ગાંધીનગરના કાવાદાવા : મંત્રીઓનો ‘ખુરશી બચાવો’ ખેલ શરૂ, મહિલા ધારાસભ્યએ સ્ત્રી હઠનો પરચો બચાવ્યો
Gandhinagar Na Kavadava : ગુજરાતના રાજકારણની ગપશપ, કયા નેતાએ શું કર્યું, કોણ રાજ રમત રમી ગયું... જાણવા માટે જુઓ ‘ગાંધીનગરના કાવાદાવા’
Trending Photos
Gandhinagar Na Kavadava હિતલ પારેખ/ગાંધીનગર : ગાંધીનગરની રાજકીય ગલિયારીઓમાં બનતી ચટપટી વાતો લોકોના કાન સુધી પહોંચે તે માટે ઝી 24 કલાક તમારા માટે લાવ્યું છે ખાસ કોલમ ‘ગાંધીનગરના કાવાદાવા.’ દર સોમવારે પ્રસ્તુત થનારી આ કોલમમાં તમને એ વાતો જાણવા મળશે જે રાજકારણમાં એક કાનથી બીજા કાનમાં ચૂપચાપ કે ઈશારા ઈશારામાં કહેવાઈ જતી હોય છે. હિતલ પારેખની કલમે વાંચો ગાંધીનગરના કાવાદાવા.
ગૃર્ભગૃહમાં CM ને પણ પૂજા ન કરવા દીધી
શ્રાવણ મહિનામાં શિવ ભક્તિનું આગવું મહત્વ છે. આબાલવૃદ્ધ સૌ કોઈ શિવ ભક્તિમાં લીન બને છે. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે જ શિવભક્તિ કરવા ગયેલા મુખ્યમંત્રીને આશ્ચર્યજનક અનુભવ થયો. પ્રથમ સોમવારે જ મુખ્યમંત્રી ભગવાન શિવના દર્શન કરવા માટે ધોળેશ્વર મહાદેવના મંદિરે ગયા હતા. મુખ્યમંત્રીનો કાફલો આવતો હોય એટલે સ્વાભાવિક રીતે જ, મંદિરમાં પૂજા અર્ચના માટે અલગ તૈયારી કરવામાં આવે. મુખ્યમંત્રી પહોંચતા જ તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. જોકે ભગવાન શિવના ગર્ભગૃહમાં મુખ્યમંત્રીને આરતી પૂજા કરવા માટે જતા રોકવામાં આવ્યા. ધોળેશ્વર મહાદેવના મહંતે સ્પષ્ટ રીતે કહી દીધું કે, ગર્ભગૃહમાં ભગવાન શિવની આરતી પૂજા કરવી હોય તો મુખ્યમંત્રીએ ધોતી પહેરવી પડશે. ધોતી વગર મુખ્યમંત્રી હોય તો પણ તેમને પ્રવેશ નહીં આપવામાં આવે. આ વાત સાંભળી મુખ્યમંત્રી પણ ખુશ થઈ ગયા. ભગવાન શિવ સમક્ષ બધા જ સરખા અને નિયમનું પાલન દરેક માટે સરખું જ હોવું જોઈએ. આથી મુખ્યમંત્રીએ પણ ગર્ભગૃહની બહારથી જ પૂજા અર્ચના અને આરતી કરી. જોકે આ વાત બહાર આવતાં મુખ્યમંત્રીની સાદગી અને મંદિરના નિયમ બંને માટે ભક્તોમાં માન વધ્યું.
