બોટાદના બરવાળા તાલુકામાં આભ ફાટ્યું! 227 તાલુકામાં વરસાદની એન્ટ્રી, જાણો કયા કેટલો પડ્યો?
Gujarat Rain Data: છેલ્લા ૨૪ કલાક દરમિયાન બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ ૭.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૨૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત. સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો
Trending Photos
Gujarat Heavy Rains: નૈઋત્ય ચોમાસાના આગમન સાથે જ રાજ્યમાં ૩૩ જિલ્લાના ૨૨૭ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદની શરૂઆત થઈ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં ૨૪ કલાક દરમિયાન રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં સૌથી વધુ ૭.૫ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં ૬ ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા ૨૪ કલાકમાં બોટાદ તાલુકામાં, સુરેન્દ્રનગરના મુળી અને જામનગરના જોડિયા તાલુકામાં ૫ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગરના થાનગઢ તેમજ ભાવનગરના ઉમરાળા અને વલ્લભીપુર તાલુકામાં પણ ૪ ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે.
આ ઉપરાંત સુરેન્દ્રનગરના ચુડા, બોટાદના રાણપુર, કચ્છના ગાંધીધામ, બનાસકાંઠાના દિયોદર, અમદાવાદના ધંધુકા, આણંદના બોરસદ અને કચ્છના અંજાર તાલુકામાં ૩ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના ૧૭ તાલુકામાં બે ઇંચથી વધુ, ૪૩ તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, ૧૫૨ તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
આજે તા. ૧૮ જૂન, ૨૦૨૫ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦.૪૬ ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ ૧૯.૧૮ ટકા, કચ્છ વિસ્તારમાં ૧૭.૫૫ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૯.૭૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૫.૭૫ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૫.૪૫ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે