જૈન સમાજમાં ભારે આક્રોશ : અકસ્માતમાં જૈન સંતોના મોત મુદ્દે SITની રચના કરી તપાસ કરવા માંગ કરાઈ

Jain Samaj Protest : રાજસ્થાનની જૈન સંતની ઘટનાના અમદાવાદમાં પડ્યા પડઘા. રાજસ્થાનના પાલીમાં ટ્રકની અડફેટે જૈન સંત પુન્દ્રિક રત્ન સુરીશ્વરનું મોત થયું હતું. જૈન સમાજમાં ઘટનાને લઈને નારાજગી અને આક્રોશ જોવા મળ્યો. આ અકસ્માત નહીં પણ સુનિયોજિત હત્યા હોવાના જૈન સમાજના આક્ષેપ

જૈન સમાજમાં ભારે આક્રોશ : અકસ્માતમાં જૈન સંતોના મોત મુદ્દે SITની રચના કરી તપાસ કરવા માંગ કરાઈ

Ahmedabbad News દર્શલ રાવલ/અમદાવાદ : છેલ્લા કેટલાય સમયથી જૈન સમાજ ના સાધુ સાધ્વી વિહાર કરવા જાય છે. ત્યારે અકસ્માતમાં મૃત્યુ થવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે તાજેતરમાં રાજસ્થાનના પાલી ખાતે સંત પુંડરીક રત્ન સુરીશ્વરજીનું અકસ્માતમાં મોત થવાની ઘટનાનો અમદાવાદના જૈન સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે. જેમાં હવે કેન્દ્ર સરકાર સ્પેશિયલ સીટની રચના કરીને અકસ્માત નહીં પણ મર્ડરની તપાસ કરવાની માંગ ઉઠી છે.

  • રાજસ્થાનમાં જૈન મુનિની મોતના પડઘા પડ્યા અમદાવાદમાં 
  • મુનિના રોડ અકસ્માતમાં મોતને જૈન સમાજે ગણાવી હત્યા 
  • ઘટના અંગે જૈન સમાજમાં નારાજગી અને આક્રોશનો માહોલ 
  • જૈન સમાજના મુનિઓ અને લોકોએ કાઢી વિશાળ રેલી 
  • સાધુ-સંતોની સુરક્ષા અંગે જૈન સમાજે કરી માંગ 
  • સમગ્ર ઘટનામાં ઝીણવટપૂર્વક તપાસ થાય તેવી પણ માંગ 

જૈન સમાજમાં સામાજિક જીવન છોડીને દીક્ષા લઈને સમાજ સેવામાં અનેક લોકો જોડાય છે. ત્યાર બાદ દીક્ષા લેનાર સાધુ અને સાધ્વી વિહાર કરતા જોવા મળે છે અને એક શહેરથી બીજા શહેર અને એક ધર્મ સ્થળથી બીજા સ્થળે પદ યાત્રા કરે છે. પણ દેશ અને રાજ્યમાં અનેક સાધુ સાધ્વીઓના વિહાર દરમિયાન અકસ્માત થાય છે અને કેટલાકના મોત પણ નીપજે છે. જેમાં તાજેતરમાં રાજસ્થાનના પાલીમાં એક અકસ્માતમાં સંતનું મોત નીપજ્યું. ત્યારે જૈન સમાજ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ કોઈ ચોક્કસ સંસ્થાનું કામ છે જે સાધુ અને સાધ્વીને ટાર્ગેટ કરે છે, ત્યારે આવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

અકસ્માત થાય છે ત્યારે સ્થળ પર એવું કઈ લાગતું જ નથી એ અકસ્માત થયો હોય. જો ખરેખર અકસ્માત થાય તો વાહનને થોડું તો નુકસાન થાય કે નહીં એવા પણ પ્રશ્નો જૈન સમાજના આગેવાનોએ કર્યા હતા. તો ઘટનાને લઈને આજે અમદાવાદમાં જૈન સમાજની પાલડી અને વાસના વિસ્તારમાં રેલી નીકળી અને સભા યોજાઈ. જ્યાં સખત શબ્દોમાં ઘટનાને વખોડી ન્યાયની માંગ કરી. આવેદનપત્ર આપી અને ઇ મેઈલ મારફતે સરકારને રજુઆત કરવા સમાજે તૈયારી દર્શાવી.

સાધુ સાધ્વીના વિહાર દરમિયાન થયેલ એક્સિડન્ટની ઘટનાથી જૈન સમાજ રોષમાં છે. સાધુ સાધ્વીના એક્સિડન્ટ નહીં પણ મર્ડર છે તેવું તેમનું કહેવું છે. પ્લાનિંગ સાથે સાધુ સાઘ્વીની હત્યા કરવામાં આવે છે. આ માત્ર અકસ્માત નથી, ઠંડા કલેજે હત્યા છે. જૈન સમાજના સાધુ સાધ્વીઓ રાષ્ટ્રીય સંપત્તિ જાહેર કરવાની માંગ આ કાર્યક્રમમાં કરવામાં આવી છે. 

જૈન રાષ્ટ્રીય એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય શાહે જણાવ્યું કે, જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા સાધુ સાધ્વીના વિહાર માટે ખાસ પગદંડી તૈયારનું આયોજન છે. પણ અમુક જગ્યાએ અધૂરી તૈયાર કરવામાં આવી છે. જ્યારે જે જગ્યાએ જેટલી પગદંડી છે ત્યાંની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. સરકાર પગદંડીની દેખરેખ પણ રાખતી નથી. જ્યારે જૈન સમાજના મુખ્ય ધર્મસ્થાન પાલિતાણાના રસ્તાઓ અને પગદંડીઓ ખરાબ છે. જેમાં રાજ્ય સરકાર ખાસ એક્શન લે એવી માંગ કરી છે. પગદંડી બનાવવા માંગ કરાઈ છે. સાથે જ વિહાર કરતા સાધુ સાધ્વીઓ વિહાર દરમિયાન એક્સિડન્ટ થાય છે એ એક્સિડન્ટ નહીં પણ મર્ડર અને હત્યા છે, એમા રાજ્ય સરકારે અને કેન્દ્ર સરકારે SIT બનાવીને નિવૃત્ત હાઇકોર્ટના જજની અધ્યક્ષતામાં તપાસ કરવી જોઈએ, આ બાબતે વડાપ્રધાન નરેન્દ મોદી, રાષ્ટ્રપતિ, રાજસ્થાન અને ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાની જાહેરાત સભા દરમિયાન કરવામાં આવી હતી. તો સભામાં કરણી સેનાએ હાજર રહી ઘટનાને સમર્થન આપી ન્યાયની માંગ કરી હતી.

આમ જૈન સમાજ વિરુદ્ધમાં જે લોકો ધૃણા ફેલાવતા હોય એવા લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે સાથે જ સાધુ અને સાધ્વીઓ વિહાર પર જતા હોય તે રસ્તા ઉપરની પગદંડી પણ યોગ્ય બનાવીને સેફટી મૂકવામાં આવે તેવી માંગ પણ સભા દરમિયાન કરવામાં આવી હતી. ત્યારે હવે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જૈન સમાજના સાધુ સાધ્વીઓ બાબતે કયા પ્રકારના એક્શન લેશે તે જોવું રહ્યું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news