ખુરશી બચાવવા મંત્રીઓ સક્રિય બન્યા
ગુજરાતમાં જ્યારે જ્યારે મંત્રીમંડળ વિસ્તરણ કે ફેરબદલની વાત આવે એટલે કેટલાક મંત્રીઓ એકદમ સક્રિય બની જાય છે. છેલ્લા ચાર મહિનાથી મનરેગા કૌભાંડમાં ફસાયેલા પંચાયત રાજયમંત્રી બચુભાઈ ખાબડ સચિવાલયમાં તેમના કાર્યાલય અને જાહેર કાર્યક્રમોમાં દેખાતા નથી. જોકે થોડા દિવસ પહેલા જ દાહોદમાં યોજાયેલા સરકારી કાર્યક્રમમાં બચુભાઈ ખાબડ દેખાતા ફરી સક્રિય બન્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા ત્રણ મહિનાથી કેબિનેટ બેઠકમાં પણ બચુભાઈ ખાબડ આવતા નથી. તેમના કાર્યાલયમાં પણ હાજરી આપતા નથી. હવે ખુરશી બચાવવા આ મંત્રી સક્રિય બન્યા છે. પોતાના વિભાગની ફાઈલ પોતાના ઘરે મોકલવાની સૂચના આપી છે. બચુભાઈ ખાબડના નજીકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે હવે થોડા સમયમાં મંત્રી કેબિનેટ બેઠક અને પોતાના કાર્યાલયમાં પણ આવતા થઈ જશે.
હાર્દિકનો હુંકાર, ટાઈગર અભી જિંદા હૈ
ભાજપ સરકાર સામે પાટીદાર આંદોલન કરીને યુવા નેતા અને હવે ભાજપના જ ધારાસભ્ય બનેલા હાર્દિક પટેલ ફરી ચર્ચામાં આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી હાર્દિક પટેલ પોતાના મત વિસ્તાર સિવાય ક્યાંય જોવા મળતા નથી. કેટલાક રાજકીય નિષ્ણાતોએ હાર્દિક પટેલની ચૂપકીદીની નોંધ સતત લીધી હતી. હાર્દિક પટેલ એક પરિપક્વ નેતા બન્યા હોવાની વાત પણ ચર્ચાતી હતી. હાર્દિક પટેલમાં વ્યાપક પરિવર્તન આવ્યું હોવાની ચર્ચા પણ ચાલી. જોકે હવે હાર્દિક પટેલની ધીરજ ખૂટી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. પોતાના મતવિસ્તારમાં ગટર રસ્તા જેવી સમસ્યાઓને કારણે મુખ્યમંત્રીને પત્ર લખી હાર્દિકે આંદોલનનો હુકાર કર્યો છે. આ વાતની ગંભીર નોંધ ભાજપ સંગઠન અને સરકારમાં લેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે. હાર્દિક પટેલ ધીમે ધીમે પુનઃ આંદોલનકારી હાર્દિક પટેલની ઈમેજ પાછી મેળવવાનો પ્રયાસના ભાગરૂપે આ પત્ર હોવાની ચર્ચા છે. હાર્દિક પટેલ ધારાસભ્ય તરીકે ચુંટાતા તેને ભવિષ્યમાં મંત્રી બનાવશે તેવી વાતો પણ વહેતી થઈ હતી. જોકે લાંબા સમય પછી પણ હાર્દિકને ધારાસભ્ય પદ સિવાય કશું હાથમાં આવ્યું નથી. પાર્ટીમાં પણ હાર્દિક પટેલને કોઈ કશું પૂછતું કે ધ્યાનમાં લેતું નથી. તેના કારણે હવે હાર્દિક પટેલની ધીરજ ખૂટતા તે મેદાનમાં ઊતર્યા છે. જોકે હાર્દિક પટેલના મુખ્યમંત્રીને રાખેલા પત્રની નોંધ ભાજપ સંગઠને લીધી હોવાની ચર્ચા છે. કેટલાક સિનિયર નેતાઓએ હાર્દિક પટેલને કંટ્રોલમાં રાખવા સંગઠન મહામંત્રી રત્નાકર સુધી વાત કરી હોવાની પણ ચર્ચા શરૂ થઈ છે. જોકે હાર્દિક પટેલ ભાજપ અને તેના નેતાઓને સીધી કે આડકતરી રીતે એક જ વાત કહી રહ્યા છે, ટાઈગર અભી જિંદા હૈ.
