ગુજરાતમાં ફરી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું ભૂત ધૂણ્યું, આદિવાસીઓએ કરી આંદોલનની તૈયારી
Par Tapi Narmada Link Project : દક્ષિણ ગુજરાતના આદિવાસીઓ હવે પાર તાપી નર્મદા રિવર લિંગ પ્રોજેક્ટ માટે લડી લેવાના મૂડમાં છે. અનંત પટેલે ચીમકી આપતા કહ્યું કે, કોઈ દિવસ એક ઇંચ જમીન કે પાણી આપવાના નથી
Trending Photos
Navsari News: ગુજરાત અને મહારાષ્ટ્ર બે રાજ્યોની નદીઓને જોડવાની યોજના પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ વર્ષ 2022 માં ગાજ્યા બાદ સરકારે પ્રોજેક્ટ રદ્દ કર્યો હતો. પરંતુ હાલમાં લોકસભામાં પૂછાયેલા પ્રશ્ન બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે ફરી આક્રમકતા બતાવી 14 ઓગસ્ટથી આંદોલનની તૈયારી કરી છે. ત્યારે વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી, કોંગ્રેસી ધારાસભ્ય આદિવાસીઓને ગુમરાહ કરીને પોતાનું અસ્તિત્વ બચાવવાનો પ્રયાસ કરે છે. રિવર લિંક પ્રોજેક્ટ થવાનો જ નથીની સ્પષ્ટતા કરી છે.
નવસારી જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટનું ભૂત ધૂણ્યું છે. જેમાં કોંગ્રેસ દ્વારા આદિવાસી સંઘર્ષ સમિતિ બનાવી આંદોલનની તૈયારી કરી છે. જેમાં ભાજપી ધારાસભ્યોએ રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે કોંગી ધારાસભ્ય અનંત પટેલ લોકોને ભરમાવી રહ્યાની વાત કરતા અનંત પટેલે વલસાડના સાંસદ અને કેન્દ્રીય જળ શક્તિ મંત્રી પાસે ખુલાસાની માંગ કરી હતી. જેમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલે નવસારીમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ રદ્દ થયો છે અને મોદી સરકાર આદિવાસીઓના હિતમાં જ છે તેવું કહ્યું હતું.
પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી
ત્યારબાદ વલસાડના સાંસદ ધવલ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરી કોંગ્રેસના આક્ષેપોની હવા કાઢી સત્યતા મુકી છે. જેમાં વર્ષ 2022 મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખે રિવર લિંક પ્રોજેક્ટ રદ્દ કર્યો હતો. હાલમાં લોકસભામાં પ્રશ્ન પૂછાયો હતો અને આ પ્રશ્નમાં દેશના તમામ પ્રોજેક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. જેને આધાર બનાવી કોંગી ધારાસભ્ય આદિવાસીઓને ભરમાવી રહ્યા છે. સરકાર દ્વારા કોઈ નોટિફિકેશન કે સર્ક્યુલેશન પાડ્યું નથી. તો શ્વેતપત્ર પણ આપવાનો મુદ્દો નથી. કોંગ્રેસ પહેલા લેખિતમાં પ્રોજેકટ, તેની સમાયવધિ અને ફન્ડિંગ વિશેનું ભારત સરકારનું લેખિત નોટિફિકેશન આપે પછી શ્વેતપત્રની માંગ કરે. ભાજપ હંમેશા આદિવાસીઓના વિકાસ માટે હંમેશા તત્પર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હંમેશા આદિવાસીઓના હિતના નિર્ણયો લીધા છે. ત્યારે આ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ થવાનો નથી
કોઈ દિવસ એક ઇંચ જમીન કે પાણી આપવાના નથી
નવસારીમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી. આર. પાટીલની રિવર લિંક પ્રોજેક્ટ મુદ્દે સ્પષ્ટતા બાદ અનંત પટેલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, DPR ન બન્યો હોય કે આ યોજના થવાની ન હોય તો આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાનો નથી. તમારે આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ પ્રોજેક્ટ થવાનો નથી લેખિતમાં આપો, નહીં તો લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરો કે આ યોજના કોઈ દિવસ બનશે નહીં અને આ વિસ્તારમાં ડેમ બનશે નહીં. આદિવાસી સમાજ જાગી ગયો છે, ગૂગલ સર્ચ કરો તો DPR બતાવશે. માહિતી બતાવશે. આદિવાસી સમાજ ભોળો છે એને ભોળવવાની કોશિશ ન કરો. મૂરખ બનાવવાની કોશિશ ન કરો. 14 ઓગસ્ટે અમે ધરમપુરમાં વિશાલ રેલી કાઢી આદિવાસી સમાજનો આક્રોશ લોકો સુધી પહોંચાડીશું. કોઈ દિવસ એક ઇંચ જમીન કે પાણી આપવાના નથી.
અનંત પટેલના હાથ મજબૂત કરો, હવે મોગલી બોગલી નહીં ચાલે
આદિવાસી રાજકારણમાં વ્યક્તિગત પ્રહારો શરૂ થયા. વિશ્વ આદિવાસી દિવસે વાંસદામાં જીગ્નેશ મેવાણીએ વિવાદન નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે, અનંત પટેલના હાથ મજબૂત કરો, હવે મોગલી બોગલી નહીં ચાલે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલના માતાનું નામ છે મોગરીબેન. ગત વિધાનસભાની ચૂંટણી વખતે પણ મોગલી નામનો શબ્દ પ્રયોગ અનંત પટેલ દ્વારા થયો હતો. વિવાદિત ટિપ્પણી મામલે ધવલ પટેલે આક્રમતાથી નારાજગી દર્શાવી હતી. તેમણે કહ્યું હતું કે, અમે એમના જેવી નીચતા પર ઉતરતા નથી. કોઈના માતા બહેનો માટે આવી અભદ્ર ભાષા એમના સંસ્કાર દર્શાવે છે. અમારા ધારાસભ્યના સ્વ. માતા વિશે જો બીજી વખત વિવાદિત ટિપ્પણી થઈ તો અમે અમારી સ્ટાઇલમાં જવાબ આપીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે