Nirjala Ekadashi 2025: કઈ તારીખે રાખવું નિર્જળા એકાદશીનું વ્રત ? એકાદશીના દિવસે આ ભુલ ન થાય તે વાતનું રાખવું ધ્યાન

Nirjala Ekadashi 2025: નિર્જળા એકાદશીનું વ્રત જેટલું ફળદાયી છે એટલું જ મુશ્કેલ છે. કારણ કે આ એકાદશીમાં કડક નિયમોનું પાલન કરવાનું હોય છે. આ એકાદશીના વ્રત દરમિયાન કેટલીક ભુલ ન થાય તે વાતનું તો ખાસ ધ્યાન રાખવું પડે છે. 
 

Nirjala Ekadashi 2025: કઈ તારીખે રાખવું નિર્જળા એકાદશીનું વ્રત ? એકાદશીના દિવસે આ ભુલ ન થાય તે વાતનું રાખવું ધ્યાન

Nirjala Ekadashi 2025: જેઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે તે દિવસે નિર્જળા એકાદશીનું વ્રત રાખવામાં આવે છે. વર્ષ દરમિયાન આવતી બધી જ એકાદશીમાં આ વ્રત સૌથી મુશ્કેલ અને સૌથી વધારે ફળદાયી છે. જે વ્યક્તિ નિર્જળા એકાદશીનું વ્રત નિર્વિઘ્ન કરે છે તેને આ વ્રતનું ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. પરંતુ આ એકાદશી કરવી ખૂબ જ મુશ્કેલ છે કારણ કે આ દિવસે અનાજ જ નહીં પરંતુ પાણી પણ ગ્રહણ કરી શકાતું નથી તેથી જ તેને નિર્જળા એકાદશી કહેવાય છે. 

આ વર્ત મહાભારતકાળમાં ભીમ સહિત બધા જ પાંડવોએ રાખ્યું હતું. તેથી તેને ભીમસેની એકાદશી પણ કહેવાય છે. વર્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ ફક્ત નિર્જળા એકાદશીનું વ્રત કરે છે તો પણ તેને 24 એકાદશી કર્યાનું ફળ મળે છે અને જીવનના બધા જ પાપથી મુક્તિ મળી જાય છે. નિર્જળા એકાદશીનું વ્રત નિયમ પૂર્વક જે વ્યક્તિ પૂરું કરે છે તેનું સ્વાસ્થ્ય સારું રહે છે, તે દીર્ઘાયું થાય છે અને સાથે જ ભગવાન વિષ્ણુ તેની બધી જ મનોકામના પૂર્ણ કરે છે. 

નિર્જળા એકાદશી 2025 

પંચાંગ અનુસાર આ વર્ષે નિર્જળા એકાદશીની તિથિ 6 જુન અને શુક્રવારે બપોરે 2.15 મિનિટથી શરૂ થશે અને 7 જૂન શનિવારે સવારે 4.47 મિનિટે સમાપ્ત થશે. આ વર્ષે નિર્જળા એકાદશીનું વ્રત 6 જુને રાખવામાં આવશે. એકાદશીના પારણા 7 જુન 2025 ના રોજ બપોરે 1.44 થી લઈને 4.31 મિનિટ સુધીનો રહેશે. 

નિર્જળા એકાદશીનું વ્રત કેવી રીતે કરવું 

આમ તો નિર્જળા એકાદશીના દિવસે કોઈપણ વસ્તુ ખાવા પીવાની મનાઈ હોય છે. પરંતુ ઘણા લોકો માટે આ એકાદશી નિર્જળ રીતે કરવી શક્ય નથી હોતી. આવા લોકો એકાદશી કરી શકે છે તેમણે એકાદશીના વ્રત દરમ્યાન દૂધ, દહીં, છાશ, ડ્રાયફ્રુટ કે ફ્રુટ ખાઈને વ્રત કરવું જોઈએ. આ દિવસે કોઇપણ વસ્તુમાં મીઠું ઉમેરવું નહીં. 

એકાદશીના વ્રતમાં શું ન ખાવું ?

એકાદશીનું વ્રત કર્યું હોય ત્યારે કોઈ પણ પ્રકારની તામસિક વસ્તુનું સેવન કરવું નહીં તેનાથી વ્રત તૂટી જાય છે અને ભગવાન વિષ્ણુ નારાજ પણ થાય છે. એકાદશી હોય ત્યારે અનાજ ખાવું નહીં. આ દિવસે મીઠાનું સેવન પણ ન કરવું. એકાદશીના વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત કરવું હોય તો એકાદશીનું વ્રત સાત્વિક વસ્તુઓ ખાઈને કરો. આ દિવસે લાલ મરચું, ધાણાજીરું, હળદર પાવડર, ગરમ મસાલા નું સેવન પણ કરવું નહીં. 

એકાદશીના દિવસે આ ભૂલ કરવી નહીં 

એકાદશીના દિવસે તુલસીનો સ્પર્શ કરવો નહીં, પાન પણ તોડવા નહીં અને તુલસીને જળ પણ અર્પણ કરવું નહીં. કારણ કે તુલસીજી બધી જ એકાદશીનું વ્રત કરે છે તેવું માનવામાં આવે છે. જો એકાદશીના દિવસે તુલસીના પાન તોડવામાં આવે કે તેમને પાણી ચઢાવવામાં આવે તો તુલસી નારાજ થાય છે. 

નિર્જળા એકાદશીનું વ્રત રાખવાનું હોય તો દસમની તિથિથી બીજાના ઘરનું ભોજન કરવું નહીં. દશમની તિથિથી જ તામસીક વસ્તુઓનો ત્યાગ કરો અને દશમની તિથિથી ત્રણ દિવસનું બ્રહ્મચર્યનું પાલન કરો. એકાદશી કર્યા પછી પારણા કરવાના હોય ત્યારે પણ સાત્વિક વસ્તુઓ જ ગ્રહણ કરો.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news