CM ની દિલ્હી મુલાકાતથી ગુજરાતના રાજકારણમાં ઓગસ્ટ ક્રાંતિ
ઓગસ્ટ ક્રાંતિકારી મહિના તરીકે ઓળખાય છે. ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ પદ અને મંત્રીમંડળના વિસ્તરણ પર ઓગસ્ટ મહિનામાં જ નિર્ણય લેવાશે તે નિશ્ચિત મનાય છે. જોકે આ ચર્ચા વચ્ચે બીજી ઓગસ્ટના જ રોજ મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતે ગુજરાતમાં રાજકારણમાં ગરમી લાવી દીધી છે. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા સાથે મુલાકાત કરી. આ તસવીરો મુખ્યમંત્રીએ જ સોશિયલ મીડિયામાં શેર કરી. દિલ્હી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીએ આ સિવાય પણ મહત્વના ભાજપ સંગઠન અને સિનિયર નેતાઓને મળ્યા હોવાની ચર્ચા છે. પ્રાથમિક દ્રષ્ટિએ મુખ્યમંત્રીની આ મુલાકાત પ્રદેશ ભાજપ પ્રમુખ પદના ઉમેદવાર અને મંત્રીમંડળમાં ફેરબદલ સંદર્ભે ચર્ચાએ જોર પકડ્યું. ડુબતો માણસ તણખલું પકડે તેવી સ્થિતિ ભાજપના નેતાઓની થઈ છે. બસ હવે પ્રદેશ પ્રમુખની જાહેરાત થઈ જશે, મંત્રીમંડળનો વિસ્તરણ પણ થઈ જશે, તેવી વાતો પુનઃ કરતા થયા છે. ધીરજ રાખી બેઠેલા ધારાસભ્યો માટે મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાત આશાનું કિરણ બની છે. કેટલાક નેતાઓ ઓગસ્ટ ક્રાંતિ ની વાતો પણ દબાતા સ્વરે કાનમાં કહેતા થયા છે.
મહિલા ધારાસભ્યની હઠ સામે તંત્રએ પણ ઝૂકવું પડ્યું
એક મહિલા ધારાસભ્યને જાહેર કાર્યક્રમમાં બોલવાના મુદ્દા ઉપર સ્ત્રી હઠ શું કરી શકે તેનો પરચો તંત્રને મળ્યો. તાજેતરમાં જ મુખ્યમંત્રીનો ગાંધીનગર બહાર સત્તાવાર કાર્યક્રમનું આયોજન કરાયું. આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રીનો ઉપરા ઉપરી બીજા કાર્યક્રમ હોવાના કારણે સ્ટેજ કાર્યક્રમમાંથી સ્થાનિક ધારાસભ્યનું પ્રવચન રદ કરવામાં આવ્યું. જોકે કાર્યક્રમ પહેલા સ્થાનિક મહિલા ધારાસભ્યોને તેની જાણ થતા જ તેઓ મેદાનમાં આવ્યા. સ્થાનિક મહિલા ધારાસભ્યોને કેમ બોલવા દેવામાં ન આવે તે મુદ્દો ઉપસ્થિત કર્યો. આ મુદ્દાની ચર્ચા મુખ્યમંત્રી કાર્યાલય સુધી પણ પહોંચી. જોકે તંત્ર મુખ્યમંત્રીના શિડ્યુલને કારણે લાચાર હતું. મહિલા ધારાસભ્યએ નારાજગી પણ વ્યક્ત કરી. જોકે કાર્યક્રમના દિવસે મુખ્યમંત્રીએ પોતાની ઉદારતા દાખવી પોતાની પહેલા મહિલા ધારાસભ્યને પ્રવચન કરવાની તક આપી. આ તક મળતા મહિલા ધારાસભ્ય ખુશ થઈ ગયા. જોકે કાર્યક્રમમાં હાજર સ્થાનિક બીજા ધારાસભ્યને સ્ટેજ ઉપર પોતાની બાજુમાં બેસાડી નારાજ મહિલા ધારાસભ્યને સંદેશો પણ આપી દીધો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે