Ahmedabad Plane Crash: અમદાવાદમાં એર ઈન્ડિયાનું જે પ્લેન તૂટી પડ્યું તેમાં 23 વર્ષના ઉભરતા ક્રિકેટર દીર્ધ પટેલનો પણ જીવ ગયો, ખાસ જાણો તેના વિશે
Ahmedabad Plane Crash: અમદાવાદમાં 12 જૂને થયેલા દર્દનાક વિમાન ક્રેશની ઘટનામાં વિમાનમાં સવાર 242માંથી 241 લોકોએ જીવ ગુમાવ્યા હતા જેમાં દીર્ધ પટેલ પણ સામેલ હતો. અકસ્માતમાં મૃત્યુઆંક 270 પાર પહોંચ્યો છે. આ અકસ્માત છેલ્લા 10 વર્ષમાં દુનિયામાં થયેલી સૌથી મોટી વિમાન દુર્ઘટનાઓમાંથી એક છે.
Trending Photos
અમદાવાદથી લંડન જતી ફ્લાઈટમાં જીવ ગુમાવનારામાં એક 23 વર્ષના ક્રિકેટરનું પણ મોત નિપજ્યું. દીર્ધ પટેલ જે ઈંગ્લેન્ડના લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબથી ક્રિકેટ રમતો હતો. ગુરુવારે 12 જૂનના રોજ થયેલા એર ઈન્ડિયાના વિમાન અકસ્માતમાં પ્લેનમાં સવાર 242માંથી 241 લોકો માર્યા ગયા. જેમાં દીર્ધ પણ સામેલ હતો. આ ફ્લાઈટ અમદાવાદથી લંડન માટે રવાના થઈ હતી. પરંતુ ગણતરીની પળોમાં ક્રેશ થઈ ગઈ.
ગુજરાતના 23 વર્ષના દીર્ધ પટેલે યુનિવર્સિટી ઓફ હડર્સફીલ્ડથી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સમાં માસ્ટર્સનો અભ્યાસ પૂરો કર્યો હતો. તે જલદી ટેક ઈન્ડસ્ટ્રીમાં કરિયર શરૂ કરવાનો હતો. હડર્સફીલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર દીર્ધ પટેલ એર ઈન્ડિયાની ફ્લાઈટ AI171માં સવાર એ 242 લોકોમાં સામેલ હતો જે 12 જૂનના રોજ અમદાવાદથી લંડનના ગેટવિક એરપોર્ટ માટે રવાના થઈ હતી.
બીબીસીના એક રિપોર્ટ મુજબ દીર્ધ પટેલના જૂના લેક્ચરર ડો. જ્યોર્જ બાર્ગિયાનિસે તેને એક ખુબ જ ખાસ વ્યક્તિ ગણાવ્યો હતો. જેણે પોતાના કોર્સમાં સૌથી વધુ અંક મેળવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે દીર્ધના ગ્રેજ્યુએશન બાદ પણ તે તેના સંપર્કમાં હતા. દીર્ધનું જવું એ તેમને યાદ અપાવે છે કે જીંદગી કેટલી નાજુક હોય છે.
દીર્ધ એક પ્રતિભાશાળી ક્રિકેટ ઓલરાઉન્ડર હતો અને 2024 સીઝનમાં ઈંગ્લેન્ડની લીડ્સ મોડર્નિયન્સ ક્રિકેટ ક્લબ માટે વિદેશી ખેલાડી તરીકે રમ્યો હતો. ક્લબે તેના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું કે અમે બધા એ સમાચારથી દુખી છીએ.
એયર્ડેલ અને વ્હાર્ફડેલ સીનિયર ક્રિકેટ લીગ (Airedale and Wharfedale Senior Cricket League) ના પ્રવક્તાએ જણાવ્યું કે દીર્ધ પોતાની નવી નોકરી શરૂ કર્યા બાદ ફરીથી ક્રિકેટ રમવાની યોજના ઘડી રહ્યો હતો. તેના ભાઈ કૃતિક પહેલા પૂલ ક્રિકેટ ક્લબ માટે રમી ચૂક્યો છે. બંને ક્લબોએ વીકેન્ડની મેચ પહેલા એક મિનિટનું મોન રાખીને શ્રદ્ધાંજલિ આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે