બંગલામાં આગ લાગી તો ઘરમાંથી મળી આવ્યો કેશનો ભંડાર...કોણ છે જસ્ટિસ યશવંત વર્મા?
ન્યાયાધીશના બંગલામાં આગ લાગતા ઘરના લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી. આગ ઓલવવા દરમિયાન ઘરમાં પડેલી કેશનો ચોંકાવનારો ખુલાસો થયો. જાણો કોણ છે આ જસ્ટિસ યશવંત વર્મા?
Trending Photos
દિલ્હી હાઈકોર્ટના જજ યશવંત વર્મા અચાનક ચર્ચામાં આવી ગયા છે. દિલ્હી સ્થિત તેમના બંગલામાં આગ લાગ્યા બાદ જ્યારે ફાયર બ્રિગેડની ટીમ આ આગને ઓલવવા માટે પહોંચી તો ઘરમાંથી ભારે પ્રમાણમાં કેશ મળી આવી. જ્યારે આ ઘટના ઘટી ત્યારે જસ્ટિસ વર્મા દિલ્હીમાં હાજર નહતા. આ સમાચાર મળતા જ સુપ્રીમ કોર્ટનું કોલેજિયમ હરકતમાં આવ્યું અને તેમને મૂળ સ્થાન અલાહાબાદ હાઈકોર્ટ ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો. સુપ્રીમ કોર્ટ કોલેજિયમની અધ્યક્ષતા કરી રહેલા ભારતના ચીફ જસ્ટિસ સંજીવ ખન્નાએ જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર માટે કેન્દ્ર સરકારને ભલામણ કરી છે.
કોણ છે જસ્ટિસ યશવંત વર્મા
જસ્ટિસ યશવંત વર્મા ઓક્ટોબર 2021માં દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ તરીકે શપથ લીધા હતા. તે પહેલા તેઓ અલાહાબાદ હાઈકોર્ટમાં અનેક મહત્વપૂર્ણ પદો પર હતા. તેઓ અલાહાબાદ હાઈકોર્ટમાં 13 ઓક્ટોબર 2014ના રોજ એડિશનલ જસ્ટિસ તરીકે નિયુક્ત થયા હતા અને 1 ફેબ્રુઆરી 2016ના રોજ કાયમી ન્યાયાધીશ તરીકે કાર્યરત થયા હતા. ત્યારબાદ તેમને 11 ઓક્ટોબર 2021ના રોજ દિલ્હી હાઈકોર્ટમાં ટ્રાન્સફર કરાયા હતા.
જસ્ટિસ વર્માના ઘરમાં આગ લાગ્યા બાદ વિપુલ પ્રમાણમાં કેશ મળી આવી હતી. રિપોર્ટ મુજબ જ્યારે આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા દિલ્હીમાં હાજર નહતા અને તેમના પરિવારના સભ્યોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. આગ ઓલવ્યા બાદ રૂમમાંથી ભારે કેશ મળી હતી. એવી શંકા છે કે આ કાળું નાણું હોઈ શકે છે.
જસ્ટિસ યશવંત વર્માનો જન્મ 6 જાન્યુઆરી 1969ના રોજ અલાહાબાદમાં થયો હતો. તેમણે દિલ્હી યુનિવર્સિટીની હંસરાજ કોલેજથી બીકોમ (ઓનર્સ) કર્યુ અને ત્યારબાદ મધ્ય પ્રદેશના રેવા યુનિવર્સિટીથી એલએલબીની ડિગ્રી મેળવી. તેમણે 8 ઓગસ્ટ 1992ના રોજ વકીલ તરીકે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.
અલાહાબાદ હાઈકોર્ટમાં પોતાના કાર્યકાળ દરમિયાન જસ્ટિસ યશવંત વર્માએ શ્રમ અને ઔદ્યોગિક કાનૂન, કોર્પોરેટ કાનૂન, કરાધાન અને સંબધિત ક્ષેત્રોમાં વિશેષજ્ઞતા મેળવી હતી. તેમણે 2006થી અલાહાબાદ હાઈકોર્ટના વિશેષ વકીલ તરીકે પણ કામ કર્યું હતું. આ ઉપરાંત તેમને કોર્ટ દ્વારા વરિષ્ઠ વકીલ તરીકે નોમિનેટ કરાયા તે પહેલા જસ્ટિસ વર્માએ 2012થી ઓગસ્ટ 2013 સુધી યુપીના મુખ્ય સ્થાયી વકીલ તરીકે પણ કામ કર્યું હતું.
અનેક મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા
પોતાના કાર્યકાળ દરમિયાન તેમણે અનેક મહત્વપૂર્મ ચુકાદા આપ્યા. માર્ચ 2024માં તેમણે કોંગ્રેસ પાર્ટી દ્વારા આવકવેરા પુર્નમુલ્યાંકન વિરુદ્ધ દાખલ અરજી ફગાવી દીધી હતી. આ ઉપરાંત જાન્યુઆરી 2023માં તેમણે નેટફ્લિક્સની વેબ સિરીઝ 'Trial by Fire' પર રોક લગાવવાની ના પાડી હતી. આ મામલે રિયલ એસ્ટેટ કારોબારી સુશીલ અંસલે કોર્ટમાં અરજી દાખલ કરી હતી જેના પર ચુકાદો આપતા જસ્ટિસ વર્માએ કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતા જાળવી રાખવી જરૂરી છે, ભલે સરકારો અને ન્યાયલય કેટલીક ચીજોને પ્રકાશિત કરવાના પક્ષમાં હોય કે ન હોય.
ટ્રાન્સફરની ભલામણ
કેશ મળ્યા બાદ તેનો રેકોર્ડ નોંધવામાં આવ્યો અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાને આ અંગે જાણકારી અપાઈ. ત્યારબાદ કોલેજિયમની બેઠકમાં તેમની ટ્રાન્સફર અંગે ભલામણ કરાઈ. આ ઘટનાક્રમ બાદ કેટલાક ન્યાયાધીશોએ ચિંતા વ્યક્ત કરી છે કે ફક્ત ટ્રાન્સફરથી ન્યાયપાલિકાની છબીને નુકસાન પહોંચશે. આથી તપાસ અને મહાભિયોગની પ્રક્રિયા ઉપર પણ ચર્ચા થઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે