનાઓ પણ મુખ્યમંત્રીએ જિલ્લાના વડાઓને આપી હતી.
તેમણે લોકોમાં ખોટો ભય કે દહેશત ન ફેલાય અને અફવાઓથી લોકો ગેરમાર્ગે ન દોરાય તે માટે લોકજાગૃતિ અભિયાન શરૂ કરવા પણ સૂચવ્યું હતું. લોકોને પણ સરકાર ના વિવિધ વિભાગોના અધિકૃત સોશીયલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવતી સત્તાવાર માહિતી અને સમાચારો અને સૂચનાઓ પર ધ્યાન આપવાનો તેમણે અનુરોધ કર્યો હતો.
ખાસ કરીને સરહદી વિસ્તારો કે ગામોમાં કોઈપણ સંદિગ્ધ ગતિવિધિઓ, શંકાસ્પદ વસ્તુઓ કે વ્યક્તિઓ વિશે માહિતી મળે તો તુરંત જ તંત્ર એલર્ટ મોડ પર રહીને તત્કાલ કાર્યવાહી કરે તેમ સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આર્મી, એરફોર્સ, નેવી, કોસ્ટ ગાર્ડ, બી.એસ.એફ અને અન્ય કેન્દ્રીય એજન્સીઓની સતર્ક કામગીરીની સરાહના કરતાં તેમને જરૂરીયાત મુજબની મદદ રાજ્ય સરકાર દ્વારા ત્વરાએ મળશે તેવી ખાતરી પણ આપી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે